Rashtriya Lok Adalat – સુરેન્દ્રનગર જિલ્લા તથા તાલુકા મથકોએ 13મી મેના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરેન્દ્રનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની અદાલતોમાં દાખલ થયેલ કેસોનું ભારણ ઘટે તથા નાગરિકોને સમયસર ન્યાય મળી રહે, તે હેતુસર અલગ-અલગ વિષયો પરની નેશનલ લોક અદાલતોનું આયોજન કરવામાં આવેલ છે.
જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા મથક તથા તાલુકા મથકે તા.13-05-2023ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવનાર છે. આ નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 (ચેક રિટર્ન અંગેના કેસો), બેંક લેણાના કેસો, મોટર અકસ્માત કલેઈમને લગતા કેસો, લગ્ન વિષયક કેસો, મજૂર કાયદા હેઠળના કેસો, જમીન સંપાદનને લગતા કેસો, ઇલેટ્રીકસીટી તથા પાણીના (ચોરી સિવાયના) બીલોને લગતા કેસો, રેવન્યુ કેસો, દીવાની પ્રકારના કેસો (ભાડુ, સુખાધિકારના કેસ, મનાઇ હુકમના દાવા, કરાર પાલનના દાવા તેમજ અન્ય સમાધાન લાયક કેસો વિગેરે હાથ પર લેવામાં આવશે.
જેને ધ્યાને લઈ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરેન્દ્રનગર દ્વારા તમામ પક્ષકારોને જણાવાયું છે કે, નેશનલ લોક અદાલતમાં તેઓનો કેસ મૂકી નિર્ણિત કરવામાં આવે તો બંન્ને પક્ષકારોને લાભકર્તા છે અને બંન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે તથા કોઈનો પરાજય નહીં તેવી પરિસ્થિતિ ઉદ્દભવે છે અને તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે તથા કોઈ પ્રકારનું વૈમનસ્ય ઉદ્દભવતું નથી તેમજ પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી, પરિણામે ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે.
જેથી આગામી તા.13-05-2023ના રોજ યોજાનાર નેશનલ લોક અદાલતમાં તેઓના કેસો મુકાવી આ નેશનલ લોક અદાલતમાં પક્ષકારોને સક્રિય ભાગ લેવા અનુરોધ કરવામાં આવે છે તથા જે પક્ષકારો પોતાનો કેસ આગામી નેશનલ લોક અદાલતમાં મુકવા માગતા હોય, તેઓ કોર્ટનો સંપર્ક કરી તેઓનો કેસ નેશનલ લોક અદાલતમાં મુકવા કાર્યવાહી હાથ ધરી શકે છે. જેથી આ નેશનલ લોક અદાલતનો મહત્તમ લાભ લઈ વધુને વધુ કેસો નેશનલ લોક અદાલતમાં મુકાવી, આ અદાલતને સફળ બનાવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની અખબારી યાદીમાં જણાવાયું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ફોટાવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર