કાર્યવાહી: IAS કે.રાજેશ કેસનો રેલો મોરબી પહોંચ્યો : લોકરમાંથી મળેલા 5 કરોડ રાજકીય અગ્રણીના ભત્રીજાએ જમા કરાવ્યાની શંકા
કે.રાજેશના બેંક લોકરમાંથી 5 કરોડ રૂપિયા મળ્યાઃ મોરબીના રાજકીય અગ્રણીના ભત્રીજાએ નાખ્યા હોવાનું ખૂલ્યું: સૂત્ર
- IAS અધિકારી કે.રાજેશ સામે CBIનો ગાળીયો
- બેંક લોકરમાંથી 5 કરોડ રૂપિયા મળ્યાઃ સૂત્ર
- કે.રાજેશ સામે નોંધાશે કેસ
કે. રાજેશના કૌભાંડની હરમાળામાં વધુ એક કાળું મોતી પરોવાયું છે. IAS અધિકારી કે.રાજેશ સામે CBIનો તપાસમાં ગાળીયો કસાતો જઇ રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કે.રાજેશના બેંક લોકરમાંથી 5 કરોડ રૂપિયા મળ્યા હોવાની વાતો મળી રહી છે. આ સૂત્રો દ્વારા એ પણ માહિતી મળી રહી છે કે મોરબીના રાજકીય અગ્રણીના ભત્રીજાએ આ નાણાં જમા કરાવ્યા છે. CBI કે.રાજેશના ભ્રષ્ટાચારના પુરાવા એકત્ર કરી રહ્યું છે ત્યારે રાજકોટ પછી મોરબી કનેક્શન પણ સામે આવ્યું છે. હવે ભ્રષ્ટાચારના કેસ બાદ આવક કરતા વધુ સંપત્તિનો કેસ નોંધાશે તે નક્કી છે.
રાજકોટના દિગ્ગજ નેતા સુધી તપાસનો રેલો પહોંચી શકે
બીજી બાજુ સુરેન્દ્રનગરની બામણબોરની જમીનના સોદામાં રાજકોટના એક રાજકીય અગ્રણી શંકાના દાયરામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે CBIના તપાસમાં જાણવા મળ્યું હતું કે, બામણબોરની જમીનના વેચાણમાં પણ કંઈક શંકાશીલ મળે તેવી શક્યતા છે. સુરેન્દ્રનગરના બામણબોરમાં 2000 કરોડની આશરે 800 એકરની જમીનમાં કૌભાંડનો મામલો ચર્ચામાં આવ્યો છે જેનો તપાસનો રેલો IAS કે. રાજેશ અને રાજકોટના દિગ્ગજ નેતા સુધી પહોંચી શકે છે. કાયદાનું ખોટું અર્થઘટન કરીને 800 એકરની જમીનની લ્હાણી કર્યાનો આક્ષેપ છે. અત્રે નોંધનીય છે કે, નક્કર પુરાવાના આધારે 2011 ગુજરાત કેડરના IAS અધિકારી કે. રાજેશની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. IAS અધિકારી પર 700 કરોડના કૌભાંડનો આક્ષેપ છે. કે.રાજેશની તપાસનો રેલો નેતાઓ સુધી પણ પહોંચી શકે છે.
CBIની તપાસનું કારણ મુદ્દાવાર સમજો
- IAS કે.રાજેશ કાંડની તપાસમાં CBI પણ સામેલ થઈ
- ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી
- CBIના અધિકારીઓની એક ટીમ રાજકોટમાં તપાસ કરી
- ડેપ્યુટી કલેકટરનું નિવેદન નોંધવામાં આવ્યું
- કે.રાજેશના તાબાના અધિકારીને ફાઇલો પાસ કરવા આપી હતી
- જમીનના બે પ્લોટની ફાઈલ ક્લિયરની સૂચના આપી હતી
- બંન્ને પ્લોટની ફાઈલ ક્લિયર કરવામાં ગેરરીતિ થયાનું પ્રકાશમાં આવ્યુ હતું
- કે.રાજેશે પોતાની સંડોવણી નકારી કાઢી હોવાની પણ માહિતી
- કે.રાજેશે દોષનો ટોપલો ડેપ્યુટી કલેકટર પર ઢોળ્યો હોવાની વાત
- ડેપ્યુટી કલેકટર કે.રાજેશ સામેની તપાસમાં મહત્વના સાક્ષી બની શકે
IAS કે.રાજેશની તત્કાલીન સરકારી અધિકારીએ પોલ ખૂલી
સમગ્ર મામલે તત્કાલિન અધિક કલેકટર ચંદ્રકાંત પંડયા તથા તેમના પરિવારજનોએ સમગ્ર મામલે મીડિયા સમક્ષ ખુલીને વાતચીત કરી હતી. વ્યથા ઠાલવતા કહ્યું હતું કે,IAS કે.રાજેશે મને ખુબ દુ:ખી કર્યો છે. તેમના દ્વારા ફાઈલો ક્લિયર કરવા અંગે મારા પર ખૂબ દબાણ કરવામાં આવતું હતું. સમગ્ર મામલે હું તત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ રજૂઆત કરવા ગયો તો મને જેલમાં નાંખી દીધો હતો.
વડોદરાની છોકરીનો પોતાની જ જાત સાથે લગ્નનો નિર્ણય, બે અઠવાડિયાના હનીમૂનનો પણ છે પ્લાન
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, CBI તપાસનો ધમધમાટ ધીરે-ધીરે વધતા કે.રાજેશની મુશ્કેલી દિવસે ને દિવસે સતત વધતી જાય છે. કે. રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર હતાં તે સમયે સરકારી જમીનનો ખેલ પાડવાના વિવાદમાં તેઓ ફસાયા હતા. સૌરાષ્ટ્રમાં એરપોર્ટ નજીક 1 હજાર 47 એકર જમીનમાં કે. રાજેશ ફસાયા હતા. આ કેસમાં કે.રાજેશને સજા નહોતી મળી. જ્યારે અન્ય 2 GAS કેડરના અધિકારીને જેલની સજા ફટકારવામાં આવી હતી. આ બોગસ સરકારી દસ્તાવેજથી ચોટીલા, બામણબોર, મેવાસા અને શેખલીયામાં કૌભાંડ થયું હતું હતું. જેથી બામણબોરની જમીન મુદ્દે તપાસ થવા પર રાજકોટ કનેક્શન ખુલવાની શક્યતા છે.
કામ કરી આપવાની બદલામાં સુરતમાં 2 કરોડની દુકાનોના સોદા પાડ્યા
વધુમાં તમને જણાવી દઇએ કે, સુરતમાં અધિકારી નવા વિકસી રહેલા વિસ્તારમાં કે.રાજેશની 2 મિલકત સામે આવી છે. શહેરના ઉત્રાણ સ્થિત સિલ્વર બિઝનેસ પોઈન્ટમાં કે.રાજેશની 2 દુકાનો આવેલી છે. જે બજાર ભાવની કિંમત કરતાં સસ્તા ભાવે ખરીદવામાં આવી છે. અત્યારે આ બન્ને દુકાનો બેંક ઓફ બરોડાના ભાડા કરાર પર છે. અહીં કે.રાજેશ વતી રફીક મેમણ રૂપિયાની હેરાફેરી કરતો હતો. જેના રૂપિયા કાપડની દુકાનના એકાઉન્ટમાં IASના નામે આવતા હતા. ઉલ્લેખનીય છે કે, કે. રાજેશ સુરતમાં DDO તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
અધિકારીને રાજકોટથી ટ્રાન્સફર થયેલા રૂપિયા CBIના રડારમાં હોવાના સંકેત
આ સાથે IAS અધિકારી કે.રાજેશની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. અધિકારીને રાજકોટથી ટ્રાન્સફર થયેલા રૂપિયા CBIના રડારમાં હોવાના સંકેત સામે આવ્યા છે. જેથી IAS ઓફિસરને રૂપિયા 60 કરોડ કોણે ટ્રાન્સફર કર્યા તે તપાસનો વિષય છે. આ તપાસમાં રાજકોટના મોટા માથાનું કનેક્શન ખુલી શકે છે. જેને કારણે CBI રૂપિયાના ટ્રાન્સફરની તપાસ માટે રાજકોટ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, કે.રાજેશ મોરબી DDO હતા ત્યારથી જ રાજકોટના આગેવાનો અને ધંધાર્થીઓના સંપર્કમાં હતા.
પોલીસ વેરિફિકેશન વિના કે.રાજેશે ઈસ્યુ કર્યાં 100 અનધિકૃત આર્મ્સ લાયસન્સ
તદુપરાંત સુત્રો પાસેથી જાણવા મળતી વિગત અનુસાર IAS અધિકારી કે.રાજેશે અનધિકૃત 100 આર્મ્સ લાયસન્સ ઈસ્યુ કર્યાનો પણ ખુલાસો થયો છે. CBIની તપાસમાં આ નવો ખુલાસો સામે આવ્યો છે. અધિકારી સુરેન્દ્રનગરના કલેક્ટર હતા, ત્યારે પોલીસની NOC ન હોવા છતાં લાયસન્સ ઈસ્યૂ કર્યાં હતા. આ કેસમાં કે. રાજેશ પર ભ્રષ્ટાચારનો આરોપ પણ લાગેલો છે. જેથી CBI દરેક લાયસન્સનો તોડ મેળવી રહી છે.20 મે 2022એ CBIએ અધિકારીને ત્યાં દરોડા પાડીને તેઓની અટકાયત કરી હતી.
જાણો કોણ છે IAS કે.રાજેશ?
કે.રાજેશ 2011 બેચના IAS અધિકારી છે. હાલ સામાન્ય વહીવટી વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. કે.રાજેશ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. સુરેન્દ્રનગર કલેક્ટર બાદ ગૃહ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે બદલી થઇ હતી. ગૃહ વિભાગમાં બદલીના ગણતરીના દિવસોમાં જ તેમને સાઈડ પોસ્ટ કરાયા હતા.