લખતર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનાં ATMમાં મહિનામાં બીજીવાર વ્યક્તિને વીજશોક લાગ્યો
લખતર એસબીઆઇ નજીક આવેલા એટીએમમાં એક વ્યક્તિને વીજશોક લાગ્યો હતો. સદનસીબે તેઓને કંઈ થયું ન હતું. બાદમાં એસબીઆઇ દ્વારા નોટિસ લગાવી એટીએમ બંધ કરી દેવામાં આવ્યું હતું.
- લખતર એસબીઆઇનું એટીએમમાં એક વ્યક્તિને વીજશોક લાગ્યો
- એસબીઆઇ દ્વારા નોટિસ લગાવી એટીએમ બંધ કરી દેવામાં આવ્યું
- બેંકના કર્મીએ એટીએમનું શટર બંધ કરી આડે લાકડાની આડશ મૂકી દીધી
લખતર એસબીઆઇ નજીક આવેલા એટીએમમાં એક વ્યક્તિને વીજશોક લાગ્યો હતો. સદનસીબે તેઓને કંઈ થયું ન હતું. બાદમાં એસબીઆઇ દ્વારા નોટિસ લગાવી એટીએમ બંધ કરી દેવામાં આવ્યું હતું. લખતર મેઈન બજાર નજીક લખતર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ આવેલી છે. ત્યાં બાજુમાં જ એસબીઆઇનું એટીએમ આવેલું છે. જ્યાં તા.14-8-22ને શનિવારના રોજ એક વ્યક્તિ રૂપિયા ઉપાડવા જતાં તેને વીજશોક લાગ્યો હતો. ત્યારે બેંકમાં જાણ કરતા બેંકના કર્મીએ એટીએમનું શટર બંધ કરી આડે લાકડાની આડશ મૂકી દીધી હતી.
બાદમાં બેંક દ્વારા નોટિસ લગાવવામાં આવી હતી. જેમાં જણાવ્યા અનુસાર એટીએમ મશીનના દરવાજા તેમજ શટરમાં ઇલેક્ટ્રિક અર્થિંગ આવતો હોવાથી દરવાજા તેમજ શટરને અડકવું નહીં. અને એટીએમ મશીન બંધ રાખ્યું હોવાનું જણાવ્યું છે. આમ, હાલમાં તહેવારોમાં જ બેંક તો બંધ જ છે પરંતુ મશીન પણ બંધ થતા ગ્રાહકોને મુશ્કેલી વેઠવી પડી હતી. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે તા.18 જુલાઈ 2022ના રોજ પણ એક યુવકને એટીએમમાં વીજશોક લાગ્યો હતો. તે સમયે બેંક દ્વારા કર્મચારી બોલાવી તેને યોગ્ય કર્યું હતું.