Vastadi – સુરેન્દ્રનગરના વસ્તડી ગામે ડાયવર્ઝન ધોવાઈ જતા સ્કૂલ બસ ફસાઈ, ગામલોકોએ બાળકોને બારીમાંથી કાઢી રેસ્ક્યુ કર્યા
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે પુલ તૂટી ગયા બાદ બનાવાયેલા ડાયવર્ઝન પર ભોગાવો નદીના પાણી ફરી વળતા લોકો જીવના જોખમે ડાયવર્ઝન પસાર કરી રહ્યા છે. ત્યારે આજે સવારે આ ડાયવર્ઝન પરથી પસાર થઈ રહેલી એક સ્કૂલ બસ ખાડામાં પડી જતા બસમાં સવાર 30 વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા હતા. ઘટનાની જાણ થતા ગામલોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓને બસની બારીમાંથી અને ડ્રાઇવરના દરવાજામાંથી બહાર કાઢી બચાવ્યા હતા. બસ જે જગ્યા ફસાઈ હતી તેની બાજુમાં જ સાત ફૂટ પાણી ભરેલું હતું. સદનસીબે બસ પલટી ન જતા મોટી જાનહાનિ સર્જાતા અટકી હતી.
એક વર્ષ પહેલા વસ્તડી ગામ પાસેનો પુલ તૂટ્યા બાદ તંત્ર દ્વારા અહીં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ જ્યારે પણ વરસાદ પડે ત્યારે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા ગ્રામજનો જીવના જોખમે ડાયવર્ઝન પસાર કરતા હોય છે. તેની વચ્ચે આજે આ અકસ્માત સર્જાયો હતો. ત્યારે સવાલ એ થાય કે, આજે બનેલી ઘટના માટે જવાબદાર કોણ?
પાણીની વચ્ચે બસ ફસાતા 30 વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે પુલ તૂટ્યા બાદ તંત્ર દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન ડાયવર્ઝન પર ભોગાવો નદીના પાણી ફરી વળતા કેટલાક સ્થળો પર ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. અહીં રહેતા લોકોને ચુડા અને વઢવાણ જવા માટેનો આ નજીકનો રસ્તો હોવાથી ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યું હોવા છતા લોકો અને વાહનચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. ત્યારે આજે અહીંથી 30 વિદ્યાર્થીઓ સાથેની સ્કૂલ બસ પસાર થતી સમયે ફસાતા બસમાં સવાર વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા હતા.
GANESH MOHOTSAV – સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિભાવપૂર્વક શોભાયાત્રાઓ બાદ ગણેશ મહોત્સવ સંપન્ન
ગામલોકોએ બસની બારીમાંથી કાઢી વિદ્યાર્થીઓને બચાવ્યા
કાચા ડાયવર્ઝન પર સ્કૂલ બસ ફસાઈ હતી. જેની ડાબી તરફ 7 ફૂટ પાણી ભરેલું હતું. જ્યારે જમણી તરફ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા હતા. દરવાજો ડાબી તરફ હોવાથી વિદ્યાર્થીઓ ત્યાંથી નીકળી શકે તેમ ન હતા. જેથી ગામલોકોએ ઘટનાસ્થળ પર પહોંચી બસની જમણી તરફની બારીમાંથી જ વિદ્યાર્થીઓને બહાર કાઢી બચાવ્યા હતા.
ત્રણ દિવસ પહેલા પણ અહીં બોલેરો ફસાઈ હતી
આજે જે ડાયવર્ઝન પર સ્કૂલ બસ ફસાઈ હતી ત્યાં જ ત્રણ દિવસ પહેલા રાત્રિના સમયે 6 લોકો સાથે એક બોલેરો ફસાઈ હતી. સદનસીબે જે તે સમયે પણ લોકોએ બોલેરોમાં સવાર તમામ લોકોને બચાવી લીધા હતા.
SURENDRANAGAR – સુરેન્દ્રનગર પાલિકામાં કોન્ટ્રાક્ટ આધારિત 60 સફાઈ કામદારોને છૂટા કરી દેતા રોષ
15 કિમીનો ચકરાવો બચાવવા લોકો આ રસ્તે ચાલે છે
વઢવાણ તાલુકાના વસ્તડીથી વઢવાણ આવવા માટે લોકો આ ડાયવર્ઝન પરથી પસાર થઈને વઢવાણ આવે છે. જેથી વસ્તડીથી વઢવાણનું અંતર 15 કિમી થાય છે. જો લોકોએ આ ડાયવર્ઝન પરથી પસાર થવું ન હોય અને વસ્તડીથી વઢવાણ જવું હોય તો વસ્તડીથી ચુડા અને લીંબડી થઈને વઢવાણ જવું પડે છે જેના માટે અંતર ડબલ એટલે કે 30 કિમી થઈ જાય છે.
એક વર્ષ પહેલા પુલના કટકા થયા હતા
વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે નદી પર જે પુલ હતો તે એક વર્ષ પહેલા તૂટી પડ્યો હતો. જેના કારણે વસતડી સહિત આસપાસના ગામલોકો ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા. તંત્ર દ્વારા લોકોની અવરજવર માટે કાચુ ડાયવર્ઝન બનાવી દેવામાં આવ્યું હતું. પરંતુ, ચોમાસા દરમિયાન આ ડાયવર્ઝન પર ભોગાવો નદીના પાણી ફરી વળતા ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું અને ખાડા પડી ગયા હતા. તેમ છતાં લોકોને વઢવાણ જવા માટે આ નજીકનો રસ્તો હોય જીવના જોખમે આ ડાયવર્ઝન પસાર કરતા હતા. અહીંનો પુલ એક વર્ષ પહેલા તૂટી ગયા બાદ પણ નવો ન બનવાના કારણે ગામલોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
GANESH LADDU – હૈદરાબાદમાં 1 કરોડ 87 લાખમાં વેચાયેલા ગણેશ લાડુની શું કહાણી છે?