આધારકાર્ડની કામગીરી ઠપ: સુરેન્દ્રનગરમાં આધાર કાર્ડની ઓફિસમાં પગારની ચૂકવણી કરવામાં ન આવતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા
- સરકારી કચેરીમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેજના કર્મચારીઓને નિયમિત પગારની ચૂકવણી કરવામાં આવતી નથી
- આધાર કાર્ડની કામગીરી ઠપ્પ થતા લોકો પરેશાન
સુરેન્દ્રનગર જિલ્લામાં આધાર કાર્ડ સુધારા અંગેનો સૌથી મોટો પ્રશ્ન સર્જાયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આધાર કાર્ડ સુધારા માટે લોકોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડતું હોવાના દ્રશ્યો પણ અવાર-નવાર સામે આવ્યાં છે. આ ઉપરાંત નગરપાલિકા ખાતે જે સિસ્ટમ ચાલુ છે, ત્યાં મારામારી અને ઝઘડા થતાં હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. ત્યારે હાલ સરકારી કચેરીઓમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓને નિયમિત પગાર આપવામાં ન આવતા હોવાની ફરિયાદ ઉઠી છે. જેને લઈ કોન્ટ્રાક્ટ બેજના કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
રજૂઆત કરી હોવા છતાં નિવેડો આવ્યો નથી
સુરેન્દ્રનગરમાં આધારકાર્ડ ઓફિસમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેજના કર્મચારીઓને સમયસર પગાર ન મળતા આજથી કોન્ટ્રાક્ટ બેજના કર્મચારી હડતાળ ઉપર ઉતરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, વારંવાર તંત્રને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ તંત્ર દ્વારા આ મામલે કોઇ પણ પ્રકારનો નિવેડો લાવવામાં આવ્યો નથી અને કોન્ટ્રાક્ટ તેમજ જરૂરી સૂચના પણ આપવામાં આવી નથી. જેથી કોન્ટ્રાક્ટરો બેથી ત્રણ માસનો પગાર એક સાથે ચૂકવી રહ્યા છે. પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ કર્મચારીઓ આર્થિક સંકડામણમાં પોતાના પરિવારનું જીવન ધોરણ ગુજારી રહ્યા છે.
કર્મચારીઓ આજથી હડતાળ ઉપર
સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં આવેલી આધાર કાર્ડની ઓફિસના તમામ કર્મચારીઓ આજથી હડતાળ ઉપર ઉતરી ચૂક્યા છે. સમયસર પગાર ન મળતા તમામ કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી જતા આધારકાર્ડની કામગીરી બંધ રહી છે.
યોગ્ય નિરાકરણ નહીં આવે તો હડતાળ યથાવત
કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત છતાં પણ સમયસર પગાર ચૂકવવામાં ન આવતા હાલમાં કર્મચારીઓમાં રોષ વ્યાપ્યો છે. તમામ આધારકાર્ડની કામગીરી પણ આજે બંધ રહી છે. જો આગામી દિવસોમાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા સમયસર પગાર કરવાની ખાત્રી નહીં આપવામાં આવે તો, હડતાળ યથાવત રહેશે તેવી ચિમકી પણ કર્મચારીઓ દ્વારા આપવામાં આવી છે.
સરકારી ઓફિસોમાં કોન્ટ્રાક્ટ બેજના કર્મચારીઓ વધુ
સામાન્ય રીતે હાલમાં કારખાનમાં પણ મજૂરોને એક દિવસના 340 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. પરંતુ સરકારી ઓફિસમાં કોન્ટ્રાક્ટ બેઝમાં ફરજ બજાવતા કર્મચારીઓને માત્ર 230 રૂપિયા ચૂકવવામાં આવતા હોવાની ફરિયાદ ઊઠી છે. આ એક ચર્ચાનો વિષય બન્યો છે. જિલ્લામાં આવેલી સરકારી ઓફિસોમાં સૌથી વધુ કામ કોન્ટ્રાક્ટ બેજના કર્મચારીનો કરતા હોય છે કોન્ટ્રાક્ટ બેજના કર્મચારીઓનો પગાર સૌથી ઓછા છે અને તે પણ અનિયમિત આપવામાં આવે છે. કોન્ટ્રાક્ટરો દ્વારા આવા સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેજના કર્મચારીઓનું શોષણ કરવામાં આવતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યાં છે.
ત્રણ માસથી પગાર કરવામાં આવ્યાં નથી
સુરેન્દ્રનગર નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગારની ચૂકવણી કરવામાં આવી નથી. જેને લઈ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓએ આજથી આ મુદ્દે હડતાળ શરૂ કરી છે.
આર્થિક સહાય: સુરસાગર ડેરીના 36 મૃતકના વારસદારોને 16.20 લાખની સહાય
પગાર ચૂકવવાની માગ
સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી કચેરીઓમાં જે સમયે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ રાખે ત્યારે તેને વિવિધ પ્રકારના દસ્તાવેજો અને ખાતરી પત્ર ભરવાના હોય છે. ત્યારે આ ખાતરીપત્રકમાં સ્પષ્ટ છે કે, સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને તે પોતે સમયસર પગાર ચૂકવશે. પુરતુ વેતન ચૂકવશે પરંતુ કોન્ટ્રાકટ મળી ગયા બાદ કોન્ટ્રાક્ટરો આ મામલે કોઇપણ પ્રકારના નિયમોનું પાલન ન કરવામાં આવતા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. સુરેન્દ્રનગરની મોટાભાગની સરકારી કચેરીઓમાં કોન્ટ્રાક્ટરો દ્વારા અનિયમિત કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવી રહ્યા છે. ત્યારે આવા કોન્ટ્રાક્ટરો ઉપર તંત્ર કાયદેસરની કાર્યવાહી હાથ ધરે અને જો યોગ્ય જણાય તો તેમના કોન્ટ્રાક્ટ રદ કરે અને દંડ પણ ફટકારે તેવી કોન્ટ્રાક્ટ બેજના કર્મચારીઓની માંગણી છે.
આધાર કાર્ડની કામગીરી ઠપ્પ થતાં રોષ
સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી કચેરીઓમાં કોન્ટ્રાક્ટરોને સમયસર પગાર ચૂકવવામાં આવતા આજે આધાર કાર્ડની ઓફિસમાં તમામ કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી ચૂક્યા છે. જ્યાં સુધી પગાર ચૂકવવામાં નહિં આવે ત્યાં સુધી કર્મચારીઓ હડતાલ ઉપર રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ત્યારે તાજેતરમાં જ શાળા કોલેજો શરૂ થઈ છે. હવે આગામી દિવસોમાં સ્કોલરશીપ યોજના ફોર્મ પણ ભરાવાની શરૂઆત થશે. જેમાં આધાર કાર્ડની તાતી જરૂર હોય જેને લઇને આધાર કાર્ડની ઓફિસમાં સુધારા વધારા કરવા અને નવા આધાર કાર્ડ કઢાવવા માટે લાંબી લાઈનો પહેલાથી જ જોવા મળી રહી છે. ત્યારે કામગીરી બંધ રહેતાં વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ પરેશાન બન્યા છે.