Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ
સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો 110થી વધુની સ્પીડે વાહનો હંકારતા હોવાની વિગતો બહાર આવી હતી.
જિલ્લાના નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે તેમજ અન્ય ધોરીમાર્ગો પર ટ્રાફિક પીએસઆઈ એમ.આર.ગોહિલ, જનકસિંહ ઝાલા, મિહિરસિંહ રાણા વગેરે દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે તા. 22 ફેબ્રુઆરીને બુધવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાન સાથે ચેકિંગ સાથે તપાસ કરવામાં આવી હતી. કારણ કે હાઇવે પર વાહનોની સ્પીડ મર્યાદા 80ની હોય છે. પરંતુ લીંબડી નેશનલ હાઇવે પર 110થી વધુની કિમીએ ચાલકો પોતાના વાહનો દોડાવતા હોવાની વિગતો બહાર આવી હતી. અને આથી જ આ નેશનલ હાઇવે પર બે કલાકમાં જ 15 વાહનચાલકો સામે ઈ-ચલણ કેસો કરાયા હતા. જેના કારણે આ ચાલકોને રૂ. 30,000નો દંડ પણ ફટકારાયો હતો.