એક્ટ્રેસ કૃષ્ણ ભક્તિમાં લીન: ‘અનુપમા’ની ‘નંદિની’ એક્ટિંગ કરિયર છોડીને આશ્રમમાં રહેવા લાગી, સવાર-સાંજ પૂજા પાઠ ને ભજન કરે છે
ટીવી સિરિયલ ‘અનુપમા’માં નંદિનીનો રોલ પ્લે કરીને જાણીતી બનેલી એક્ટ્રેસ અનઘા ભોસલેએ આ વર્ષે માર્ચમાં જાહેરાત કરી હતી કે તે એક્ટિંગમાંથી બ્રેક લેશે. અનઘાએ આધ્યાત્મિક કારણોસર ટીવીમાંથી બ્રેક લીધો છે. હવે અનઘા પૂરી રીતે કૃષ્ણ ભક્તિમાં લીન છે.
આશ્રમમાં ગૌસેવા કરે છે
અનઘાએ સો.મીડિયામાં કૃષ્ણ ભક્તિમાં લીન હોય તેવી ઘણી તસવીરો શૅર કરી છે. અનઘા હવે આશ્રમમાં રહે છે. અહીંયા તે ગૌસેવા કરે છે. તેણે ગૌસેવા કરતી તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘ગૌમાતામાં બ્રહ્મા રહે છે, ગળામાં ભગવાન વિષ્ણુ રહે છે, ભગવાન શિવ મોંમાં અને પેટમાં તમામ ભગવાનોનો વાસ છે.’
મંત્રજાપ કરે છે
અનઘા રાધાનાથ સ્વામીની શિષ્યા બની ગઈ છે. અનઘા નિયત રીતે મંત્રજાપ કરે છે. અનઘાએ કહ્યું હતું, ‘હવા, દિવ્યતાથી એટલી એટલી ગાઢ છે કે તમે તેમાં તરી શકો છો. બસ મંત્રજાપ કરો અને તે પ્રગટ થઈ જાય છે. આ સત્ય છે.’
ભજન કિર્તન કરે છે
અનઘા આશ્રમમાં રહીને સવાર-સાંજ કૃષ્ણના ભજનો ગાતી જોવા મળે છે. આ ઉપરાંત અનઘા કુપોષિત બાળકો માટે પણ કામ કરે છે.
ટીવીના ગંદા રાજકારણને કારણે એક્ટિંગ કરિયર છોડી
અનઘાએ કહ્યું હતું કે તેણે શો છોડવાની સાથે સાથે એક્ટિંગ કરિયરને પણ અલવિદા કહ્યું છે. રાજકારણ, ગંદી સ્પર્ધા, સતત સારા દેખાવવાનું તથા હંમેશાં પાતળા જ રહેવાનું અને સો.મીડિયામાં નિયમિત રીતે પોસ્ટ કરવાનું દબાણ રહેતું હતું. જો તમે આવું ના કરો તો તમે પાછળ મૂકાઈ જાવ. આ બધી બાબતો તેને પસંદ નહોતી.
2020માં એક્ટિંગ ડેબ્યૂ કર્યું
અનઘાએ મોડલિંગ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. તેણે અનેક પ્રિન્ટ જાહેરાતોમાં કામ કર્યું છે. અનઘાનો જન્મ પુણેના મધ્યમ વર્ગીય પરિવારમાં થયો છે. અનઘા માતા-પિતાની એકની એક દીકરી છે. અનઘાએ 2020માં ટીવી સિરિયલ ‘દાદી અમ્મા દાદી અમ્મા માન જાઓ’થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. તે જ વર્ષે તે ‘અનુપમા’ સિરિયલમાં જોવા મળી હતી.
‘અનુપમા‘ 2020માં શરૂ થયો
ઉલ્લેખનીય છે કે ‘અનુપમા’ શો વર્ષ 2020માં શરૂ થયો હતો. આ સિરિયલમાં રૂપાલી ગાંગુલીએ લીડ રોલ પ્લે કર્યો છે. સિરિયલમાં સુધાંશુ પાંડે, ગૌરવ ખન્ના, અરવિંદ વૈદ્ય, અલ્પા બુચ સહિતના કલાકારો છે.