:: આઝાદી કા અમૃત મહોત્સવ ::
ઝાલાવાડમાં હાથ ધરાશે દેશની આઝાદીના ૭પ વર્ષની ઉજવણી
૧૨ મી માર્ચે પાટડી મીઠા સત્યાગ્રહ, ધ્રાંગધ્રા સત્યાગ્રહ અને
લીંબડી સત્યાગ્રહને ઉજાગર કરતાં કાર્યક્રમો યોજાશે
- તા. ૧૨ મી માર્ચના રોજ ‘આઝાદી કા અમૃત મહોત્સવ‘ ની રાજ્યવ્યાપી ઉજવણીનું આયોજન
- ઝાલાવાડમાં હાથ ધરાશે દેશની આઝાદીના ૭પ વર્ષની ઉજવણી
- લીંબડી સત્યાગ્રહને ઉજાગર કરતાં કાર્યક્રમો યોજાશે
ભારતની આઝાદીના ૭પ વર્ષની ઉજવણીના ઉદ્દેશ્ય સાથે આગામી તા. ૧૨ મી માર્ચના રોજ ‘આઝાદી કા અમૃત મહોત્સવ‘ ની રાજ્યવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે તા. ૧૨ મી માર્ચના રોજ ઝાલાવાડમાં પણ ‘આઝાદી કા અમૃત મહોત્સવ‘ ની ઉજવણી અન્વયે લીંબડી, પાટડી અને ધ્રાંગધ્રા ખાતે વિવિધ કાર્યક્રમો હાથ ધરાનાર છે.
લીંબડી પ્રાંત અધિકારીશ્રી હર્ષવર્ધનસિંહ સોલંકીના જણાવ્યા પ્રમાણે ૧૮પ૭ થી લઇને આઝાદી સંગ્રામ સુધીની ગાથા – ઇતિહાસ નવી પેઢી સમક્ષ ઊજાગર કરવાના ઉદ્દેશ સાથે હાથ ધરાનાર આ કાર્યક્રમ અન્વયે લીંબડી ખાતે ઐતિહાસિક દાંડીકૂચની સ્મૃતિમાં આયોજીત લીંબડી સત્યાગ્રહને ઉજાગર કરતા કાર્યક્રમમાં સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઈ. કે. જાડેજા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં લીંબડી આસપાસના ભલગામડા, પાણશીણા, ઘાઘરેટીયા, જાખણ, ચોરણીયા, શિયાણી અને બોરણા ગામમાંથી બાઈક સ્વરૂપે રેલી નિકળી લીંબડી ગ્રીન ચોક ખાતે આવશે. જ્યાંથી સવારે ૯-૦૦ કલાકે રેલી શહેરના માર્ગો ઉપર ફરશે. આ પ્રસંગે લીંબડી સ્થિત મનદિપ પાર્ટી પ્લોટ, રાજુભાઈ પટેલના જીન ખાતે કાર્યક્રમ યોજાશે.
પાટડી પ્રાંત અધિકારીશ્રી ઋતુરાજસિંહ જાદવના જણાવ્યા પ્રમાણે આ દિવસે પાટડી ખાતે ૧૯૩૦ ના મીઠા સત્યાગ્રહમાં જોડાયેલા પાટડીના ૭૫ યુવાનોના કાર્યને જીવંત બનાવતા ‘‘ સબરસ સે સમરસ કી ઔર ’’ કાર્યક્રમ યોજાનાર છે. આ દિવસે પાટડીથી ૭૫ યુવાનો બાઈક ઉપર ખારાઘોડા ખાતે જઈ ત્યાંથી મીઠાની બેગ લાવી કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોને અર્પણ કરાશે. આ ઉપરાંત પાટડી તાલુકાના બજાણા, પાટડી, જૈનાબાદ અને વણોદ સ્ટેટના પરિવારજનોને સુતરની આંટી અને ગાંધીજીની આત્મકથા પુસ્તક આપી સન્માનીત કરવામાં આવશે. આ પ્રસંગે ફોટો પ્રદર્શન અને અગરના ગીતોનો કાર્યક્રમ પણ યોજાશે. પાટડી ખાતે યોજાનાર કાર્યક્રમમાં પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા અને ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણા ઉપસ્થિત રહેશે.
ધ્રાંગધ્રાના નાયબ કલેકટરશ્રી ભાવેશભાઈ દવેના જણાવ્યા પ્રમાણે ધ્રાંગધ્રા સત્યાગ્રહને ઉજાગર કરતો કાર્યક્રમ ધ્રાંગધ્રા ખાતે યોજાશે. જેમાં સાંસદશ્રી ડો. મહેન્દ્ર મુંજપરા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ અન્વયે વિદ્યાર્થીનીઓ દ્વારા શિશુકંજથી ફુલેશ્વર ચોક સુધીની સાયકલ રેલી યોજાશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, નગરજનો, અધિકારી અને પદાધિકારી દ્વારા શિશુકુંજથી બ્રાહ્મણની ભોજનશાળા સુધી દાંડી યાત્રાની પ્રતિકાત્મક રેલી યોજાશે. આ પ્રસંગે ગાંધીજીના અહિંસક આંદોલન અને તેમની દાંડીયાત્રા વિશે તેમજ ગાંધી મૂલ્યો વિષયક વક્તવ્ય મહાનુભાવો દ્વારા અપાશે.