ચોમાસાની શરૂઆત: ધ્રાંગધ્રા, ચુડા, થાન પંથકમાં વરસાદ મૂળી તાલુકામાં પણ 1.5 ઈંચ મેઘમહેર
- ધ્રાંગધ્રા,લખતર, પાટડીમાં વંટોળને લીધે મકાનો, સેડના છાપરા ઉડ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન ખાતાના અનુમાન મુજબ આ વર્ષે તા.20 જૂનથી ચોમાસાની શરૂઆત થશે અને આથી જ જિલ્લાના વાતાવરણમાં પલટો આવી ગયો છે. વરસાદ પડવાની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે રવિવારની રાતે જોરદાર પવન અને વંટોળ સાથે ખાસ કરીને ધ્રાંગધ્રા, થાન, ચુડા અને મૂળી પંથકના ગામોમાં 1 ઇંચથી વધુ વરસાદ થયો હતો. જેમાં ધ્રાંગધ્રા અને લખતરમાં અનેક મકાન તથા સેડના છાપરા ઉડી ગયા હતા. સામાન્ય રીતે આ વરસાદ ખેતી માટે ઉપગોગી પુરાવર થશે પરંતુ વંટોળને કારણે લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
ધ્રાંગધ્રા વિસ્તારમાં રવિવારે રાતના ભારે પવન સાથે વરસાદ પડતા અનેક મકાન અને ગોડાઉનના છાપરા ઉડી તો કેટલાક વૃક્ષો ધરાશાઇ થઇ ગયા હતા. બીજી તરફ વરસાદ પડતા કપાસ, મગફળી, જુવાર અને શાકભાજીના પાકને ફાયદો થયો છે. આ અંગે નંદલાલભાઈ પટેલે જણાવ્યું ભારે પવન સાથે વરસાદ પડતાં છાપરા ઉડી જવાના બનાવો ગ્રામ્ય વિસ્તારોમાં બનતા ભારે નુકસાન થયું છે. લખતરની રૂપાળીબા પે.સેન્ટર શાળા નં.1માં રહેલા વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી થયું હતું. તે વૃક્ષ નીચે એક શિક્ષકની કાર દબાઈ હતી. જ્યારે દેવળીયા તેમજ ઓળક નજીક કુલ 4 વીજપોલ પણ પડી ગયા હતા. લખતરમાં અંદાજે 100 વર્ષ જૂની અને ઘટાદાર શીતળામાંની આંબલીનો એક ભાગ તૂટ્યો હતો. મૂળીના લીયા, સરા, વેલાળા સહિતના આજુ બાજુના ગામમાં ભારે વરસાદ થયો હતો.
જિલ્લામાં વરસાદની સ્થિતિ |
||
તાલુકો |
અત્યાર સુધીનો |
છેલ્લા 24 કલાકનો |
ચુડા | 83 | 3 |
ચોટીલા | 134 | 2 |
થાન | 45 | 23 |
પાટડી | 98 | 5 |
ધ્રાંગધ્રા | 30 | 21 |
મૂળી | 145 | 30 |
લખતર | 30 | 3 |
લીંબડી | 46 | 2 |
વઢવાણ | 77 | 10 |
સાયલા | 61 | 4 |
કુલ | 749 | 103 |
આ આકાશી ચક્રવાતે પાટડીમાં કોઇ જ નુકસાન કર્યું નથી :
આ વાયરલ વીડિયો પાટડી-ગોરિયાવડ વચ્ચેનો નહીં. પરંતુ વિરમગામના કાંકરાવાડીના ખેડૂત ઘનશ્યામભાઇ ગોવિંદભાઇ સિંધવે લીધેલો વીડિયો છે. આ આકાશી ચક્રવાતે વિરમગામના કાંકરાવાડીમાં પણ કોઇ જ નુકસાન પહોચાડ્યું નથી. અને લખતર પંથકમાં વિનાશ વેર્યા બાદ પાટડી પથંકના હેબતપુરમાં આવતા આવતા આ વિનાશક વાવાઝોડું નબળું પડતા પાટડી તાલુકામાં ક્યાંય કોઇ જગ્યાએ નુકસાન થયાના સમાચાર નથી. – રૂતુરાજસિંહ જાદવ , પ્રાંત કલેક્ટર, પાટડી