Cash Credit Camp – સુરેન્દ્રનગર ખાતે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો, સ્વ.સહાય જૂથોને 1 કરોડ 35 લાખના ચેકોનું વિતરણ કરાયુ
- સરકારશ્રીની વિવિધ યોજનાઓ થકી મહિલાઓ આત્મનિર્ભર બની છે – નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા
- 100 સ્વ.સહાય જૂથોને 1 કરોડ 35 લાખના ચેકોનું વિતરણ
નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાનાં અધ્યક્ષ સ્થાને ત્રિમંદિર સુરેન્દ્રનગર ખાતે સ્વ સહાય જૂથો માટે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દીનદયાલ અંત્યોદય યોજના તેમજ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજનાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોના સભ્યોને સખી મંડળો/સ્વ સહાય જૂથોમાં સંગઠિત કરી તેમનું બેંકો સાથે જોડાણ કરી, સુવ્યવસ્થિત પ્રક્રિયા દ્વારા કૌશલ્ય તાલીમ અને કાયમી આજીવિકા આપી ગરીબીમાંથી બહાર લાવવાના હેતુ સાથે મિશન મંગલમ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જેના ફળસ્વરૂપે આજે જિલ્લામાં 9 હજાર કરતાં વધારે સખી મંડળો / સ્વ સહાય જૂથો અને 272 જેટલાં ગ્રામ્ય સંગઠનો અસ્તિત્વમાં આવ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત આજે 100 કરતાં પણ વધારે સ્વ સહાય જૂથોને 1 કરોડ ૩૫ લાખથી વધુ રકમોના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું છે.
વધુમાં નાયબ મુખ્ય દંડકશ્રી એ ઉમેર્યું હતું કે, બહેનો આર્થિક રીતે પગભર થાય અને તેમના સર્વાંગી વિકાસ માટે સરકારશ્રી તરફથી અનેકવિધ સહાય માટેની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેના થકી આજે મહિલાઓ આત્મનિર્ભર બની છે. આયુષ્યમાન કાર્ડ, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપ બહેનો માટે વિધવા સહાય યોજના સહિતની સરકારશ્રીની દરેક યોજનાનો લાભ લેવા ઉપસ્થિત સૌને અપીલ કરી હતી.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી આર.એમ.રાયજાદા દ્વારા સ્વાગત પ્રવચન અને જિલ્લા લાઈવલીહુડ મેનેજરશ્રી સતીશ ગમાર દ્વારા કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સ્વ સહાય જૂથોને ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ કલેક્ટરશ્રી પી. એન.મકવાણા, સહિત મોટી સંખ્યામાં સ્વ સહાય જૂથો/ સખી મંડળ સાથે જોડાયેલી બહેનો ઉપસ્થિત રહી હતી.
સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટના આરોપીને હાજર થવા અંગેનું જાહેરનામું