Circuit House – સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાનાં અધ્યક્ષસ્થાને નગરપાલિકાના અધિકારી સાથે સમીક્ષા બેઠક યોજાઇ
સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાનાં અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના અધિકારી/ પદાધિકારીશ્રીઓ તેમજ સુરેન્દ્રનગર શહેર અને વઢવાણ મામલતદારશ્રી સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા – વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ગંગા સ્વરૂપા સહાય યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજનાની અરજીઓ પેન્ડિંગ ન રહે. આવી અરજીઓનો ઝડપથી નિકાલ કરવામાં આવે જેથી કરીને આ યોજનાનો લાભ લાભાર્થીઓને સરળતાથી મળી રહે. જિલ્લામાં એકપણ લાભાર્થી સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાના લાભથી વંચિત ન રહે અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ ઝડપથી મળી રહે તેવું આયોજન કરવા પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રીઓને જરૂરી સૂચના પણ દંડકશ્રીએ આપી હતી.
આ બેઠકમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના, અમૃત યોજના, નાણાપંચ જેવી વિવિધ યોજના અંતર્ગત ચાલતા વિવિધ વિકાસકામોની સમીક્ષા કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર શહેરમાં વીજળીને લગતા સર્વે હાથ ધરી આનુસંગિક પ્રશ્નોનો ઝડપથી નિકાલ કરવા નગરપાલિકા અને પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને નાયબ મુખ્ય દંડકશ્રીએ તાકીદ કરી હતી. આ ઉપરાંત નગરપાલિકાની દરેક સોસાયટીમાં નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવા અને નિયમિત સફાઈ કામ કરાવવા તેમજ સુરેન્દ્રનગર શહેરને ગ્રીન સિટી અને ક્લીન સીટી બનાવવા નગરપાલિકાના અધિકારી/કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખશ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય કારોબારી ચેરમેનશ્રી મનહરસિંહ રાણા, પ્રાંત અધિકારીશ્રી દિપેશ કેડિયા, સુરેન્દ્રનગર શહેર મામલતદારશ્રી, વઢવાણ મામલતદારશ્રી, ચીફ ઓફિસરશ્રી સાગર રાડીયા અને નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ સહિત નગરપાલિકા અને પી.જી.વી.સી.એલ.ના અધિકારી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જવાહર નવોદય વિદ્યાલયમાં વર્ષ 2022-23માં ધોરણ 6માં પ્રવેશ પ્રક્રિયા શરૂ