Climbing-Descent Competition – ચોટીલામાં રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધામાં તૂટ્યા જૂના રેકોર્ડ
- વિજેતાઓને કુલ રૂ. 2,34,000 ના પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા
- રાજ્યમાં એડવેન્ચર સ્પોર્ટ્સને પ્રોત્સાહન નીતિ હેઠળ સરકારશ્રી દ્વારા આગવી પહેલ
આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાના તૃતીય સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રી કે.સી.સંપટ, ચોટીલા પ્રાંત અધિકારીશ્રી પ્રિયાંક ગલચર, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ભરતસિંહ ગોહિલ સહિતના મહાનુભાવોએ ચોટીલા તળેટી ખાતેથી ફ્લેગ ઓફ કરાવી સ્પર્ધાની શરૂઆત કરાવી હતી.
આ સ્પર્ધામાં 82 ભાઈઓ અને 60 બહેનો એમ મળી કુલ 142 જેટલા સ્પર્ધકોએ રાજ્યભરમાંથી ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અગાઉના તમામ રેકોર્ડો તોડી ભાઈઓમાં પંચાલ રોહિત પ્રકાશભાઈ 07.45 મિનિટ સાથે પ્રથમ ક્રમાંકે અને બહેનોમાં કઠેચીયા અસ્મિતાબેન રમેશભાઈ 08.57 મિનિટ સાથે પ્રથમ ક્રમાંકે વિજેતા બન્યા હતા.
આ કાર્યક્રમને સંબોધન કરતા ચોટીલા ધારાસભ્યશ્રી શામજીભાઈ ચૌહાણએ જણાવ્યું હતું કે, માં ચામુંડા માતાજીના સાનિધ્યમાં સૌના સહયોગથી આજે આપણે આ સ્પર્ધાના તૃતીય સંસ્કરણમાં પ્રવેશ કર્યો છે. આખા રાજયમાંથી બાળકો આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવે છે. તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. રાજ્યભરમાં આ પ્રકારની સાહસિક રમતો પ્રત્યે રસરુચિ વધી રહ્યા છે, જે બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી પૂરવાર થશે. વધુમાં તેમણે બાળકોને પોતાના જીવનમાં ધ્યેય નક્કી કરી પ્રગતિ કરવા માટે શુભેચ્છા પાઠવી હતી.
સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ બાળકોને અભિનંદન પાઠવતા જિલ્લા કલેક્ટરશ્રી કે.સી. સંપટે જણાવ્યું હતું કે આવી સ્પર્ધાઓ યોજવા પાછળનો રાજ્ય સરકારનો મૂળભૂત ઉદેશ્ય જીવન ઘડતર કરવાનો છે. જેના થકી બાળકોમાં સાહસ, ખેલદિલી, મહેનત, સતત ઝઝૂમવાની વૃત્તિ, મક્કમ મનોબળ સહિત અતિ અગત્યના કહી શકાય તેવા ગુણો વિકસે છે, અને નવું શીખવાની તકો મળે છે. સ્પર્ધામાં હાર અને જીત એ રમતનો એક ભાગ છે પરંતુ તેમાં ભાગ લેવો, ખેલદિલી સાથે રમવું અને જે પરિણામ આવે તેનો સ્વીકાર કરતાં શીખવું અને આગળ વધવું એ મહત્વનું છે. આ સ્પર્ધામાં વિજેતા થયેલા તમામ સ્પર્ધકો ગિરનાર નેશનલ આરોહણ-અવરોહણ સ્પર્ધામાં વિજેતા થઈ પોતાનું નામ રોશન કરી જીવનમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ કલેકટરશ્રી આપી હતી.
જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ભરતસિંહ ગોહિલ દ્વારા સ્વાગત પ્રવચન અને ચોટીલા પ્રાંત અધિકારીશ્રી પ્રિયાંક ગલચર દ્વારા કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સ્પર્ધામાં વિજેતા થનારને ટ્રોફી, પ્રમાણપત્ર તેમજ રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા. પ્રથમ નંબર મેળવનારને રૂ.25,000, દ્વિતિય નંબર મેળવનારને રૂ.20,000 તૃતીય નંબર મેળવનારને રૂ.15,000 એમ કુલ 10 નંબર સુધીના વિજેતાઓને કુલ રૂ.2,34,000ના રોકડ પુરસ્કારનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રી નાથાભાઈ સંઘાણી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી સુરેશભાઈ કુકડીયા, ચોટીલા મહંતશ્રી ગીરીબાપુ, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી રોહિતસિંહ પરમાર, ચોટીલા મામલતદારશ્રી અરુણ શર્મા, ચોટીલા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી વી.ડી.દેવથરા સહિત મોટી સંખ્યામાં સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્પર્ધામાં બહેનોમાં કઠેચીયા અસ્મિતાબેન રમેશભાઈ 08.57 મિનિટ સાથે પ્રથમ ક્રમાંકે, 10.01 મિનિટ સાથે મીઠાપરા રાધિકાબેન બીજા ક્રમાંકે, 10.39 મિનિટ સાથે ઝાપડિયા સોનલબેન ત્રીજા ક્રમાંકે, 11.08 મિનિટ સાથે બાવળીયા સુનીતાબેન ચોથા ક્રમાંકે, 11.09 મિનિટ સાથે પરમાર પૂર્વીલાબેન પાંચમા ક્રમાંકે, 11.12 મિનિટ સાથે ઓળકિયા દિપાલીબેન છઠ્ઠા ક્રમાંકે, 11.20 મિનિટ સાથે સાંકરીયા શ્રુતિબેન સાતમા ક્રમાંકે, 11.26 મિનિટ સાથે મેર અલ્પાબેન આઠમા ક્રમાંકે, 11.27 મિનિટ સાથે પરમાર મોનિકાબેન નવમા ક્રમાંકે, 11.31 મિનિટ સાથે વાટુકિયા જલ્પાબેન દસમા ક્રમાંકે વિજેતા થયા હતા.
જ્યારે ભાઈઓમાં 07.45 મિનિટ સાથે પંચાલ રોહિતભાઈ પ્રથમ ક્રમાંકે, 08.25 મિનિટ સાથે મકવાણા રાહુલ બીજા ક્રમાંકે, 08.28 મિનિટ સાથે લોલાડીયા દર્શન ત્રીજા ક્રમાંકે, 08.28 મિનિટ સાથે રબારી ઝાલાભાઇ ચોથા ક્રમાંકે, 08.29 મિનિટ સાથે ડાભી આશિષ પાંચમા ક્રમાંકે, 08.53 મિનિટ સાથે ઝાપડિયા ઉમેશ છઠ્ઠા ક્રમાંકે, 09.00 મિનિટ સાથે ધરજીયા હાર્દિક સાતમા ક્રમાંકે, 09.01 મિનિટ સાથે શેખ અશ્વિન આઠમા ક્રમાંકે, 09.02 મિનિટ સાથે રંગપરા રોહિત નવમા ક્રમાંકે, 09.04 મિનિટ સાથે ઝાપડિયા રાયધન દસમા ક્રમાંકે વિજેતા થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્પર્ધાનું સચોટ પરિણામ મળી રહે તે માટે સમગ્ર સ્પર્ધાનું સુપરવિઝન સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર સ્પર્ધાની ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અને રેડિયો ફિક્વન્સી ધરાવતી ચીપથી સ્પર્ધાનું પરિણામ તૈયાર કરાયું હતું. આ ઊપરાંત જૂનાગઢથી સ્પર્ધાના જાણકાર ઇન્સ્ટ્રકટરોની એક ટીમની પણ સેવા લેવામાં આવી હતી. રાજ્યમાં એડવેન્ચર સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સરકારશ્રી દ્વારા રાજ્યમાં વિવિધ ડુંગર-પર્વત પર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વર્ષ-2019 સુધી ગુજરાતમાં માત્ર જૂનાગઢ ખાતે જ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન થતું પરંતુ ત્યારબાદ પંચમહાલમાં પાવાગઢ, સાબરકાંઠામાં ઈડર અને રાજકોટમાં ઓસમ ખાતે તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે પણ જુનિયર ભાઈઓ/બહેનો માટે આરોહણ-અવરોહણ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી, જેને ખુબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. વિશેષ સ્પર્ધામાં વિજેતા થનાર 1 થી 10 ક્રમના ભાઈઓ-બહેનોને આગામી ફેબ્રુઆરી માસમાં જૂનાગઢ ખાતે યોજાનાર ગિરનાર નેશનલ આરોહણ-અવરોહણ સ્પર્ધામાં સીધી એન્ટ્રી મળવા પાત્ર થશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જાન્યુઆરી માસમાં યોગ સ્પર્ધાનું આયોજન