Commencement of Chotila Utsav-2024 – પ્રથમ દિવસે કલાકારોએ કલાના કામણથી લોકોને મંત્રમુગ્ધ કર્યા, પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા
પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે બે દિવસીય ‘ચોટીલા ઉત્સવ-2024’નો આજરોજ પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી, ચોટીલા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ શર્મા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ થયો હતો. રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર, કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતાં પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વસંત પંચમીના પવિત્ર દિવસે રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા દ્વારકા, સોમનાથ, ડાકોર, શામળાજી, ચોટીલા સહિતના 11 ધાર્મિક સ્થળોએ દર વર્ષે આવા ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે.
આ પ્રકારની ઉજવણીથી ગુજરાતના અમૂલ્ય સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંવર્ધન થઈ જ રહ્યું છે. આ પ્રકારની ઉજવણીથી ગુજરાતના અમૂલ્ય સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંવર્ધન થઈ જ રહ્યું છે. આ ઉપરાંત પ્રતિભાશાળી સ્થાનિક કલાકારોને પોતાના કલાકૌશલ્યનું પ્રદર્શન કરવા માટે એક સુંદર મંચ પણ ઉપલબ્ધ થઈ રહ્યું છે. ચોટીલા ઉત્સવ યુવા શક્તિને પ્રોત્સાહન આપતો ઉત્સવ બની રહ્યો છે. આ ઉત્સવના માધ્યમથી સરકાર દ્વારા કલાને જીવંત રાખવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
11મા ચોટીલા ઉત્સવના આયોજન માટે જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવી જિલ્લા વાસીઓને આ ઉત્સવ અંતર્ગત યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમોને મનભરી માણવા અપીલ કરી હતી.ચોટીલા ઉત્સવની શરૂઆત પહેલાં જિલ્લા કલેકટર કે.સી.સંપટે સ્થળ મુલાકાત કરી સમગ્ર કામગીરીનું અવલોકન કર્યું હતું. ત્યારબાદ કલેક્ટરે કલાગૃપો સાથે વાતચીત તેમણે અભિનંદન પાઠવ્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2014-15થી ગીર સોમનાથ ખાતે સોમનાથ ઉત્સવ, બનાસકાંઠા ખાતે અંબાજી ઉત્સવ, દ્વારકા ખાતે દ્વારકા ઉત્સવ, ખેડામાં ડાકોર ખાતે ડાકોર ઉત્સવ, અરવલ્લીમાં શામળાજી ઉત્સવ જેવા અલગ-અલગ 11 પવિત્ર યાત્રાધામો ખાતે બે દિવસના ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે પણ 11મા ચોટીલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન નાથાભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ પીઠાભાઈ, અગ્રણી રાજવીરભાઈ, સવસીભાઈ, રઘુભાઈ, રાજુભાઈ, ચોટીલા મામલતદાર પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમ દિવસે કલાકારોએ કલાના કામણથી લોકોને કર્યા મંત્રમુગ્ધ
પ્રથમ દિવસે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નૃત્યાવલી ગ્રુપ અમદાવાદ દ્વારા માં ચામુંડાની આરતી અને ડાકલાની અનોખી પ્રસ્તુતિ સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શક્તિપરા માલધારી રાસમંડળ, સુરેન્દ્રનગર દ્વારા ગોફરાસ રજૂ કરવામાં આવ્યો હતો. જેને ઉપસ્થિતજનોમાં અનેરું આકર્ષણ જનમાવ્યું હતું. નુપુર ડાન્સ એકેડેમી, માધાપર-કચ્છ દ્વારા માં નો ગરબો, શ્રી રાઠવા આદિવાસી લોક નૃત્ય મંડળ, કવાંટ દ્વારા હોળી નૃત્યએ દર્શકોના મન જીતી લીધા હતા. શ્રી ઉમિયાજી મહિલા કોલેજ – ધ્રોલ દ્વારા પ્રાચીન ગરબો અને સપ્તધ્વનિ સંગીત વર્ગ અને કલાવૃંદ, સુરત દ્વારા ઝુમખાની પ્રસ્તુતિએ પ્રેક્ષકોને ડોલાવ્યા હતા. કાર્યક્રમના અંતમાં પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી દ્વારા હાસ્યરસથી ભરપૂર કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.
આજે તા.15 ફેબ્રુઆરી-2024ના રોજ આંબાવાડી કલા ગ્રુપ(ઇન્ટરનેશનલ) જામખંભાળિયા દ્વારા બાવન બેડા આરતી મહાનૃત્ય, ગોવાળીયો રાસ મંડળ, જોરાવરનગર દ્વારા રાસ, શ્રી વૃંદ, રાજકોટ દ્વારા અર્વાચીન ગરબો, પાંચાળ રાસ મંડળ, થાનગઢ દ્વારા હુડો, શ્રી ચામુંડા મહેર રાસમંડળ, પોરબંદર દ્વારા ઢાલ તલવાર રાસ, સિદ્દી ગોમા ગૃપ ભરૂચ દ્વારા સિદ્દી ધમાલ, સોયા બ્રધર્સ જસદણ દ્વારા લોક સંગીત અને શ્રી બીરજુ બારોટ દ્વારા ભજન લોકડાયરો પ્રસ્તુત કરવામાં આવશે. જિલ્લા વાસીઓને ચોટીલા ઉત્સવમાં સહભાગી બની સાંસ્કૃતિક કાર્યક્રમોને મનભરી માણવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી.