Site icon સોહમ 24 ન્યુઝ

Ganesh Pandal – સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સાંપ્રદાયિક તણાવ, શું છે સમગ્ર મામલો અને સ્થાનિકો શું કહે છે?

Ganesh Pandal – સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સાંપ્રદાયિક તણાવ, શું છે સમગ્ર મામલો અને સ્થાનિકો શું કહે છે?

Google News Follow Us Link

સુરતના કોટ વિસ્તાર સૈયદપુરામાં રવિવારે મોડી રાત્રે ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જે બાદ થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ ફેલાઈ ગયો હતો. હજુ પણ સૈયદપુરા વિસ્તારમાં પરિસ્થિતિ તંગ છે અને સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ તહેનાત કરવામાં આવી છે. જ્યાં પથ્થરમારો થયો હતો તે વિસ્તારમાં સોમવારે સુરત મહાનગરપાલિકાએ બુલડોઝર ચલાવીને કથિત ગેરકાયદેસર દબાણો દૂર કર્યાં હતાં.

આ પહેલાં ઘટનાની જાણ થતાં ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સુરતના મેયર અને અન્ય લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પથ્થરમારાથી ગુસ્સે ભરાયેલા લોકોને શાંત પાડવામાં પોલીસને ભારે જેહમત કરવી પડી હતી.

હર્ષ સંઘવીએ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું કે પથ્થરમારાની ઘટનામાં સુરત પોલીસે અત્યાર સુધી 6 બાળકો ઉપરાંત 28 લોકોને પકડી લેવામાં આવ્યા છે. સુરત પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે લોકો પણ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

રવિવાર મોડી રાત્રે સુરત પોલીસે સમગ્ર સૈયદપુરાના વિસ્તારમાં કૉમ્બિંગ કરવાનું શરૂ કર્યું હતું જે સોમવારે વહેલી સવાર સુધી ચાલી હતી.

સોમવાર સવારે હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેઓ સવારે ગણેશ પંડાલમાં જઈને પૂજા કરતા જોઈ શકાય છે. તેમણે લખ્યું કે, “સુરત પોલીસ ટીમ અને ગણેશ પંડાલના આયોજકો સાથે મેં ગણેશ પંડાલમાં જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં ગણેશજીની આરતી અને પૂજા કરી.”

હર્ષ સંઘવી સહિત અન્ય નેતાઓ અને ટોચના પોલીસ અધિકારીઓએ આખી રાત સૈયદપુરામાં રહીને પોલીસ કાર્યવાહીનું નિરીક્ષણ કર્યું હતું.

સોમવારે સુરત મહાનગરપાલિકાએ ઘટનાની પ્રતિક્રિયા આપતાં સૈયદપુરા પોલીસચોકી નજીક કથિત ગેરકાયદેસર દબાણો દૂર કર્યાંં હતાં. મહાનગરપાલિકાની ટીમોએ મોટી સંખ્યામાં પોલીસની ટીમોને સાથે રાખીને બુલડોઝર ચલાવ્યું હતું.

Vegetable Prices- શાકભાજીના ભાવમાં કિલોએ રૂ.50થી 80નો વધારો

શું છે આખો મામલો?

સૈયદપુરાના વરિયાવી બજાર નજીક છેલ્લાં ઘણાં વર્ષોથી ગણેશચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે. રવિવારે રાત્રે સૈયદપુરા વિસ્તારમાં આવેલા ગણેશ પંડાલમાં પથ્થરામારાની ઘટના ઘટી હતી, ત્યાર બાદ સાંપ્રદાયિક તણાવ પેદા થયો હતો.

સમાચાર એજન્સી એએનઆઈને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આપેલી જાણકારી પ્રમાણે, ”ગણેશ પંડાલ પર રવિવારે રાતે લગભગ 9 વાગ્યાની આસપાસ કેટલાંક બાળકોએ પથ્થરમારો કર્યો હતો. જોકે, સ્થળ પર તહેનાત પોલીસે બાળકોને તરત જ ત્યાંથી હટાવી લીધાં. ત્યાર બાદ લોકોનું ટોળું ભેગું થયું જેમની સાથે પોલીસની વાતચીત થઈ હતી.”

તેમણે કહ્યું કે બંને જૂથો તરફથી પથ્થરમારો થયો એ દરમિયાન પોલીસકર્મીઓને પણ ઈજા થઈ છે. ત્યાર બાદ તાત્કાલિક પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. આ વિસ્તારમાં જરૂર પડી ત્યાં લાઠીચાર્જ અને ટિયરગૅસના શેલ છોડવામાં આવ્યાં હતાં.

બીબીસી સહયોગી શીતલ પટેલે જણાવ્યું કે પથ્થરમારો થતા તંગદિલી સર્જાઈ હતી. ઘટનાના વિરોધમાં લોકોનાં ટોળાંએ વરિયાવી બજાર પોલીસચોકીને ઘેરી લીધી હતી અને નારેબાજી કરી હતી. લોકોએ દોષીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.

”રોષે ભરાયેલા કેટલાક લોકોએ પોલીસચોકી નજીક પાર્ક કરેલાં વાહનોની તોડફોડ કરી હતી. પરિસ્થિતિ બગડતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો. ભીડને કાબૂ કરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટિયરગૅસનાં શૅલ્સ પણ છોડ્યાં હતાં. ઘટના બાદ પોલીસે વરીયાવી બજાર, સૈયદપુરા, રામપુરા વિસ્તારમાં સઘન બંદોબસ્ત ગોઠવી દીધો છે.”

સોમવારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું, ”આ સમગ્ર પ્રકરણમાં ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા છે જેમાં રાયોટિંગ અને ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો પણ નોંધ્યો છે. શ્રીજીની પ્રતિમા પર પથ્થરમારો કરનાર બાળકો જે રિક્ષામાં આવ્યાં હતાં એ રીક્ષાના ડ્રાઈવર સહિત 6 બાળકો અને 28 લોકો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બાળકો 12થી 13 વર્ષની ઉંમરના છે અને બધા એક કિલોમીટર દૂરથી આવ્યાં હતાં.”

તેમણે વધુમાં જણાવ્યું કે આ ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલાં બાળકોનાં માતાપિતાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, આ બાળકોએ કોના ઇશારે પથ્થરમારો કર્યો તે વિશે હજી તપાસ ચાલી રહી છે.સીસીટીવી અને લોકોના મોબાઈલમાં થયેલ વીડિયો રેકૉર્ડીંગના આધારે પણ તપાસ કરવામાં આવી છે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મીડિયાને જણાવ્યું કે સૈયદપુરાપુરા વિસ્તારમાં વર્ષોથી ગણપતિની સ્થાપના થાય છે. આજે કેટલાક લોકોએ ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો કર્યો હતો. આસ્થાને ઠેસ પહોંચાડનાર અને શહેરની શાંતિને ભંગ કરનાર કોઈપણ લોકોને છોડવામાં આવશે નહીં અને આવું કૃત્ય કરનાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

Passengers Problem- થોડા દિવસો પહેલા પ્લેટફોર્મ ઉપર બસ ઊભી ન રહેતી હોવાની ફરિયાદો હતી અને હવે આ નવી સમસ્યા

સ્થાનિક લોકોનું શું કહેવું છે?

પથ્થરમારાની ઘટના બાદ હાલ સમગ્ર સૈયદપુરા વિસ્તારમાં અજંપાભરી શાંતિ છે. દરેક જગ્યાએ પોલીસની ટીમો તહેનાત છે અને વિસ્તારની મોટાભાગની દુકાનો અને ઑફિસો બંધ છે.

સ્થાનિકો અનુસાર એક નાની બાબતને મોટું સ્વરૂપ આપી દેવામાં આવતાં સાંપ્રદાયિક વાતાવરણ ડહોળાયું હતું. તેમના અનુસાર પથ્થરમારા જેવી ઘટના બની નહોતી પરંતુ એક બાળકથી ભૂલથી પથ્થર ફેંકતા મૂર્તિને વાગ્યો હતો.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા સ્થાનિક આગેવાન અય્યુબ પટેલ કહે છે, ”બાળકો રમતાં હતા અને રમતમાં એક બાળકે પથ્થર ફેંકયો જે ગણેશજીની મૂર્તિને સ્પર્શયો હતો. પથ્થરામારો થયો છે તેવી વાત વહેતી થઈ અને લોકોનું ટોળું ભેગું થતાં સમગ્ર મામલો તંગ બન્યો હતો. જે બાળકો આ ઘટનામાં સામેલ હોવાનું કહેવામાં આવે છે તેઓ સ્થાનિક નથી.”

તેઓ વધુમાં કહે છે કે સૈયદપુરા પોલીસચોકીની નજીક રહેતા લઘુમતિ સમાજના લોકોની સંપત્તિને ટોળાંએ નુકસાન પહોંચાડ્યું હતું. લોકોનાં વાહનો, ફૂડ-સ્ટૉલ અને અન્ય સંપત્તિની તોડફોડ કરવામાં આવી હતી.

સૈયદપુરા અને આજુબાજુના વિસ્તારોમાં રહેતા લઘુમતિ સમુદાયના લોકોના કહેવા અનુસાર અહીં વર્ષોથી ધામધૂમથી ગણશેચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે અને ક્યારેય ઘર્ષણની સ્થિતિ આવી નથી.

સૈયદપુરા વિસ્તારમાં પાનની દુકાન ચલાવતા અબ્દુલ શેખ કહે છે, ”જ્યાં આ ઘટના બની ત્યાં બે દાયકાથી ગણેશચતુર્થીની ઉજવણી થઈ રહી છે. ગણેશ પંડાલ લગાવી શકાય તે માટે મુસ્લિમ દુકાનદારો 10 દિવસ પોતાની દુકાન બંધ રાખે છે. આટલાં વર્ષોમાં ક્યારેય પણ આવી ઘટના બની નથી. અમે પણ ઇચ્છીએ છીએ કે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવે અને દોષિતોને સજા અપાય.”

મોડી રાત્રે પોલીસે સમગ્ર વિસ્તારમાં કૉમ્બિંગ કરવાના કારણે પણ સ્થાનિકો નારાજ છે. તેમના અનુસાર પોલીસ સ્ટાફે તાળું તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને લોકોને પકડ્યા હતા.

અય્યુબ પટેલ કહે છે, ”પોલીસની ટીમોએ સૈયદપુરા પંપીંગ સ્ટેશન, રાજાવાડી અને આજુબાજુના વિસ્તારોમાં કૉમ્બિંગ કર્યું હતું. રાત્રે બે વાગ્યે કૉમ્બિંગ શરૂ કરવામાં આવ્યું હતું જે સવારે ચાર વાગ્યા સુધી ચાલ્યું હતું. કૉમ્બિંગ દરમિયાન લઘુમતિ સમાજના 40 કરતાં વધુ લોકો અને 20થી વધુ હિંદુઓને પકડ્યા છે.”

પરંતુ કેટલાક લોકોના મત પ્રમાણે આ સમાન્ય પથ્થરમારાની ઘટના નથી. નિમિષાબેન મોદી છેલ્લાં 40 વર્ષથી વરીયાવી બજારમાં રહે છે.

તેઓ કહે છે, ”મંડળ દ્વારા ગણેશજીની સ્થાપના વર્ષોથી કરવામાં આવે છે, પરંતુ છેલ્લાં બે વર્ષથી આ ઉત્સવ દરમિયાન કેટલાક અસામાજિક લોકો દ્વારા અમારી આસ્થાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.”

તેઓ ઉમેરે છે, ”રાત્રે નવ વાગ્યાનો સમય હતો અહીં સત્યનારાયણની કથા ચાલતી હતી. મોટી સંખ્યામાં લોકો કથામાં હાજર હતા. તેવા સમયે રિક્ષામાં આવેલાં બાળકોએ એકાએક ગણેશજીની પ્રતિમા પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાના કારણે સમગ્ર વિસ્તારમાં અશાંતિનો માહોલ ફેલાઈ ગયો હતો.”

”રિક્ષામાં આવેલાં આ બાળકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બજાર વચ્ચે સાંકડો માર્ગ છે અને ટ્રાફિકને કારણે તેઓ ભાગી શક્યાં ન હતાં. મંડળના છોકરાઓએ બાળકોને પકડી લીધાં હતાં. ત્રણ બાળકોને મંડપ પર રાખ્યાં અને બે બાળકોને એક દુકાનમાં પૂરી દીધાં હતાં. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર આવી હતી અને કાંકરીચાળો કરનાર બાળકોને પોલીસચોકીએ લઈ જવાયાં હતાં.”

Mahemdavadના સિદ્ધિ વિનાયક મંદિરના શિખરને મઢાશે સોનાથી, ટ્રસ્ટી મંડળે લીધો નિર્ણય

કેવો છે સુરતનો સૈયદપુરા વિસ્તાર?

જ્યાં આ ઘટના બની છે તે સૈયદપુરા વિસ્તારમાં મુસ્લિમોની નોંધપાત્ર વસતી છે. સમગ્ર સૈયદપુરામાં ઘણી જૂની ઇમારતો છે અને અહીં વર્ષોથી હિંદુઓ અને મુસ્લિમોની સાથે-સાથે પારસીઓ પણ રહે છે.

ક્યારેક આ વિસ્તારમાં પારસીઓની બહુમતિ હતી. શહેરની એક સમયની પ્રખ્યાત સર જે. જે. સ્કૂલ, પારસી પંચાયત અને તેમનાં દ્વારા સંચાલિત હૉસ્પિટલ અને અન્ય ઇમારતો અહીં જ આવેલી છે. હજુ પણ સુરત શહેરના મોટાભાગના પારસીઓ સૈયદપુરા અને તેની આજુબાજુના વિસ્તારમાં રહે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં સૈયદપુરામાં હિંદુઓની સાથે-સાથે મુસ્લિમોની વસતીમાં પણ વધારો થયો છે. અહીં મૂળ સુરતીઓ જેમાં ઘાંચી, કોળી, રાણા અને ખત્રી સમાજની સારી એવી વસ્તી છે. ગુજરાતીઓ ઉપરાંત અહીં મરાઠી સમાજના લોકો પણ રહે છે.

હિંદુઓ આ વિસ્તારમાં વર્ષોથી ગણેશચતુર્થીની ઉજવણી કરે જેમાં લઘુમતિ સમાજના લોકો પણ યોગદાન આપે છે. કેટલાંક વર્ષોમાં ગણેશ પંડાલની સંખ્યા વધી છે. કેટલીક જગ્યાએ ભવ્ય રીતે ગણેશચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે અને મોટા પંડાલ બનાવવામાં આવે છે.

જે ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બની હતી તેની સોમવાર સવારે બીબીસી ગુજરાતીની ટીમે મુલાકાત લીધી હતી. બીબીસી સહયોગી શીતલ પટેલે જણાવ્યું કે હાલ ગણેશ પંડાલમાં સ્થિતિ હાલ શાંતિ છે. પોલીસ તેહનાત કરવામાં આવી છે અને ભક્તો સરળતાથી દર્શન કરી શકે છે. સમગ્ર ઘટના બાબતે ગણેશ પંડાલના આયોજકો કંઈ પણ કહેવા તૈયાર નથી.

Bajana – બજાણા ગામે યુવાને એક આધેડને ઉપરાછપરી છરીના ઘા ઝીંક્યા, ઘરમાં જ લોહીનું ખાબોચિયું ભરાયું

BBC NEWS ગુજરાતી

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version