Cultivating Figs – સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ મકવાણાએ અંજીરની ખેતી શરૂ કરી નવો ચીલો ચાતરતા
- બાગાયત વિભાગથી મળેલ માર્ગદર્શન અને સહાય ખેતીમાં નવીન પ્રયોગો કરવા માંગતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે
- સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2022-23 દરમિયાન બાગાયત વિભાગની યોજના અંતર્ગત 3751 ખેડૂતોને રૂ.265.46 લાખની સહાય ચૂકવાઇ
“ખેતી મારો વારસાગત વ્યવસાય છે. અત્યાર સુધી મેં કપાસ, તલ વગેરે પાકોની ચીલાચાલુ ઢબે ખેતી કરી છે. પરંતુ આ પાકોમાં ભાવ બહુ ઓછો મળતા હું થોડો ચિંતામાં રહેતો હતો. મને ખેતીમાં નવતર પ્રયોગો કરવાનો શોખ એટલે મેં 1 હેક્ટર જમીનમાં અંજીરની ખેતી શરૂ કરી છે…” આ શબ્દો છે સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ મકવાણાના. પ્રવીણભાઈ આ વિશે વધુ વાત કરતા જણાવે છે કે સરકારના બાગાયત વિભાગની યોજના અંતર્ગત સરકાર તરફથી પ્રથમ વર્ષે રૂ.16,578ની સહાય મળી હતી.
આ ઉપરાંત, અંજીરની ખેતી મૂલ્યવર્ધક બને તે માટે મને સહકાર અને ટેકનીકલ માર્ગદર્શન પણ મળ્યું છે. પ્રવીણભાઈ મકવાણા તેમની 150 વીઘા જમીનમાં છેલ્લા ઘણા વર્ષથી કપાસ, તલ, તુવેર, શાકભાજી, ટેટી વગેરે જેવા પાકોની ખેતી કરે છે. આ ઉપરાંત ખેતી ક્ષેત્રે નવતર પ્રયોગના આગ્રહી પ્રવીણભાઈએ આ વર્ષથી અંજીરની ખેતી શરૂ કરી છે.
અંજીરની ખેતી વિશે વાત કરતા પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે, મને ખેતીક્ષેત્રે કઈક નવું કરવાનો વિચાર અને ઉત્સાહ પહેલેથી જ હતો. આથી મેં સોશિયલ મીડિયાના માધ્યમથી અંજીરની ખેતી વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી. માહિતી મેળવ્યા બાદ મેં રોપા દીઠ રૂ.85 થી 100ના ભાવ વાળા ડાયના વેરાયટી-ટીશ્યુ કલ્ચરના 1000 અંજીરના રોપા હૈદરાબાદથી મંગાવ્યા હતા.
1 હેક્ટર જમીનમાં 10×10 ના ગાળે આ 1000 રોપા વાવ્યા છે. રોપા વાવ્યા બાદ તેના ઉછેર માટે 10 થી 20 દિવસના અંતરે ડ્રિપ ઇરીગેશન, છાણીયું ખાતર, જીવામૃત, વેસ્ટી કમ્પોઝ વગેરેનો છંટકાવ કર્યો હતો. અંદાજીત 10 મહિના સમયગાળા બાદ હવે અંજીરના ફળો આવવા લાગ્યા છે. થોડા સમય બાદ અંજીરના ફળોની અંદાજીત 8 કલાક સુધી સૂકવણી કરીશ અને ત્યાર બાદ મૂલ્યવર્ધન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મારા માટે અંજીરની ખેતી પ્રથમ વાર છે. અગાઉના અલગ-અલગ પાકોની ખેતી માટેના ખર્ચની સામે મને પૂરતું વળતર મળ્યું ન હતું. પરંતુ મને આશા છે કે, આ અંજીરના પાકના કારણે મને વધુ વળતર મળશે.
અંજીરની ખેતી અને વેચાણ અંગે માહિતી આપતા પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે, અંજીરની ખેતી ઓછી માવજતથી થતો રોકડીયો પાક છે. વળી, અંજીરના વેચાણમાં પણ તકલીફ પડતી નથી કારણ કે, વેપારીઓ-લોકો સીધા ખેતર પરથી જ લઈ જાય છે તેથી બહાર વેચવા પણ જવું પડતું નથી. અને અંજીરનો 1 કિલોનો અંદાજીત ભાવ રૂ.900 થી રૂ.1200 જેટલો આસાનીથી મળી રહે છે.
યોજનાના લાભ વિશે વાત કરતા પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે, મારા એક મિત્ર થકી બાગાયત વિભાગની આ યોજના અંગે જાણકારી મળતા મેં બાગાયત વિભાગની કચેરીએ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી, ત્યારબાદ મને પ્રથમ હપ્તામાં કુલ રૂ.16,578ની સહાય મળેલ છે. બીજા બે હપ્તા દ્વારા રૂ.11,050ની સહાય મળશે. સહાય માટે કચેરીનો પણ પૂરતો સહકાર મળ્યો હતો. આ ઉપરાંત, અંજીરની ખેતી માટેના મારા પ્રયત્નને બિરદાવવા બાગાયત ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા મારા ખેતરની મુલાકાત પણ લેવામાં આવી છે અને જરૂર જણાય ત્યાં માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. સહાય મળતા મને ખરેખર ખુબ રાહત થઈ છે. જેના માટે હું સરકારનો ખૂબ આભાર માનું છું.
પ્રવીણ ભાઈ – ખેતી માટે ગોબર ગેસ પ્લાન્ટનો ઉપયોગ પણ કરી રહ્યા છે
પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે, ગ્રામ વિકાસ એજન્સીની મદદથી મે “ગોબર ગેસ પ્લાન્ટ” માટે અરજી કરી હતી. અરજી મંજૂર થતાં હાલ 3000 લીટરની ગોબર ગેસ ટાંકી મારા ખેતર માં બનાવી છે અને આ માટે મને સરકારશ્રી તરફથી મળવાપાત્ર રૂ.24,000ની સહાય પૈકી રૂ.6,000 મળી ગયા છે. ગોબર ગેસ પ્લાન્ટ થકી મને પાક વાવણી સમયે ખુબ ફાયદો થઈ રહ્યો છે.
ગોબર ગેસ પ્લાન્ટ ઉપરાંત 200 લીટરના 20 બેરરમાં ટ્રાઈકોમાં વિડી લિકવીડ, જીવામૃત, ઘનજીવામૃત,ગોળ અને ટ્રાઈકોમાં વિડી લિકવીડ વગેરે બનાવીને પાક માટે ઉપયોગ કરી રહ્યો છું.બાગાયત યોજના અંતર્ગત સહાય આપવા બદલ હું સરકારનો ખૂબ આભાર માનું છું અને હું એટલું જ કહીશ કે સરકાર દ્વારા નાના અને સીમાંત ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકીને સીધી બેંક ખાતામાં સહાય આપવામાં આવે છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે.
બાગાયત વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને 265.46 લાખની ચૂકવાઇ સહાય
બાગાયત અધિકારીશ્રી મયુરગીરી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, પ્રવીણભાઈ મકવાણા સંપૂર્ણ પ્રાકૃતિક રીતે અંજીરની ખેતી કરતા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રથમ ખેડૂત છે. તેઓને સરકારશ્રી તરફથી મળતી સહાય ત્રણ હપ્તે ચુકવવામાં આવશે. પ્રથમ હપ્તામાં 60% લેખે રૂ.16,578 બીજા હપ્તામાં 20% લેખે રૂ.5525 અને ત્રીજા હપ્તામાં 20% લેખે રૂ.5525 એમ કુલ મળીને પ્રવીણભાઈને બાગાયત વિભાગ દ્વારા સરકારશ્રીની યોજના અંતર્ગત રૂ.27628ની સહાય ચુકવવામાં આવશે. ઉપરાંત બાગાયત ટીમ દ્વારા સમયાંતરે ખેતરની મુલાકાત લેવામાં આવે છે અને તેમને પાકના સંરક્ષણ માટે ટેકનિકલ માહિતી પણ આપવામાં આવે છે. નોંધનીય છે કે, બાગાયત વિભાગની બાગાયતની ખેતી માટેની યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2022-23 દરમિયાન 3751 ખેડૂતોને રૂ.256.46 લાખની સહાય ચૂકવાઇ છે.
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:
અરૂણા ડાવરા
રાહુલ ભાનુભાઇ શુક્લ ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ સંસ્થાને આર્થિક સહાય