Dasada – દસાડાની ગૌચર જમીનમાં મોડી રાત્રે આગ લાગી, ચારો અને એરંડા બળીને ખાખ
દસાડામાં ગૌચર જમીનમાં ગતરાત્રે આગ લાગી હતી. જેથી આઠથી દશ ખેડૂતોની અંદાજે રૂ. ત્રણેક લાખનો ચારો અને એરંડા બળીને ખાખ થઇ ગયા હતા. આ આગની ઘટનાના અંદાજે 2,000 પૂળા અને 250 મણ જેટલાં એરંડા બળીને ખાખ થઇ જતા ખેડૂતો પાયમાલ બન્યા હતા. ખેડૂતો દ્વારા આ બાબતે દસાડા સરપંચ અને દસાડા પોલીસને લેખિત જાણ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
દસાડા ભુતિયાવાડ સીમમાં આવેલી ગૌચર જમીનમાં ગત મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર દસાડા ગામના આઠથી દશ ખેડૂતોએ મુકેલી જારના પૂળા અને એરંડાના જથ્થામાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભુકી ઉઠી હતી અને પળવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ખેડૂતો સહિતના ગામ આગેવાનોએ પાણીનો જોરદાર મારો ચલાવતા ત્રણથી ચાર કલાકની ભારે જહેમત બાદ વિકરાળ આગ માંડ કાબુમાં આવી હતી.
આ ભયાવહ આગની ઘટનામાં દસાડા ગામના આઠથી દશ જેટલા ખેડૂતોના અંદાજે રૂ. ત્રણેક લાખની ચાર અને એરંડા બળીને ખાખ થઇ ગયા હતા. આ આગની ઘટનાના અંદાજે 2,000 પૂળા અને 250 મણ જેટલાં એરંડા બળીને ખાખ થઇ જતા ખેડૂતો પાયમાલ બન્યા હતા. ખેડૂતો દ્વારા આ બાબતે દસાડા સરપંચ અને દસાડા પોલીસને લેખિત જાણ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
આ અંગે દસાડા ગામના અસરગ્રસ્ત ખેડૂત આગેવાન વેરશીભાઇ ડેડવાડીયા, નાનજીભાઈ મકવાણા અને સેંધાભાઈ ભરવાડે આક્રોશ સાથે જણાવ્યું કે, દસાડાની ગૌચર જમીનમાં મુકેલા અમારા જારના પૂળા અને એરંડાના જથ્થામાં ભયાવહ આગ લાગતા અમારા અંદાજે રૂ. ત્રણેક લાખની કિંમતના અંદાજે 2,000 પૂળા અને 250 મણ જેટલાં એરંડા બળીને ખાખ થઇ ગયા હતા. તો આ ઘટનામાં કોઈ એ જાણી જોઈને આગ લગાવી હોવાની આશંકાએ અમેં દસાડાના સરપંચને રૂબરૂ મળીને રજૂઆત કરવાની સાથે આ ઘટના બાબતે ન્યાયિક તપાસ માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે.