Declaration – સુરેન્દ્રનગર સરકારી વિશ્રામગૃહ-અતિથિગૃહનાં ઉપયોગ અંગે પ્રતિબંધાત્મક હુકમો કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
સુરેન્દ્રનગર સરકારી વિશ્રામગૃહ-અતિથિગૃહનાં ઉપયોગ અંગે પ્રતિબંધાત્મક હુકમો કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
- સરકારી વિશ્રામગૃહ-અતિથિગૃહનાં ઉપયોગ અંગે પ્રતિબંધાત્મક હુકમો કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
ગુજરાત વિધાનસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થતા તા.3/11/2022થી આદર્શ આચારસંહિતા અમલી બની છે. ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે હેતુસર ચૂંટણી આયોગ દ્વારા આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાનાં સરકારી વિશ્રામ ગૃહો, અતિથિ ગૃહો સહિત તમામ પ્રકારનાં સરકારી એકોમોડેશન્સમાં કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ હાથ ધરવા ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કેયુર સંપટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર કોઈપણ ચૂંટણી ઉમેદવાર, રાજકીય પક્ષો, પક્ષો અથવા ઉમેદવારના કાર્યકરો સરકારી ગેસ્ટ હાઉસ, ભવનો, સર્કિટ હાઉસ, ડાક બંગલા સહિતના કોઈપણ સરકારી આવાસો-એકમોડેશન્સનો ચૂંટણી પ્રચાર, સભા યોજવા, પ્રેસ કોન્ફરન્સ કરવા સહિતની રાજકીય પ્રવૃત્તિ માટે ઉપયોગ કરી શકશે નહીં. રહેવા અને જમવા સિવાય આ એકોમોડેશનો કે તેના પ્રિમાઈસીસનો ઉપયોગ થઈ શકશે નહીં.
એક જ વ્યક્તિને 48 કલાકથી વધુ સમય માટે રૂમ ફાળવી શકાશે નહીં.
આ આવાસોનો ઉપયોગ પ્રચાર કચેરી, સામાન્ય બેઠક કે અન્ય ચૂંટણી વિષયક હેતુ માટે પણ કરી શકશે નહીં. ચૂંટણી પ્રચારમાં આવેલા જે મહાનુભાવોને સરકારી વિશ્રામગૃહ-અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવવામાં આવી હોય તે મહાનુભાવને લાવવા-લઈ જતાં વાહનને જ સરકારી વિશ્રામગૃહ-અતિથિગૃહનાં કમ્પાઉન્ડમાં રાખવાની પરવાનગી આપી શકાશે. જો તેઓ આ માટે એક કરતાં વધારે વાહનોનો ઉપયોગ કરતાં હોય તો બે થી વધુ વાહનોને રાખી શકાશે નહીં. એક જ વ્યક્તિને 48 કલાકથી વધુ સમય માટે રૂમ ફાળવી શકાશે નહીં.
જાહેરનામું તા. 10.12.2022 સુધી અમલમાં રહેશે
વધુમાં જે રાજકીય પદાધિકારીઓને ઝેડ કક્ષાની કે જે તે રાજ્યના કાયદાની જોગવાઈ અનુસાર સમાન કે તેથી વધુ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવેલી હોય તેમને રાજ્ય સરકાર હસ્તકના સરકારી વિશ્રામગૃહ-અતિથિગૃહ, કેન્દ્ર સરકાર અગર રાજ્ય સરકારના જાહેર સાહસોના વિશ્રામગૃહ-અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે પરંતુ ચૂંટણી કામગીરી સંભાળતાં અધિકારી અગર તો નિરીક્ષકશ્રીઓને અગાઉથી આ રૂમ ફાળવવામાં આવેલ ન હોય તે શરતે જ આ પ્રકારે રહેવા માટે રૂમો ફાળવી શકાશે. આ જાહેરનામું તા.10.12.2022 સુધી અમલમાં રહેશે.