General Assembly – સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજાઈ
- આ સામાન્ય સભામાં વર્ષ 2022-23નું સુધારેલ તથા વર્ષ 2023-24નું 13 કરોડ 25 લાખના ખર્ચના અંદાજોને આકારતું અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું
આજરોજ સ્વામી વિવેકાનંદ હોલ, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજાઇ હતી. આ સામાન્ય સભામાં વર્ષ 2022-23નું સુધારેલ તથા વર્ષ 2023-24નું કરવેરા વગરનું પુરાંતવાળુ બજેટ રજુ કરવામાં આવ્યું હતું.
આ બજેટ રજૂ કરતાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેનશ્રી ઉદુભા ઝાલાએ જણાવ્યું હતું કે, વર્ષ 2023-24માં અંદાજિત રૂ.10 કરોડ 47 લાખ 98 હજારની આવક થવાની સંભાવના છે. જેમાં બે કરોડ 77 લાખ 53 હજારની ઉઘડતી સિલક સાથે જિલ્લા પંચાયત પાસે 13 કરોડ 25 લાખ 72 હજારની સિલક સ્વભંડોળ ખર્ચ માટે ઉપલબ્ધ છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આ બજેટમાં વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે. આગામી વર્ષમાં પ્રામાણિક અને પારદર્શક વહીવટ દ્વારા જિલ્લાને વધુમાં વધુ ગતિશીલ બનાવાય એવો સંકલ્પ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 2023-24ના અંદાજપત્રમાં સામાન્ય વહીવટ ક્ષેત્રે રૂ.1 કરોડ 45લાખ, વિકાસ ક્ષેત્ર રૂ.1 કરોડ 74 લાખ, શિક્ષણ ક્ષેત્રે 32 લાખ, આરોગ્ય અને આર્યુવેદ ક્ષેત્રે 34 લાખ, સમાજકલ્યાણ ક્ષેત્રે 25 લાખ, બાંધકામ ક્ષેત્રે 43 લાખ તથા મહેસુલ ક્ષેત્રે 6 કરોડ 20 લાખના ખર્ચની જોગવાઈ કરેલ છે. રૂ.1 કરોડ 87 લાખના પૂરાંતવાળા સ્વભંડોળે રૂ.13 કરોડ 25 લાખ 51 હજાર ખર્ચના અંદાજોને આકારતા આ અંદાજપત્રને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખસુશ્રી બબુબેન પાંચાણી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી અમથુભાઇ, સર્વે જિલ્લા પંચાયત સદસ્યોશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી આર.એમ.રાયજાદા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ પટેલ, હિસાબી અધિકારીશ્રી મિલનભાઈ વિરમગામી સહિત જિલ્લા પંચાયતના સંબંધિત વિભાગના અધિકારી/કર્મચારીશ્રીઓ હાજર રહ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી અંગે ખેડૂતોને સાવચેતી રાખવા સૂચના