હાર્દિક પટેલ : ભાજપમાં કેમ જોડાઈ રહ્યા છે અને કયાં કારણો જવાબદાર છે?
ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે અત્યાર સુધી ભાજપની જેટલી ટીકા કરી છે એટલી તો કોઈ જૂના કોંગ્રેસી નેતાઓએ પણ નથી કરી. અમિત શાહને ‘જનરલ ડાયર‘, નરેન્દ્ર મોદીને ‘ફેંકુ‘ તેમજ ભાજપ સરકાર માટે ‘તાનાશાહ‘ જેવા તેમણે શબ્દો વાપર્યા હતા અને હવે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે.
શિક્ષણથી લઇને ખેતી સુધી કોઈ એવું ક્ષેત્ર નથી જ્યાં હાર્દિકે ભાજપ પર આકરા પ્રહાર ન કર્યા હોય
શિક્ષણથી લઈને ખેતી સુધી કોઈ એવું ક્ષેત્ર નથી જ્યાં હાર્દિક પટેલે ભાજપ પર આકરા પ્રહાર ન કર્યા હોય.
પોતાના ટ્વિટર હૅન્ડલ પર તેમણે અગાઉ ‘આંદોલનજીવી હાર્દિક પટેલ’, ‘બેરોજગાર હાર્દિક પટેલ’ લખીને સરકારને ટોણાં પણ માર્યાં હતાં.
હાર્દિકે 2018માં સરકારની સામે અઢાર દિવસના ઉપવાસ કર્યા હતા. હવે હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ રહ્યા છે એની પાછળ કોઈ મજબૂરી છે કે મહત્વાકાંક્ષા?
-
રાજદ્રોહસહિતનાં જૂનાં કેસને લીધે ચૂંટણી ન લડી શકવાનો ડર
હાર્દિક પર રાજદ્રોહ સહિતના વીસ કરતાં વધુ કેસ છે. આ કેસ જ હાર્દિકની રાજકીય કારકિર્દી સામેની સૌથી નબળી કડી છે જેથી તેમણે સત્તાનું શરણું પસંદ કર્યું લાગે છે
હાર્દિક પર રાજદ્રોહ સહિત વીસ કરતાં વધારે કેસ છે. આ કેસ જ હાર્દિકની રાજકીય કારકિર્દી સામેની સૌથી નબળી કડી છે. જેથી તેમણે સત્તાનું શરણું પસંદ કર્યું હોવાનું જાણકારોનું માનવું છે.
હાર્દિક પટેલ અગાઉ નવ મહિના જેટલો સમય જેલમાં વિતાવી ચૂક્યા છે. તેમની સામે જે કેસ છે એમાં તેમને ફરી જેલ થઈ શકે છે ઉપરાંત જો કસૂરવાર પૂરવાર થાય તો ભવિષ્યમાં તે ચૂંટણી પણ ન લડી શકે.
હાર્દિકને કદાચ એવી ધરપત હશે કે ભાજપમાં જશું તો કેસમાં રાહત મળશે.
આના પર પ્રકાશ પાડતાં ગુજરાતના વરિષ્ઠ સંશોધનાત્મક પત્રકાર પ્રશાંત દયાળ કહે છે કે, “ભાજપ પસંદ કરવાનું સૌથી મહત્ત્વનું કારણ એ છે કે હાર્દિકને ફરી જેલમાં નથી જવું. રાજદ્રોહના કેસમાં એમને સજા થાય એવી શક્યતા છે. તેમની સામેના પુરાવા મજબૂત છે. રાજદ્રોહના કેસમાં આજીવન કારાવાસની જોગવાઈ છે. એક વખત રાજદ્રોહમાં સજા થાય એ પછી કોર્ટ જામીન પણ નથી આપતી. તેથી હાર્દિકને એ વાતનો ડર હોઈ શકે.”
“પાટીદાર અનામત આંદોલન સમયે વર્ષ 2015માં વિસનગરના તત્કાલીન ધારાસભ્ય ઋષિકેશ પટેલને આવેદન આપવા માટે હાર્દિક પટેલ સહિતના પાટીદાર આગેવાનો ગયા હતા. એ વખતે તોડફોડ થઈ હતી. જેમાં તેમને બે વર્ષની સજા થઈ છે. જેમાં સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે.”
તેઓ ઉમરે છે, “હાર્દિકને ડર છે કે સ્ટે ઊઠી જાય તો બે વર્ષની સજા થાય અને તે આજીવન ચૂંટણી ન લડી શકે. કાયદા મુજબ ગુનામાં સજા થઈ જાય પછી ચૂંટણી ન લડી શકાય.”
“હાર્દિકને ડર છે કે સ્ટે ઊઠી જાય તો તેની રાજકીય કારકિર્દી શરૂ થતાં પહેલાં જ આથમી જાય. હાર્દિક સામેના પુરાવા એવા મજબૂત છે કે આંદોલન વખતે જે કોઈને સૂચના આપી હોય કે સાથે રહ્યા હોય તે સરકારના સાક્ષી બની ગયા છે. તેથી તેની સામે રાજદ્રોહના કેસમાં સજા થાય થાય તો જીવન જ જેલમાં જાય.”
2. કોંગ્રેસનું માળખું અને તેમાં જોડાયા પછીની હાર્દિકની મૂંઝવણ
“હાર્દિકને લાગતું હતું કે હવે તે આગામી ચૂંટણીમાં પસંદગીના લોકોને ટિકિટ નહીં અપાવી શકે અને કોંગ્રેસ પાર્ટી તેને પ્રમોટ પણ નહીં કરે”
ગુજરાત કોંગ્રેસનું પોતાનું એક સ્વતંત્ર માળખું છે. તેમાં ગોઠવાતાં અને આગળ વધતાં સમય લાગે છે.
અભ્યાસુઓનું માનવું છે કે કોઈ પણ ગૉડફાધર વગર લોકોમાંથી આવતા નેતા કોંગ્રેસના આંતરિક રાજકારણમાં તરત સેટ થઈ શકતા નથી.
કૉંગ્રેસે હાર્દિકને ખૂબ જલદી કાર્યકારી અધ્યક્ષનું પદ આપ્યું હતું. જોકે, હાર્દિક પટેલે બળાપો કાઢ્યો હતો કે કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ હોવા છતાં તેમને કામ અને મહત્ત્વ મળતાં નહોતાં.
વરિષ્ઠ પત્રકાર અને લેખક ઉર્વીશ કોઠારી કહે છે કે, “કોંગ્રેસનું પોતાનું માળખું છે અને એમાં તમને હોદ્દો મળે એટલે તરત ઊંચકાઈ ન શકો. બીજી તરફ હાર્દિક જેવો આક્રમક નેતા અમુક પ્રકારે લાઇમલાઇટમાં ન રહે તો એની કૅરિયર પૂરી થઈ જાય. ”
“તેથી તેમને સતત કશુંક કરતાં રહેવું પડે. કોંગ્રેસ કદાચ હાર્દિકને કહે કે અમે તમને આટલો મોટો હોદ્દો આપ્યો તો થોડી શાંતિ રાખો. તો એમના માટે અઘરૂં પડે.”
બીજી બાબત એ છે કે હાર્દિક ભલે કોંગ્રેસમાં 2019માં જોડાયાં પણ તેમને લીધે કોંગ્રેસને જે કાંઈ ફાયદો થવાનો હતો તે હાર્દિકના 2015નાં પાટીદાર અનામત આંદોલન પછી 2017ની વિધાનસભા ચૂંટણીમાં થઈ ગયો હતો.
એ વખતે કોંગ્રેસ ગુજરાતમાં 77 બેઠકો જીતી હતી અને સરકાર બનાવતાં બનાવતાં રહી ગઈ હતી.
હાર્દિક કોંગ્રેસમાં જોડાયાં પછી ગુજરાતમાં યોજાયેલી 8 બેઠકોની પેટાચૂંટણી હોય કે સ્થાનિકસ્વરાજની ચૂંટણી હોય કે પછી ગાંધીનગર, સુરત મહાનગરપાલિકાની ચૂંટણી હોય કોંગ્રેસ બધે ખરાબ રીતે હારી ગઈ હતી.
વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ કહે છે કે, “હાર્દિકને લાગતું હતું કે હવે તેઓ આગામી ચૂંટણીમાં પસંદગીના લોકોને ટિકિટ નહીં અપાવી શકે અને કોંગ્રેસ પાર્ટી તેમને પ્રમોટ પણ નહીં કરે. કોંગ્રેસમાં હવે તેઓ આગળ નહીં વધી શકે. ભાજપમાં જવાનું એક કારણ આ પણ છે.”
-
આંદોલનનાં સંઘર્ષનાંસાથીદારોગયા અને હાર્દિક પટેલ એકલા પડી ગયા
હાર્દિક પટેલે 2015માં પાટીદારોને અનામત અપાવવા માટે આંદોલન કર્યું હતું ત્યારે પાસ એટલે કે પાટીદાર અનામત આંદોલન સમિતિ રચાઈ હતી. એમાંના મોટા ભાગના સંઘર્ષનાં સાથીદારો હવે હાર્દિક પટેલ સાથે નથી.
છેલ્લે નિખિલ સવાણી જેવા સાથી પણ તેમને છોડીને આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા હતા. એ અગાઉ રેશમા પટેલ એનસીપી(નેશનાલિટ કોંગ્રેસ પાર્ટી)માં, વરૂણ અને ચિરાગ પટેલ ભાજપમાં જોડાઈ ગયાં હતાં.
ગોપાલ ઈટાલિયા જેવી વ્યક્તિ કે જે પાસના આંદોલનમાં બીજી કે ત્રીજી હરોળના સહયોગી હતા તેઓ આપમાં જોડાઈને પ્રદેશ અધ્યક્ષ બનીને રાજકીય રીતે કાઠું કાઢી રહ્યા છે અને પોતે કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં કોંગ્રેસમાં કશું કરી શકતા નથી એનો વસવસો પણ હાર્દિકને હોઈ શકે.
જોકે, સાથીદારો સાથે ન રહ્યા તેમાં તેઓ કંઈક અંશે હાર્દિકની મહત્વાકાંક્ષાને પણ જવાબદાર ઠેરવતા હતા.
બીજી બાજુ, હાર્દિકના કહેવા અનુસાર કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં તેમને કોઈ કામ મળતું નહોતું અને સંઘર્ષનાં સાથી પણ તેમની સાથે ન રહેતાં તે એકલા પડી ગયા હતા.
ભાજપ એટલી સશક્ત પાર્ટી છે કે કોઈ એકલદોકલ વ્યક્તિ તેની સામે પડી હોય તો છેલ્લે તે ભાજપમાં જોડાઈને સમાધાનનો માર્ગ અપનાવે છે અને તેના ઘણા દાખલા છે, પછી તે અલ્પેશ ઠાકોર હોય કે હાર્દિકના સંઘર્ષનાં સાથીદારો જ કેમ ન હોય.
-
નરેશ પટેલનું ફેક્ટર
નરેશ પટેલ ગુજરાતનાં ઊદ્યોગપતિ અને પટેલ આગેવાન છે અને તેઓ કોંગ્રેસમાં જોડાશે એવી અટકળ છેલ્લા છ-એક મહિનાથી ચાલી રહી છે. તેઓ જો કોંગ્રેસમાં જોડાય તો હાર્દિકનું કદ ઘટે.
સમીક્ષકો માને છે કે નરેશ પટેલના કોંગ્રેસમાં આવવાના એંધાણની જ્યારથી વાત વહેતી થઈ હતી ત્યારથી જ કોંગ્રેસ અને હાર્દિક વચ્ચે ગજગ્રાહ શરૂ થયો હતો.
હાર્દિક પટેલે જોકે, નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા માટે પત્ર લખ્યો હતો અને પછી મીડિયા સમક્ષ એમ પણ કહ્યું હતું કે “કોંગ્રેસમાં નિર્ણયશક્તિ ઘણી ઓછી છે એટલે અઢી મહિનાથી નરેશભાઈનું પ્રકરણ, પ્રક્રિયા લટકેલાં છે. કોંગ્રેસ પાર્ટી નરેશભાઈને લેવા માગે છે કે નહીં એ તો પહેલાં સ્પષ્ટ કરે.”
અલબત, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે તો કહી જ દીધું હતું કે નરેશ પટેલ કોંગ્રેસમાં આવતા હોય તો ‘અમે લાલ જાજમ પાથરવાં તૈયાર છીએ. નિર્ણય તેમણે કરવાનો છે.’
વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલે કહ્યું, “પાર્ટીમાં હાર્દિક પાટીદાર નેતા છે અને બીજો પાટીદાર નેતા આવે તો હાર્દિકનું કદ ઘટે. એમાંય એવી વાત ચાલે કે નરેશ પટેલ માત્ર કોંગ્રેસમાં જોડાશે એટલું જ નહીં પણ મુખ્ય મંત્રીનો ચહેરો બનશે. એનો સીધો અર્થ એ નીકળે કે નેતૃત્વ નરેશ પટેલનું રહેશે, હાર્દિકનું નહીં. જો આવું થાય તો હાર્દિક પટેલની રાજકીય મહાત્વાકાંક્ષા જોખમાય. બંને નેતા વચ્ચે પોતાના સમાજમાં અને કોંગ્રેસમાં આગળ રહેવાની જે સ્પર્ધા છે એ વધી જાય.”
તેઓ ઉમેરે છે, “કોંગ્રેસ પાર્ટી નિર્ણય નથી લઈ શકતી કે નરેશ પટેલનું અપમાન થઈ રહ્યું છે એવું હાર્દિકે કહ્યું હતું એની પાછળનો મર્મ એ છે કે કોંગ્રેસ માટે જવાબ આપવો અઘરો પડે અને પોતે ભાજપમાં જોડાવા વિક્ટીમ કાર્ડ રમી શકે.”
“હાર્દિક પટેલ ભાજપમાં જાય છે તે અલગ વાત છે, પણ કૉંગ્રેસે તેમને વિક્ટીમ કાર્ડ રમવાની તક આપી નહોતી. આમ નરેશ પટેલની કોંગ્રેસ પ્રવેશની શક્યતા પણ હાર્દિક માટે ભાજપ પ્રવેશની શક્યતા બની છે.”
હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે, સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરશે
5. થાક, મજબૂરી અને મહાત્વાકાંક્ષા
હાર્દિકનાં આંદોલનનાં એક જૂના સાથીએ કહ્યું હતું કે, “અદાલતનાં આંટા ફેરા અને જેલમાં જવાની આ ઝંઝાળને લીધે તે થાકી ગયો હતો.”
હાર્દિક પટેલે આંદોલન કર્યા પછી નવ મહિના જેટલો લાંબો સમયગાળો જેલમાં વિતાવ્યો હતો. તેમના પર રાજદ્રોહ સહિતના ત્રીસેક અલગ અલગ કેસ હતા. જેમાં તેમને વારંવાર અદાલતમાં હાજર રહેવું પડતું હતું.
એક તબક્કો તો એવો પણ આવ્યો હતો કે એક કેસમાં અદાલતમાંથી જામીન મળ્યા હોય તો બીજા કેસમાં તેમને જેલમાં લઈ જવા માટે પોલીસ તૈયાર જ ઊભી હોય.
હાર્દિકના આંદોલનનાં એક જૂના સાથીએ કહ્યું હતું કે, “અદાલતના આંટા-ફેરા અને જેલમાં જવાની આ જંજાળથી તેઓ થાકી ગયા હતા.”
બીબીસી સાથેની એક મુલાકાતમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે “યોગી આદિત્યનાથ પર 132 કેસ હતા. ઉત્તર પ્રદેશનાં મુખ્ય મંત્રી બન્યા તેના બીજા જ દિવસે બધા કેસ હઠાવી દેવાયા હતા.”

હાર્દિકને કદાચ એવી આશા હોય કે સત્તાનું શરણું ઝાલ્યા પછી કેસમાં રાહત થશે.
વરિષ્ઠ પત્રકાર અને પ્રાધ્યાપક હરિ દેસાઈ બીબીસીને કહે છે કે, “હાર્દિકને હવે ભાજપની ગરજ છે અને તે ચૂંટણી લડવા અધીરા બન્યા છે તેથી ભાજપમાં જોડાવાનું પસંદ કર્યું છે.”
વરિષ્ઠ પત્રકાર અને લેખક ઉર્વીશ કોઠારી કહે છે કે, “હાર્દિક જ્ઞાતિગત રીતે પટેલ પાવરના જોરે ઊંચકાયો એ જ જોરે કોંગ્રેસમાં ગયા અને હવે એ જ જોરે ભાજપમાં જાય છે. ”
“તેમની કોઈ વિચારધારા નથી. જેની કોઈ વિચારધારા નથી એવા લોકોનો ભાજપ પ્રવેશ ખૂબ સરળ બની જતો હોય છે. અલબત કોંગ્રેસમાં જોડાવા માટે પણ કોઈ વિચારધારાની જરૂર હોતી નથી પણ ભાજપમાં જોડાવા માટે તો એ જ મોટી લાયકાત ગણાય છે.”
તેઓ ઉમેરે છે, “ઉદાહરણથી સમજીએ, કોઈ માણસને માત્ર પૈસા અને પૈસા સાથે પ્રસિદ્ધિ એ બેમાંથી કોઈ એક પસંદ કરવાનું હોય તો એ બીજા વિકલ્પ પર પસંદગી ઢોળશે. ”
“હાર્દિક માટે કોંગ્રેસમાં રહીને પ્રસિદ્ધિ મેળવવી અઘરી હતી. કેટલીક વખત મજબૂરી અને મહત્વાકાંક્ષા એકબીજામાં ભળેલી હોય છે. હાર્દિક પાવર પૉલિટિક્સની આસપાસ જ રહ્યા છે. જો ભાજપમાં જાય તો તેમને કેસમાં રાહત અને ચૂંટણીમાં ઉમેદવારી સહિતના લાભ મળે તો અંતે તો એ ભાજપ જ પસંદ કરે.”
કેકેના મોત માટે જવાબદાર કોણ?: ઓડિટોરિયમનું એસી બંધ હતું, ગરમીને કારણે સિંગર વારંવાર પરસેવો લૂછતા હતા