ઘરે-ઘરે માંદગીના ખાટલા: સુરેન્દ્રનગર જિલ્લામાં સિઝનનો પ્રથમ વરસાદ જ મુસીબત બનીને આવ્યો, વરસાદી પાણીનો ભરાવો થતાં રોગચાળો ફાટી નીકળ્યો, હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો
- એક બાજુ સરકારી હોસ્પિટલોમાં સ્ટાફનો અભાવ, બીજી બાજુ વરસાદના વિરામ બાદ રોગચાળો બેકાબૂ બન્યો
- જિલ્લામાં રોગચાળો ફાટી નીકળતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. જોકે, જિલ્લામાં સિઝનનો પ્રથમ વરસાદ જ મુસીબત બનીને આવ્યો હોય તેમ વરસાદના વિરામ બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે. ઘેર-ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યાં છે. સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં એક બાજુ ડોક્ટર સ્ટાફનો અભાવ છે. ત્યારે બીજી બાજું રોગચાળો ફાટી નીકળતા હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે.
હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના વિરામ બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે અને ઘેર-ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યાં છે. જિલ્લાની લીંબડી, વઢવાણ અને ચુડા સહિતની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી છે.
મેલરિયા અને કોલેરાના રોગચાળાએ માથું ઉચક્યું
જિલ્લામાં મેલેરીયા અને કોલેરા જેવા રોગચાળાએ ઉછાળો માર્યો હતો. જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં વહેલી સવારથી દર્દીઓની લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી. વરસાદના વિરામ બાદ ખુલ્લા કોમન પ્લોટ અને ખુલ્લી જગ્યાઓમાં વરસાદી પાણીનો ભરાવો થતાં મચ્છરજન્ય રોગચાળાએ ઉછાળો માર્યો છે. જિલ્લાના લીંબડી, વઢવાણ અને ચુડા સહિતની સરકારી હોસ્પિટલોમાં રોગચાળાનો ઈલાજ કરાવવા માટે દર્દીઓની લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી. જિલ્લામાં વરસાદના વિરામ બાદ રોગચાળો ફાટી નીકળતા ઘેર-ઘેર માંદગીના ખાટલા જોવા મળતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યોં છે.