Bajana – બજાણા ગામે યુવાને એક આધેડને ઉપરાછપરી છરીના ઘા ઝીંક્યા, ઘરમાં જ લોહીનું ખાબોચિયું ભરાયું
પાટડી તાલુકાના બજાણા ગામે એક આધેડ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. યુવાને ઘરમાં ઘૂસીને છરી વડે આધેડ પર ઘાતક હુમલો કરતા ઘરમાં જ લોહીનું ખાબોચિયું ભરાયું હતું. આ ઘટનામાં 55 વર્ષના આધેડને શરીરમાં છરીના ઘા ઝીંકાતા ગંભીર હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે લઈ જઇ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ બનાવ અંગે આધેડે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ બજાણા ઇન્ચાર્જ પીએસઆઇ ચલાવી રહ્યા છે.
પાટડી તાલુકાના બજાણા ગામે ઇન્દિરાનગર વિસ્તારમા રહેતા 55 વર્ષના ગોવિંદભાઇ પરમારે બજાણા પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ બજાણા ગામે રહેતો મહંમદફેજ જાકીરહુસેન સંધી અવારનવાર બજાણા ઇન્દિરાનગર શેરીમાં કોઈ પણ કારણ વગર નીકળતો હતો. એમના ઘરમાં જવાન દિકરી હોવાના લીધે ગોવિંદભાઇ પરમારે મહંમદફેજના પિતાને ફરિયાદ કરી હતી કે, તમારો દીકરો મહંમદફેજ કોઈપણ કારણ વગર અમારા ઘરની સામે જોતો જોતો નીકળે છે. અમારા ઘરમાં જવાન દિકરી છે. આથી આરોપીના પિતાએ હવે મારો દીકરો તમારા ઘર પાસેથી નહીં નીકળે હું એને સમજાવી દઈશ એમ કહ્યું હતું.
જે અંગેનું મનદુઃખ રાખી બજાણા ગામના આરોપી મહંમદફેજ જાકીરહુસેન સંધીએ બજાણા ગામના ગોવિંદભાઇ પરમારના ઘરમાં રાત્રીના સમયે પ્રવેશ કરી ઢાળીયામા સુઈ રહેલા ગોવિંદભાઇ પરમારના પેટના ડાબા પડખે તીક્ષ્ણ અણીદાર હથિયારનો એક ઘા ઝીંકી દીધો હતો.
આરોપી મહંમદફેજે આટલેથી ના અટકતા પથારીમાંથી ઉભા થવા જતા ગોવિંદભાઇ પરમારને ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી વધુ એક છરીનો ઘા પેટના ડાબા પડખામાં ઝીંકવાની સાથે મારી નાખવાના ઇરાદે ગોવિંદભાઇ પર ચઢી જતા ગોવિંદભાઇએ રાડ બુમને દેકારો કરતા એમના માતા, પત્ની અને દિકરી ઘરમાંથી બહાર આવી છોડાવવાનો પ્રયત્ન કરવા છતાં ફરી છરીનો વધુ એક ઘા છાતીના ભાગે અને બીજા બે ઘા ડાબા હાથની કોણી ઉપર અને એક ઘા ડાબા હાથના ખંભા ઉપર મારતા ઘરમાં જ લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા.
બાદમાં આરોપી મહંમદફેજ મારી નાખશે એમ જણાતા લોહીલુહાણ હાલતમાં ગોવિંદભાઇ પરમાર ઉભા થવા જતા મહંમદફેજે પાટુ મારી એમને નીચે પાડી દીધા હતા. બાદમાં રાડબૂમને દેકારો થતાં આજુબાજુમાંથી લોકો દોડી આવતા આરોપી મહંમદફેજ છરી ત્યાં જ ફેંકીને ઘરની દિવાલ કૂદીને ભાગી ગયો હતો. બાદમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા ગોવિંદભાઇ પરમારને લોહીલુહાણ અને ગંભીર હાલતના 108 એમ્બ્યુલન્સ વાનમાં સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલમા લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં તાત્કાલિક એમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. બાદમાં ગોવિંદભાઇ પરમારે બજાણા પોલીસ મથકે બજાણા ગામના આરોપી મહંમદફેજ જાકીરહુસેન સંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઇ એમ.બી.વીરજા ચલાવી રહ્યાં છે.