Launch and Khatamuhurta – પાટડી ખાતે નગરપાલિકાના વિવિધ વિકાસ કામોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
પાટડી ખાતે નગરપાલિકાના વિવિધ વિકાસ કામોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાનાં વરદ હસ્તે આજે પાટડી ખાતે રૂ.2.22 કરોડનાં કામોનું ખાતમુર્હુત, રૂ.50 લાખનાં કામોનું લોકાર્પણ તેમજ નગરપાલિકા વિસ્તારમાં રૂ.8.81 કરોડનાં ખર્ચે નલ સે જલ યોજનાની શરૂઆત કરાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સંબોધન કરતા વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે પાટડી નગરપાલિકા વિસ્તારમાં થયેલા આ લોકાર્પણ અને ખાતમુર્હૂત થકી સ્થાનિક લોકોની જનસુખાકારીમાં વધારો થશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે લીધેલા દૂરંદેશીભર્યા નિર્ણયોનાં કારણે અને તેમનાં માર્ગદર્શન હેઠળ છેલ્લા બે દાયકાથી સરકારની અસરકારક કામગીરીનાં પગલે આજે ગુજરાત દેશના ગ્રોથ એન્જિન તરીકે ઉભરી આવ્યું છે. અગાઉનાં સમયમાં લોકો વાળુ સમયે લાઈટ ન જાય તેવી ઈચ્છા રાખતા હતા, જ્યારે આજે જ્યોતિગ્રામ યોજના અંતર્ગત ગુજરાતમાં 24 કલાક નિયમિત વીજ પૂરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યના 98% ઘરોમાં ઘરે બેઠા નળથી પીવાનું શુદ્ધ પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. હજારો કિલોમીટર લાંબુ કેનાલ માળખુ બનાવીને સરકારશ્રીએ ઘરે-ઘરે નર્મદાનાં નીર પહોંચાડ્યા છે. મંત્રીશ્રીએ શક્તિમાતાનાં દર્શન કરી જનસુખાકારીની પ્રાર્થના કરી હતી તેમજ સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું.
અગ્રણી શ્રી જગદીશભાઈ મકવાણાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ અને છેવાડાના લોકોને ધ્યાનમાં રાખીને વિશ્વની સૌથી મોટી આરોગ્યલક્ષી યોજના પીએમજેએવાય-મા કાર્ડ યોજના ચાલુ કરી છે. આ યોજનામાં કુટુંબદીઠ વાર્ષિક 5 લાખની સારવારનું કવચ અને કુટુંબનાં દરેક સભ્યને વ્યક્તિગત કાર્ડ આપવામાં આવે છે.
આ ઉપરાંત, નગરપાલિકા પ્રમુખશ્રી મૌલેશભાઈ પરીખ અને અગ્રણીશ્રી દિલીપભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.
આ કાર્યક્રમમાં પાટડી તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધવલ પટેલ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી ચેરમેનશ્રી શૈલેષભાઈ પટેલ અગ્રણી સર્વશ્રી સોનાજી ઠાકોર, ખેંગારભાઈ ડોડીયા, પી.કે.પરમાર, એન.કે.રાઠોડ, વાલાભાઈ ભરવાડ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવારો અનુસંધાને મીઠાઇ અને ફરસાણનું ભાવ બાંધણું કરવામાં આવ્યું