લમ્પી વાઇરસ: ધ્રાંગધ્રાનાં 3 ગામનાં પશુઓમાં લમ્પીનાં લક્ષણો : હળવદમાં પણ રોગે દેખા દીધી
- મહિનાથી રતનપર, કલ્યાણ, રામપરામાં પ્રસરેલો વાવર બાવળી, જશાપર, ગાજણવાવમાં જોવા મળ્યો
- રાહત: માલિકીનાં પશુઓમાં નિયંત્રણ ચિંતા : રખડતાં ઢોરો હજી પણ જોખમી
કોંઢ આસપાસનાં રતનપર, કલ્યાણ, રામપરા ગામોમાં પશુઓમાં મહિનાથી લમ્પી વાઇરસ જોવા મળી રહ્યો છે ત્યારે બાવળી, જશાપર અને ગાજણવાવનાં પશુઓને પણ જીવલેણ બીમારીએ ભરડામાં લીધાં છે. બીજી તરફ હળવદની પાંજરાપોળમાં પણ એક ગાયમાં લમ્પીનાં લક્ષણો જોવા મળ્યાં છે.
ધ્રાંગધ્રાનાં ગામોમાં પશુ ડૉક્ટર સાથેની ટીમ અને સ્થાનિક યુવાનોના સહકારથી રખડતા ઢોરની સારવાર કરાઈ રહી છે અને રોજ સરેરાશ 15થી 20 પશુની સારવાર કરાઈ રહી છે ત્યારે કોંઢ ગામમાં સ્થાનિક પશુ ડૉક્ટર સાથે ધ્રાંગધ્રામાંથી પશુ ડૉક્ટર સાથેની ટીમ સારવાર માટે આવી પશુઓને સારવાર કરી રહ્યા છે ત્યારે હાલ કોંઢ ગામે લમ્પી વાઇરસને લઈને અનેક પશુનાં મોત થયાં છે. માલિકીના પશુમાં સારવાર બાદ વાઇરસ કાબુમાં આવી ગયો છે પરંતુ રેઢિયાળ પશુમાં જોવા મળી રહ્યો છે તેને સારવાર અપાઈ રહી છે.
વઢવાણ: 100થી વધુ વર્ષ જૂના જોરાવરસિંહજી પુસ્તકાલયનું જર્જરિત મકાન ઉતારી લેવાશે
મૃત પશુના નિકાલની વ્યવસ્થા કરાઈ છે
કોંઢમાં લમ્પી વાઇરસ જોવા મળતાં અવાડાની આસપાસ, પશુ બેસતાં હોય ત્યાં સફાઈ કરાવાઈ છે. મૃત પશુના નિકાલની વ્યવસ્થા કરાઈ છે.> શાન્તુબહેન રાઠોડ, સરપંચ, કોંઢ
પશુઓને એન્ટી બાયોટિક અપાય છે
પશુઓને એન્ટી બાયોટિક દવા અપાઈ છે. પ્રાણીમાં આ વાઇરસ જોવા મળે તો પશુપાલકોએ તેને અલગ બાંધવું. > ડૉ. પ્રવીણ ભોરણિયા અને ડૉ. એસ. એન. સોલકી, પશુ સારવાર કેન્દ્ર, કોંઢ
સરકારી ચોપડે 30 મોત : પશુ પાલકોએ ડરવાની જરૂર નથી કોંઢ ગામની રૂબરૂ મુલાકાત લઈને તપાસ કરતાં સરકારી ચોપડે 30 પશુનાં મોત જણાય છે. પશુ ડૉક્ટર, સરપંચ અને સ્થાનિક આગેવાનો સાથે રાખી વ્યવસ્થા કરવામાં આવી છે. પશુઓને યોગ્ય સારવાર અપાઈ રહી છે. પશુપાલકોએ ડરવાની જરૂર નથી. { સંદીપ વાલાણી, તાલુકા વિકાસ અધિકારી
પશુને ધણમાં નહીં મોકલવા કહેવાયું છે
કોંઢમાં પશુ ડૉક્ટરની ટીમ સારવાર આપી રહી છે. પંચાયત દ્વારા રોગને કાબૂમાં લેવા પશુઓને ધણમાં ન મોકલવાનું જણાવાયું છે. > ભૂપેન્દ્રસિંહ આર. ઝાલા, ઉપ સરપંચ, કોંઢ
સારવારની યોગ્ય વ્યવસ્થાની માગ કરાઈ
બાવળી ગામમાં પણ પ્રાણીઓમાં લમ્પી વાઇરસ જોવા મળતાં પશુ ડૉક્ટરને જાણ કરી છે. સારવારની યોગ્ય વ્યવસ્થા કરવાની માગણી પણ કરાઈ છે. – રવીન્દ્રસિંહ ઝાલા, ઉપ સરપંચ, બાવળી
ગૌશાળાની 1 ગાયમાં લક્ષણ દેખાયાં
હળવદની રામવિલા સોસાયટીની મહેશભાઈની ગૌશાળામાં એક ગાયને લમ્પી વાઇરસનાં લક્ષણ જણાતાં ડૉ. વી. બી. એરવાડિયા સહિતની ટીમે ગૌશાળામાં 20 જેટલી ગાયને રસી આપી હતી. જેમાં 1 ગાય લમ્પી વાઇરસનો ભોગ બની છે. ડૉ. એરવાડિયાએ જણાવ્યું હતું કે, આવા વાઇરસ દેખાય તો પશુપાલન વિભાગને જાણ કરવી, વિભાગ પાસે રસીનો પૂરતો સ્ટોક હોઈ, પશુપાલકે તાત્કાલિક પશુપાલન વિભાગનો સંપર્ક કરી પશુઓને વાઇરસથી સુરક્ષિત કરવાં જોઈએ.