ધ્રાંગધ્રા ખાતે 50મું રાજ્યકક્ષા વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાશે

Photo of author

By rohitbhai parmar

Math-Science Exhibition – ધ્રાંગધ્રા ખાતે 50મું રાજ્યકક્ષા વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાશે

Google News Follow Us Link

ધ્રાંગધ્રા ખાતે 50મું રાજ્યકક્ષા વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાશે

  • શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરનાં વરદહસ્તે તા.19નાં રોજ પ્રદર્શનનો શુભારંભ કરાશે

ગુજરાત રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું રાજ્ય કક્ષાનું 50મું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન તારીખ 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન શ્રી બ્રહ્માનંદ વિદ્યાલય, ધાંગધ્રા ખાતે યોજાશે. શિક્ષણમંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરના વરદહસ્તે તા.19 ફેબ્રુઆરીનાં રોજ આ પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવશે. આ અવસરે કેન્દ્રીય મંત્રીશ્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા, ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ મંત્રીશ્રી ઇન્દ્રવિજયસિંહ કે. જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બબુબેન પાંચાણી, શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ મુંજપરા સહિતનાં અગ્રણીશ્રીઓ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અધ્યક્ષશ્રી એ. જે. શાહ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

આ પ્રદર્શન મુખ્યત્વે 5 વિભાગમાં વહેચાયેલું રહેશે. જેમાં વિભાગ-1માં માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીમાં ઉન્નતિ અને નાવીન્ય, વિભાગ-2માં ઇકો ફ્રેન્ડલી સામગ્રી અને પર્યાવરણ સંબંધી ચિંતા, વિભાગ-3માં સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, વિભાગ-4માં પરિવહન અને નાવીન્ય, વિભાગ-5માં વર્તમાન નાવીન્ય દ્વારા ઐતિહાસિક વિકાસ અને ‘આપણા માટે ગણિત’નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બાળકો દ્વારા વિવિધ વૈજ્ઞાનિક અભિગમ સાથે તૈયાર કરેલ કૃતિઓ પણ રજુ કરવામાં આવશે, જે આ પ્રદર્શનની મુખ્ય વિશેષતાઓ રહેશે.

વિશેષમાં અન્ય આયોજનમાં તા.20 ફેબ્રુઆરી, સોમવારના રોજ બપોરે 4:00 થી 5:30 કલાક સુધી વિજ્ઞાન વિષયક  વ્યાખ્યાન,રાત્રે 8:00 થી 9:30 કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, તા.21 ફેબ્રુઆરીનાં રાત્રે 8:00 થી 9:30 દરમિયાન પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ અને હાસ્ય કલાકાર શ્રી ડો. જગદીશ ત્રિવેદી દ્વારા માતૃભાષા અંતર્ગત હાસ્ય દરબાર યોજાશે.

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ-ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ જિલ્લા શિક્ષણ સમિતિ સુરેન્દ્રનગર અને શ્રી બ્રહ્માનંદ વિદ્યાલય ધાંગધ્રાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પ્રદર્શન તા.20 અને 21 ફેબ્રુઆરીના રોજ સવારે 9:30 થી સાંજના 4:00 સુધી તેમજ તા.22 ફેબ્રુઆરીના રોજ સવારે 9:30 થી બપોરના 12:30 સુધી નિહાળી શકાશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link