Mockdrill Organized- આઈઓસીની પાઈપમાં લીકેજથી આગ લાગતાં લેવલ 3ની ઇમરજન્સી લદાઈ
લખતર તાલુકાના કડું નજીકથી વલ્લભીપુર કેનાલના રોડેથી તાલુકાનાં લીલાપુર ગામ તરફ જતાં કેનાલ નજીકથી આઈઓસીની સલાયા-મથુરા પાઇપ લાઇન પસાર થાય છે. જ્યાં તા.6-3-24ના રોજ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
કડું નજીક આવેલી વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ પાસે લીલાપુર તરફ જવાના કેનાલ રોડ ઉપર આઈઓસીએલની પાઇપ લાઈન પસાર થાય છે. જ્યાં તા.6-3-24ના રોજ સવારે પાઇપ લાઈનમાં ક્રૂડ ઓઇલ લીકેજ થયું હતું. આ દરમિયાન લેવલ 2 ની ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. તેની જાણ સાથે જ ફાયર બ્રિગેડ, મેડિકલ ટીમ સાઈટ માટે રવાના થઈ હતી. બાદમાં માઈનોર લીકેજ મોટા લિકેજમાં પરિણમ્યું હતું. ત્યારબાદ લેવલ 3ની ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.
આ દરમિયાન આઇઓસીએલના મેઇન્ટેનન્સ ટીમ દ્વારા સ્થળે પહોંચી કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન એક કર્મી ઇજાગ્રસ્ત થયો હતો. જેને 108 ઇમરજન્સી મારફતે લઈ જવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર આઈઓસીના વિજય જૈન, સ્ટેટ ડિઝાસ્ટરનાં નિલેશ પરમાર, પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના દર્શનભાઈ, ગુજરાત ગેસના વિપુલભાઈ, લખતર પીએસઆઈ એન.એ.ડાભી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર આઈઓસીએલ લખતરમાં 40 લીમડાના વૃક્ષ વાવશે તેવી જાહેરાત કરી હતી. આ મોકડ્રીલમાં પ્લાસ્ટિકના ઉપયોગથી પ્રદૂષણ થતું હોવાનું જણાવી ખાદીની થેલી વપરાશમાં લેવા આહવાન કરવામાં આવ્યું હતું. જેનાથી વોકલ ફોર લોકલ થકી લોકોને રોજગારી પણ મળશે તેવું જણાવી અને ઉપસ્થિત ગ્રામજનો અને વિશેષ ઉપસ્થિત મહાનુભાવોને પણ ખાદીની થેલીઓ આપવામાં આવી હતી.