નવા નિયમ : 1 જુનથી બદલાઈ જશે આ પાંચ મોટા નિયમો, તમારા પૈસા પર પડશે સીધી અસર
1 જૂનથી પર્સનલ ફાઈનાન્સ સાથે જોડાયેલા ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. જાણો ક્યા નિયમોમાં શું ફેરફારો થશે.
જૂનમાં ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ ફેરફારની અસર સીધી તમારા પૈસા પર પડશે. આ તમામ નિયમો પર્સનલ ફાઇનાન્સ સાથે સંબંધિત છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આ નિયમોની સીધી અસર સ્ટેટ બેંકની હોમ લોન લેનારા, એક્સિસ બેંક અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB)ના ગ્રાહકો અને વાહન માલિકો પર જોવા મળશે. જો તમે પણ આ કેટેગરીમાં આવો છો તો જૂન મહિનાનું ધ્યાન રાખો. રેપો રેટ અને લેન્ડિંગ રેટમાં વધારા બાદ હોમ લોનની EMIમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. તેથી, બેંકોના નિયમો જાણો અને તે મુજબ તમારો વ્યવહાર ચાલુ રાખો. ચાલો જોઈએ 5 ફેરફારો જે જૂન મહિનામાં અમલમાં આવવા જઈ રહ્યા છે.
રિઝર્વ બેંકે તાજેતરમાં રેપો રેટમાં વધારો કર્યો છે. રેપો રેટમાં વધારો કર્યા બાદ બેંકોએ ધિરાણ દરમાં વધારો કર્યો છે. તેનાથી હોમ લોનની EMI વધી છે. જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી લોન લીધી છે તો જૂન મહિનો ખાસ રહેવાનો છે કારણ કે વ્યાજ દરો વધશે.
SBIનાં વ્યાજમાં વધારો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ હોમ લોન માટે એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR) 40 બેસિસ પોઈન્ટ વધારીને 7.05 ટકા કર્યો છે. સ્ટેટ બેંકે જણાવ્યું છે કે ધિરાણ દર સંબંધિત વ્યાજ દરોમાં વધારો કરવાનો નિયમ 1 જૂન, 2022થી લાગુ થવા જઈ રહ્યો છે. EBLR પહેલા 6.65 ટકા હતો, પરંતુ 40 બેસિસ પોઈન્ટના વધારા સાથે તે વધીને 7.05 ટકા થઈ ગયો છે. હવે સ્ટેટ બેંક પોતાના ગ્રાહકો પાસેથી હોમ લોન પર આ દર અનુસાર વ્યાજ વસૂલશે.
થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમ
પ્રાઈવેટ કાર માટે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ પહેલા કરતા થોડું મોંઘુ થશે. 2019-20માં આ વીમો 2072 રૂપિયાનો હતો, પરંતુ તેને 2094 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. માર્ગ મંત્રાલયે તેનું ગેઝેટ પણ બહાર પાડ્યું છે. આ 1000 સીસીથી ઓછી કાર માટે છે. 1000 થી 1500 સીસી કાર માટે થર્ડ પાર્ટી વીમો 3221 રૂપિયાથી વધારીને 3416 રૂપિયા કરવામાં આવ્યો છે. 1500 સીસીથી વધુ ક્ષમતા ધરાવતા વાહનો માટે થર્ડ પાર્ટી વીમો 7890 રૂપિયાથી વધારીને 7897 રૂપિયા કરવામાં આવ્યો છે. 150 થી 350 સીસીના ટુ-વ્હીલરનું વીમા પ્રીમિયમ રૂ. 1366 હશે જ્યારે 350 સીસીથી વધુની ક્ષમતાવાળા ટુ-વ્હીલરનું પ્રીમિયમ રૂ. 2804 હશે.
ગોલ્ડ હોલમાર્કિંગ
ગોલ્ડ હોલમાર્કિંગનો બીજો રાઉન્ડ 1લી જૂન 2022થી શરૂ થઈ રહ્યો છે. દેશના 256 જિલ્લાઓ અને તેની સાથે સંકળાયેલા નવા 32 જિલ્લાઓમાં 1 જૂનથી સોનાના આભૂષણો અને કલાકૃતિઓનું હોલમાર્કિંગ ફરજિયાત બનશે. આ જિલ્લાઓમાં એસેઇંગ અને હોલમાર્કિંગ કેન્દ્રો પહેલાથી જ અસ્તિત્વમાં છે, તેથી હોલમાર્કિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ 288 જિલ્લામાં માત્ર 14, 18, 20, 22, 23 અને 24 કેરેટના સોનાના દાગીના જ વેચાશે. આ તમામ જ્વેલરી હોલમાર્કેડ હોવી જોઈએ.
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ચાર્જીસ
આધાર-સક્ષમ પેમેન્ટ સિસ્ટમ્સ (AePS) જેમ કે POS મશીનો અને માઇક્રો ATM દ્વારા મફત મર્યાદાથી વધુ પોસ્ટ ઓફિસ વ્યવહારો પર સર્વિસ ચાર્જ વસૂલવામાં આવશે. સર્વિસ ચાર્જ વસૂલવાનો નિયમ 15 જૂનથી લાગુ થશે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એ ભારતીય પોસ્ટની પેટાકંપની છે જે પોસ્ટ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. AEPS થી એક મહિનામાં ત્રણ ટ્રાન્ઝેક્શન ફ્રી થશે, પરંતુ તે પછી ટ્રાન્ઝેક્શન પર સર્વિસ ચાર્જ લાગશે. રોકડ ઉપાડ અથવા મર્યાદા કરતાં વધુ રકમ જમા કરાવવા પર 20 રૂપિયા વત્તા GST અને મિની સ્ટેટમેન્ટ માટે રૂપિયા 5 વત્તા GST લાગશે.
એક્સિસ બેંક સેવિંગ્સ એકાઉન્ટ ચાર્જીસ
અર્ધ-શહેરી/ગ્રામીણ વિસ્તારોમાં સરળ બચત અને પગાર કાર્યક્રમ માટે સરેરાશ માસિક બેલેન્સ રૂ. 15,000 થી વધારીને રૂ. 25,000 અથવા રૂ. 1 લાખની ટર્મ ડિપોઝીટ કરવામાં આવી છે. લિબર્ટી સેવિંગ્સ એકાઉન્ટ માટે જમા રકમ 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા અથવા 25,000 રૂપિયા ખર્ચ કરવામાં આવી છે. આ ટેરિફ 1 જૂન, 2022થી લાગુ થશે.