Organization of competition : સુરેન્દ્રનગર ખાતે શ્રી અરવિંદ ઘોષની 150મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ સ્પર્ધાનું આયોજન
- તા.15 જાન્યુઆરી સાંજે 06:00 કલાક સુધીમાં જરૂરી આધાર પુરાવાઓ સાથે અરજી મોકલી આપવાની રહેશે
- શ્રી અરવિંદ ઘોષની 150મી જન્મ જયંતીની ઉજવણી
સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી સુરેન્દ્રનગર દ્વારા સંચાલિત શ્રી અરવિંદ ઘોષની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે શ્રી અરવિંદ ઘોષના જીવન કવન પર આધારિત વક્તૃત્વ, નિબંધ તથા ચિત્ર સ્પર્ધાનું બે વિભાગોમાં આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં 15 થી 19 વર્ષ “અ” વિભાગ તથા 19 વર્ષથી ઉપરના અને 35 વર્ષ સુધીના “બ” વિભાગમાં આવશે. નિબંધ તથા વકતૃત્વ સ્પર્ધાનો વિષય “શ્રી અરવિંદ ઘોષનું જીવન કવન” રહેશે. સ્પર્ધાની તારીખ તથા સ્થળ હવે પછી જાહેર કરવામાં આવશે. જિલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે. રાજ્યકક્ષાએ પ્રથમ 10 સ્પર્ધકોને વિનામૂલ્યે પોંડીચેરી ખાતેના અરવિંદ આશ્રમની મુલાકાતે સરકારશ્રીના ખર્ચે લઈ જવામાં આવશે.
આ સ્પર્ધામાં અરજી કરવા માટે અરજી ફોર્મ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરીથી મળશે અથવા સ્પર્ધકે સાદા કાગળમાં નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, સ્પર્ધાનું નામ, સ્પર્ધાનો વિભાગ, સ્કૂલ/ કોલેજનું નામ અને સરનામું વગેરે વિગતો લખી સ્પર્ધકનું આધારકાર્ડ સાથે જોડી તા.15/01/2023 સાંજે 06:00 કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી બ્લોક નંબર એ-5, બહુમાળી ભવન ખેરાળી રોડ રતનપર, સુરેન્દ્રનગર ખાતે મોકલી આપવાની રહેશે. સાંજના 06:00 કલાક પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગતવાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહીં તેમ વધુમાં જણાવાયું છે.
ધ્રાંગધ્રા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક કમ કૂકની નિમણૂક કરાશે