Surendranagar – સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 11,222 પરિવારોનું ઘરનાં ઘરનું સ્વપ્ન સાકાર થયું

Photo of author

By rohitbhai parmar

Surendranagar – સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 11,222 પરિવારોનું ઘરનાં ઘરનું સ્વપ્ન સાકાર થયું

Google News Follow Us Link

Pradhan Mantri Awas Yojana In Surendranagar District

પૃથ્વીનો છેડો ઘર અમસ્તુ નથી કહેવાયું. દરેક માણસ દિવસભર સંઘર્ષ કરીને ઘરમાં પ્રવેશે ત્યારે તેને ખરી નિરાંત મળે છે. પરંતુ જો તેને પોતાનું કહી શકાય તેવું ઘર જ ન હોય તો? કે પછી ટાઢ-તાપ-વરસાદ સામે રક્ષણ આપી શકે તેવું પાકુ મકાન ન હોય તો ? દરેક માણસ પોતાનું ઘરનું ઘર હોય તેવું સપનું સેવે છે. છેવાડાના માનવીનું આ સ્વપ્ન પૂર્ણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજનાના માધ્યમથી અનેક લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સરકારે પરિપૂર્ણ કર્યું છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના શેખપર ગામના ગોમતબેન ધામેલનું પણ ઘરના ઘરનું સ્વપ્ન પરિપૂર્ણ થયું છે. પાકુ મકાન બનાવવા માટે રૂપિયા 1,20,000ની સહાય મળવાનો આનંદ વ્યક્ત કરતા ગોમતબેન જણાવે છે કે, અમે ઘણા વર્ષો અમારા વડવાઓએ બનાવેલા કાચા મકાનમાં રહ્યા. આ મકાન અમારા વડવાઓએ ગારા માટીના બનાવ્યા હતા. જેમાં શિયાળા, ચોમાસા દરમિયાન અમને ખૂબ જ તકલીફો પડતી હતી. ક્યારેક આ અમારા કાચા ઘરમાં વરસાદના પાણી ઘુસી જતા હતા અને અમારે આખી રાતના ઉજાગરા પણ કરવા પડતા હતા. ભારે વરસાદની સ્થિતિમાં ઘરની દિવાલ પડી ગઈ હોય તેવું પણ બનેલુ. ઘર પડી જવાની ચિંતા અમને સતાવતી. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયથી અમને કાચા મકાનનાં કારણે થતી સમસ્યાઓથી છૂટકારો મળ્યો છે.

Pradhan Mantri Awas Yojana In Surendranagar District

ગોમતબેન કહે છે કે, અમારી પાસે ઝાઝી કાંઈ બચત નહોતી. આટલી નાની આવકમાં પાકું ઘર કઈ રીતે બનાવવું એની મૂંઝવણ રહેતી. પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદીમાં અમારું નામ આવવાથી અમારા ઘરના ઘરનું સ્વપ્ન છેવટે હવે સાકાર થશે તેવો હાશકારો થયો હતો. અમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ હપ્તામાં રૂ. 1,20,000ની સહાય આપવામાં આવી છે. બે રૂમ, રસોડા સાથેનું પાકુ મકાન બનાવવા માટે અમને અંદાજે રૂ.5 લાખનો ખર્ચ થયો છે. જો આ સહાય ન મળી હોત તો હજી સુધી અમે પાકા આવાસનાં લાભથી વંચિત રહ્યા હોત. સરકાર દ્વારા અમને મકાન બનાવવા જે સહાય આપવામાં આવી તે બદલ અમે સરકારનો આભાર માનીએ છીએ. ગોમતબેને જણાવ્યું કે અમારા ગામમાં અન્ય પરિવારોને પણ આ યોજનામાં લાભ મળ્યો છે અને આ ઘણી સારી યોજના છે.

નોંધનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત વર્ષ 2026-17થી વર્ષ 2022-23 સુધી 13,389 આવાસો મંજૂર કરવામાં આવ્યા હતા. જે પૈકી ચોટીલા તાલુકામાં 898, ચુડા તાલુકામાં 1266, દસાડા તાલુકામાં 2270, ધ્રાંગધ્રા તાલુકામાં 326, લખતર તાલુકામાં 1117, લીંબડી તાલુકામાં 2620, મુળી તાલુકામાં 840, સાયલા તાલુકામાં 1368, થાનગઢ તાલુકામાં 104 અને વઢવાણ તાલુકામાં 413 મળી જિલ્લામાં કુલ 11,222 આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે.

Pradhan Mantri Awas Yojana In Surendranagar District

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસોના લોકાર્પણ કાર્યક્રમો યોજાશે: જિલ્લામાં કુલ 1,777 આવાસોનું લોકાર્પણ કરાશે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પાટડી, વઢવાણ, ચોટીલા અને સાયલા ખાતે કાર્યક્રમો યોજાશે.

આવતીકાલ તા.10 ફેબ્રુઆરીના રોજ રાજ્યના 33 જિલ્લાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય સંકલિત આવાસ યોજનાઓના આવાસોના ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાનાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના ડીસા ખાતે યોજાનાર છે. જેમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી આપી ગૃહ પ્રવેશ કરાવવામાં આવશે.

સમગ્ર રાજ્યની સાથે-સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આવતીકાલ 10મી ફેબ્રુઆરીના રોજ ચોટીલા, ધ્રાંગધ્રા, દસાડા, લીંબડી અને વઢવાણ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના વિવિધ આવાસોના લોકાર્પણ કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત ચોટીલા વિધાનસભાનો કાર્યક્રમ એ.પી.એમ.સી. ચોટીલા, ધ્રાંગધ્રા વિધાનસભાનો કાર્યક્રમ એ.પી.એમ.સી. હળવદ, દસાડા વિધાનસભાનો કાર્યક્રમ સુરજમલજી હાઇસ્કુલ પાટડી, લીંબડી વિધાનસભાનો કાર્યક્રમ એ.પી.એમ.સી. સાયલા અને વઢવાણ વિધાનસભાનો કાર્યક્રમ મંગલભુવન વઢવાણ ખાતે યોજાશે. વઢવાણ વિધાનસભાના કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ચોટીલા ખાતેના કાર્યક્રમમાં ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, ધ્રાંગધ્રા વિધાનસભા કાર્યક્રમ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, દસાડા વિધાનસભા કાર્યક્રમમાં ધારાસભ્ય પી.કે.પરમાર અને લીંબડી વિધાનસભા કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિતિ રહેશે. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 1,777 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.

Handloom Chowk – સુરેન્દ્રનગરના હેન્ડલૂમ ચોકના મુખ્ય રસ્તા પર વારંવાર પાણી લીકેજ

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link