Pranapratishhtha Mahotsav – ધ્રાંગધ્રા ખાતે દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિરનાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી થયા સહભાગી
- મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે મંદિરનો ધ્વજારોહણ કરી જનસુખાકારીની પ્રાર્થના કરી
- મુખ્યમંત્રીશ્રીએ ત્રિમંદિરમાં શીશ ઝુકાવી દર્શન કરી ધન્યતા અનુભવી
ધ્રાંગધ્રા ખાતે યોજાયેલ દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે સહભાગી થયા હતાં. પ્રાણ પ્રતિષ્ઠા બાદ મુખ્યમંત્રીશ્રીએ પૂજ્યશ્રી દિપકભાઈ સાથે ત્રિમંદિરમાં ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીશ્રીએ મંદિરમાં શ્રી સીમંધર સ્વામી, શ્રી કૃષ્ણ ભગવાન તેમજ ભગવાન શિવના ચરણોમાં શીશ ઝુકાવી ગુજરાતમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી હતી. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈને હાર પહેરાવી આશીર્વાદ મેળવ્યા હતા. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ત્રિમંદિર ખાતે ભજનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. તેમજ દાદા ભગવાનના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તા.24થી શરૂ થયો હતો. 8000 ચોરસ ફૂટમાં નિર્માણ પામેલા આ ત્રિમંદિરની વિશેષતા એ છે કે તેમાં વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી, શ્રી કૃષ્ણ ભગવાન તેમજ ભગવાન શિવ એમ વૈષ્ણવ, જૈન તથા શૈવ ત્રણેય સંપ્રદાયનાં ભગવાનનું એક જ મંદિરમાં સ્થાપન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શ્રી ચામુંડા માતાજી, અંબા માતા, પદ્માવતી માતા, ચકેશ્વરી માતા, ભદ્રકાળી માતાજી તેમજ શ્રીનાથજી, બાલાજી, શ્રી સાંઈબાબા, હનુમાનજી અને ગણપતીજી પણ આ મંદિરમાં બિરાજમાન છે. તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામીની 6 ફૂટ ઉંચી ભવ્ય પ્રતિમા સાથે સિદ્ધ ભગવંતોમાં આદિનાથ ભગવાન, અજિતનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, મહાવીર ભગવાન, શ્રી પદ્મનાભ પ્રભુના પણ અહીંયા દર્શન થઈ શકે છે.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખસુશ્રી બબુબેન પાંચાણી, ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, દસાડા ધારાસભ્યશ્રી પી.કે.પરમાર, પૂર્વ મંત્રીશ્રી આઇ.કે.જાડેજા, પૂર્વ ધારાભ્યશ્રી પરસોતમભાઈ સાબરીયા, અગ્રણી સર્વેશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, જયેશભાઇ પટેલ, ધીરુભાઈ સિંધવ, જિલ્લા કલેકટરશ્રી પી.એન.મકવાણા, નિવાસી અધિક કલેકટરસુશ્રી દર્શના ભગલાણી સહિત પદાધિકારીશ્રીઓ/ અધિકારીશ્રીઓ તેમજ ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં.
મધ ઉછેરથી લાખની કમાણી – સુરેન્દ્રનગરનાં પ્રગતિશીલ ખેડૂત મધની ખેતી દ્વારા વાર્ષિક રૂ.15 લાખની કમાણી