સુરેન્દ્રનગર શહેરના રસ્તા પર દબાણ, ટ્રાફિક મુદ્દે પોલીસ પાલિકા એકબીજાને ખો આપવાનું બંધ કરે વેપારી
- એસ.પી. કચેરી, પાલિકામાં વેપારીઓએ સમસ્યાનો નિકાલ લાવવા રજૂઆત કરી
સુરેન્દ્રનગરમાં મુખ્ય રસ્તા પર લારીના દબાણ અને ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન છે. જેની વૈકલ્પિક જગ્યા નક્કી કરી ફેરવવાની વાત વચ્ચે કામ ન થતા વેપારી રોષે ભરાયા હતા. પાલિકા અને એસપી કચેરીએ ધસી જઇ એક બીજાને ખો આપવાને બદલે સમસ્યાનું નિરાકરણની માંગ કરી હતી. જો તેમ નહીં થાય તો આગામી મંગળવારે બંધનુ એલાન રેલી અને કાળા વાવટાથી વિરોધની ચીમકી આપી હતી.
સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલા રસ્તાઓ પર લારી ગલ્લાવાળાના દબાણ અને તેનાથી થતા ટ્રાફિકની સમસ્યાથી લોકો એન વેપારીઓ પરેશાન છે. જેને લઇ કલેક્ટરે બેઠક યોજી વૈકલ્પિક સ્થળો પસંદ કરી ત્યાં ફેરવવાનું નક્કી થયા બાદ કાર્યવાહી ન થતા વેપારી રોષે ભરાયા હતા.
આથી પાલિકા અને પોલીસને રજૂઆત કરી જણાવ્યું હતું કે 04 ડિસેમ્બરે કલેક્ટરે બેઠક કરી વૈકલ્પિક જગ્યા નકકી કરી છે છતા હજુ સુધી કોઇ કાર્યવાહી થતી નથી. પાલિકા અને પોલીસ એક બીજાને ખો આપવાનું બંધ કરે અને લોકોનો પ્રશ્ન છે તેનું ઝડપી નિરાકરણ લાવે છે. જ્યારે પોલીસે કીધું કે થોડા સમયમાં દબાણ હટાવવા કાર્યવાહી હાથ ધરાશે આથી પાલિકામાં તેમને માણસો પુરા પાડવા રજૂઆત કરી હતી.
આ અંગે વેપારી આગેવાનોએ જણાવ્યું કે આ રસ્તો 2021માં જ્યારે ટુવે કરાયો ત્યારે જ દબાણ હટાવી દેવા જોઇતા હતા હજુ સમસ્યા હલ નથી થતી તો વેપારીઓએ આંદોલન કરવુ પડશે. જો સમસ્યા હલ નહીં થાય તો આગામી મંગળવારથી બંધનું એલાન કરી રોજગાર બંધ રાખી અને રેલી યોજીશુ અને દરેક વેપારી કાળા વાવટા દુકાને લગાવી વિરોધ કરશે.