20 વર્ષથી સમસ્યા: વઢવાણ વાડીવાળામાં હનુમાન મંદિરની બાજુના વિસ્તારમાં રસ્તા અને ગટરની સુવિધા જ નથી
- ગટર, વરસાદી પાણી ભરાતાં હોવાથી લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ
સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકાના વોર્ડ નં.13ના વાડીવાળા હનુમાન મંદિર બાજુના વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી પ્રાથમિક સુવિધા ન મળતા રહીશોમાં રોષ ફેલાયો હતો. રસ્તા પર વર્ષો જૂના પાથરેલા પથ્થરો પર ચાલવું પડે છે તેમજ ગટરની કોઇ વ્યવસ્થા ન હોવાથી ગંદા તેમજ વરસાદી પાણીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વઢવાણ શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓ લોકો ઝંખી રહ્યા છે. ત્યારે વોર્ડ નં.13માં આવતા વાડીવાળા હનુમાન મંદિરની બાજુમાં છેલ્લા 20 વર્ષથી રસ્તાની કે ગટરની સુવિધા ન મળતા રહીશોમાં રોષની લાગણી ફેલાઇ હતી. આ અંગે વિસ્તારના દિનેશભાઈ ડુંગરભાઈ યાદવ, કુબેરભાઈ કાનજીભાઈ, હમીરભાઈ કાનજીભાઈ વગેરે જણાવ્યું કે, મોટા ભાગના વિસ્તારમાં આરસીસી રસ્તા તેમજ ભૂર્ગભ ગટરો કરાઇ છે.
છતાં આ વિસ્તારમાં અન્ડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના ભૂંગળા નાખવામાં આવ્યા નથી. વર્ષો જૂના પથ્થરો રસ્તા પર નાખ્યા છે તે પણ જમીનમાં ઉતરી ગયા છે. આથી આ અંગે જવાબદાર તંત્ર દ્વારા આ વિસ્તારમાં આરસીસી રસ્તો તેમજ અન્ડર ગ્રાઉન્ડ ગટરની વ્યવસ્થા કરે તેવી અમારી લાગણી અને માગણી છે.