Ranpur – પિતાએ પુત્રને સાથે રાખી ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત
- પિતાપુત્ર ભાવનગરથી ઘર ખાલી કરી વતન ધારપીપળા જવા બાઇક લઇને નીકળ્યા, રસ્તામાં ટ્રેન નીચે ઝંપલાવ્યું
- રેલવે પોલીસે સ્યૂસાઇડ નોટ કબજે કરી – પરિવારજનો સાથે વાત કરી કાર્યવાહી કરશે
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામના રહીશ અને હાલમાં ભાવનગર રહેતા પિતાએ પુત્રને સાથે રાખી કુંડલી ગામના રેલવે ફાટક પાસેથી પસાર થતી ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરતાં બંનેના મોત થયા હતા.
રાણપુરના રેલવે ધારપીપળા ગામે રહેતા પ્રભુભાઈ સકાળિયાને ચાર પુત્રો છે. તેમાંથી બે પુત્રો રાજકોટ રહે છે. એક પુત્ર ઓરિસ્સા રહે છે અને ત્રીજા નંબરનો પુત્ર હરસુખભાઇ (ઉ. વર્ષ 35) અને તેનો પુત્ર કુલદીપ (ઉ. વર્ષ 6) બંને પિતા-પુત્ર છેલ્લા બે વર્ષથી ભાવનગર રહે છે. હરસુખભાઇના લગ્ન સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામે 15 વર્ષ પહેલા થયા હતા અને ઘણા વર્ષો પછી તેમને પુત્રનો જન્મ થયો હતો ત્યારબાદ છેલ્લા 2 વર્ષથી તેમના પત્ની રિસામણે હોવાથી આ પિતા-પુત્ર ભાવનગર રહેતા હતા.
Surendranagar – સુરેન્દ્રનગર ડિવાઇડરની ગ્રીલ સાથે વાહન અથડાવાના બનાવોમાં વધારો થયો
પત્ની રિસામણે હોવાથી આ પિતા-પુત્ર પોતાના ઘરવખરીનો સામાન તા.27 માર્ચે આઈસરમાં ભરી પોતાના ગામ ધારપીપળા ગામે રહેવા પાછા આવતા રહેવાના હતા. તેઓ આઈસરમાં સામાન ભરી બપોરે ભાવનગરથી બાઈક લઈ નીકળી ગયા અને રાત્રિના સમયે બોટાદ પાસેના કુંડલી ગામે ફાટક પાસે આવી ત્યાંથી પસાર થતી ભાવનગરથી બાંદ્રા જતી ટ્રેન નીચે આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ રેલવે અને પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી તપાસ કરતાં રેલવે પોલીસને સુસાઈડ નોટ મળી આવી હતી.
જેના આધારે આ પિતા પુત્રની ઓળખ થઈ હતી ત્યારે આ આપઘાતનું કારણ શું હોઈ શકે છે તે તેમના પરિવારના સભ્યો ઓરિસ્સાથી આવે પછી આ સુસાઈડ નોટના આધારે રાણપુર પોલીસમાં ગુનો નોંધાશે ત્યારે હકીકત ઉજાગર થશે. રેલવે પોલીસ પાસે રહેલી સુસાઈડ નોટ મૃતકના પરિવારના સભ્યો તા.29 માર્ચના રોજ રાણપુર પોલીસ સ્ટેશને આવશે ત્યારે તેમને બતાવી આગળની કાર્યવાહી કરાશે તેમ રાણપુર પી.એસ.આઈ.એચ.એ. વસાવાએ જણાવ્યુ હતું.
ડ્રાઇવરે ઈમરજન્સી બ્રેક મારી બંને કચડાયા
હરસુખભાઇ અને તેમનો પુત્ર કુલદીપ રેલવે પાટા પર હતા. ટ્રેનના ડ્રાઇવરે આ દ્રશ્ય જોયું અને તેમને દૂર ખસેડવા માટે હોર્ન માર્યા પરંતુ તેઓ ખસ્યા નહીં. ડ્રાઇવરે ઈમરજન્સી બ્રેક મારી પરંતુ ટ્રેન ઊભી રહે ત્યાં સુધીમાં તો બંને કચડાઇ ગયા હતા. નજીક જઇને જોયું તો પિતા અને પુત્ર બંને કચડાયેલા જણાયા હતા. આ અંગે રેલવે પોલીસને જાણ કરી કાર્યવાહી કરાઇ હતી.