Morbi Disaster – સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી હોનારતનાં દિવંગતોને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ
સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી હોનારતનાં દિવંગતોને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ
- કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, પોલિસ અધિક્ષકની કચેરી સહિતની કચેરીઓમાં બે મિનિટનું મૌન પાળી પ્રાર્થના કરાઈ
- સમગ્ર જિલ્લામાં પ્રાર્થના સભા-ભજન-કિર્તનનું આયોજન
મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં અવસાન પામેલ નાગરિકો પ્રત્યે સંવેદના વ્યકત કરવા આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટરશ્રીએ દિવંગત નાગરિકો માટે સંવેદના વ્યક્ત કરતા હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મૃતકોની આત્માને શાંતિ મળે તેમજ તેમજ તેમનાં પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ મળે તે માટે ઉપસ્થિત સૌએ પ્રાર્થના કરી હતી.
પ્રાર્થનાસભાનાં પ્રારંભે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. વધુમાં આ તકે કલેક્ટરશ્રીએ જિલ્લામાં આવેલ યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ ભીડ નિયંત્રણનું આયોજન કરવા અને આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવા પણ અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. આજે રાજકીય શોકનાં ભાગરૂપે સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય ધ્વજ પણ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો.
દુખની આ ઘડીમાં મૃતકોનાં પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરવા સમગ્ર જિલ્લાનાં તમામ ગામડાઓ અને નગરપાલિકાઓ આજ રોજ વિવિધ સ્થળોએ પ્રાથર્નાસભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, પોલિસ અધિક્ષકશ્રીની કચેરી, તમામ પ્રાંત-મામલતદાર કચેરીઓ, શિક્ષણાધિકારીશ્રીની કચેરી, જિલ્લા માહિતી કચેરી સહિતની તમામ કચેરીઓ, પંચાયતો, પાલિકાઓમાં પ્રાર્થનાસભા યોજાઈ હતી.
મોરબી દુર્ઘટનાના દિવંગતોની આત્માને શાંતિ મળે તે માટે સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે જિલ્લા પોલીસ વડાશ્રી હરેશ દુધાતની અધ્યક્ષતામાં એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પોલીસ વડાશ્રીએ દિવંગત આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી બે મિનિટ મૌન પાળી તેમની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રાર્થના સભામાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.પી. દોશી સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયા હતાં.
પ્રાર્થના સભાનું આયોજન
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.એન.મકવાણાની અધ્યક્ષતામાં મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા આત્માઓની શાંતિ માટે એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રાર્થનાસભામાં રામધૂન અને ભજનોની પ્રસ્તુતિ સાથે દિવંગતઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ દિવંગત આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી બે મિનિટ મૌન પાળી તેમની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
સુરેન્દ્રનગર: ડિસેમ્બર માસમાં રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે