Surendranagar – સુરેન્દ્રનગર જિલ્લાનાં શિડ્યુલ H, H1 અને X ડ્રગ્સનાં વેચાણ-વિતરણ પર નિયંત્રણો જાહેર કરાયા
બાળકોમાં ડ્રગ્સ, માદક દ્રવ્યો તથા અન્ય પદાર્થોના ગેરકાયદેસર ઉપયોગ અટકાવવાનાં હેતુથી સુરેન્દ્રનગર જિલ્લામાં નિવાસી અધિક કલેકટરશ્રી દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા/શહેરમાં આવેલ તમામ મેડિકલ સ્ટોર/ ફાર્મસી સ્ટોર પર શિડ્યુલ H, H1 અને X ડ્રગ્સનું વેચાણ-વિતરણ કરતા સ્થળોએ અંદરના ભાગે તેમજ બહારના ભાગે રોડ પર આવતા જતા વ્યક્તિઓ સ્પષ્ટ રીતે દેખાય તેવા હાઈ ડેફીનેશન, નાઈટ વિઝનવાળા અને ઉચ્ચ ગુણવત્તાવાળા સી.સી.ટી.વી. કેમેરા ફરજિયાત રીતે લગાવવાના રહેશે.
આ ઉપરાંત, તેમાં બે અઠવાડિયાનું રેકોર્ડિંગ સ્ટોરેજ રહે તે મુજબની વ્યવસ્થા કરવા તેમજ દરેક સ્ટોર પર શિડ્યુલ H, H1 અને X હેઠળ આવતા ડ્રગ્સનું વેચાણ ડોકટરનાં પ્રિસ્ક્રીપ્શન પર કરવા અને તે અંગેનું ડિજિટલ રજીસ્ટર નિભાવવા આદેશ કરવામાં આવ્યો છે. આ જાહેરનામાના ભંગ બદલ ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.