Taarak Mehta Ka Ooltah Chashmahના મેકર્સની ચાલાકી દર્શકોએ પકડી પાડી, આપ્યું બે મહિનાનું અલ્ટિમેટમ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં (Taarak Mehta Ka Ooltah Chashmah) આ વખતે પણ દયાબેન (Dayaben) ન આવતાં દર્શકો રોષેે ભરાયા છે. તેમણે પ્રોડ્યૂસર આસિત મોદી (Asit Modi) પર દર્શકોની લાગણીઓ સાથે રમત રમવાનો આરોપ લગાવ્યો છે. આ સિવાય જેઠાલાલની જેમ તેમણે બે મહિનામાં દયાબેનને પરત લાવવાનું અલ્ટિમેટમ પણ આપ્યું છે.
- ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘દયા’ને મુંબઈ મોકલવા માટે ‘જેઠાલાલે’ આપ્યો બે મહિનાનો સમય
- TMKOCના મેકર્સ દર્શકોની લાગણીઓ સાથે રમી રહ્યા હોવાનો લાગ્યો આરોપ
- પત્ર વાંચતી વખતે દયાબેનનો અવાજ દિશા વાકાણી કરતાં અલગ હોવાનું દર્શકોએ પકડી પાડ્યું
લેટેસ્ટ ટ્રેકમાં દયાબેનના (Dayaben) કમબેકની આશા રાખીને બેઠેલા ચાહકોને નિરાશા મળતાં તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના (Taarak Mehta Ka Ooltah Chashmah) પ્રોડ્યૂસર આસિત મોદી (Asit Modi) પર ક્રોધે ભરાયા હતા. શોના લેટેસ્ટ એપિસોડમાં સુંદર દયાબેન નહીં પરંતુ મિત્રો સાથે ગોકુલધામ સોસાયટી આવ્યો હતો. આ વાતે જેઠાલાલને ઉદાસ કર્યા હતા. ત્યારબાદ બુધવારના એપિસોડમાં સુંદરે જેઠાલાલને ખાતરી આપી હતી કે તે અમદાવાદ જશે અને દયાબેનને ત્રણ મહિનામાં મુંબઈ મોકલવા માટે સમજાવશે. જેઠાલાલે બે મહિનાનો સમય આવ્યો હતો અને કહ્યું હતું કે જો આ દરમિયાન દયા પરત નહીં આવે તો તેઓ અન્નજળનો ત્યાગ કરશે.
ચેનલના ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરવામાં આવેલા વીડિયો પર કોમેન્ટ કરીને TMKOCના દર્શકોએ રોષ વ્યક્ત કર્યો હતો. ‘આ જ ડેડલાઈન હકીકતમાં ફેન્સ દ્વારા પણ તમને (મેકર્સ) આપવામાં આવે છે’. કેટલાક યૂઝર્સે મેકર્સ તેમની લાગણીઓ સાથે રમત કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. એકે કોમેન્ટ કરી હતી કે ‘ઓડિશન થશે અને બે મહિનામાં દયા આવશે પરંતુ તેઓ TMKOCના ફેન્સની લાગણીઓ સાથે રમી રહ્યા છે’.
એકે લખ્યું હતું ‘તો આપણને બધાને ફરીથી આ લોકોએ પાગલ બનાવ્યા. આખરે દયા આવી રહી નથી’. કેટલાક યૂઝર્સે મેકર્સે કેવી રીતે દયાના પત્રના નામે તેમને મૂર્ખ બનાવ્યા તે શોધી કાઢ્યું હતું. પત્ર વાંચતી વખતે દયાબેનનો અવાજ દિશા વાકાણી કરતાં અલગ હોવાનું તેમણે ધ્યાન દોર્યું હતું.
જણાવી દઈએ કે, જેઠાલાલની દુકાન ગડા ઈલેક્ટ્રોનિક્સનું રિનોવેશન ખતમ થતાં તેનું ઉદ્ઘાટન થવાનું હોવાથી તેમણે સુંદરને દયા સાથે આવવાનું આમંત્રણ આપ્યું હતું. જો કે, ‘અશુભ મુહૂર્ત’ હોવાના કારણે સુંદર દયા સાથે આવ્યો નહોતો. દયાએ જેઠાલાલને મોકલેલા પત્રમાં પણ તેનું કારણ જણાવ્યું હતું.
દિશા વાકાણી પાંચ વર્ષથી શોમાંથી ગાયબ છે. મેટરનિટી લીવ પર ગયા બાદ તે પરત ફરી નથી. બીજીબાજુ, થોડા દિવસ પહેલા જ તે ફરીથી મા બની છે ત્યારે તે આવશે તેવા ઓછા એંધાણ છે. હાલમાં બોમ્બે ટાઈમ્સ સાથે વાતચીત કરતાં આસિત મોદીએ તે વાતની પુષ્ટિ કરી હતી કે, દયાબેનનું પાત્ર પરત આવશે પરંતુ તે દિશા વાકાણી નહીં ભજવે. તેમણે તેમ પણ જણાવ્યું હતું કે, તેના રિપ્લેસમેન્ટ માટે ઓડિશન ચાલી રહ્યા છે અને તેઓ ખૂબ જલ્દી એક એક્ટ્રેસને ફાઈનલ કરશે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 14 વર્ષથી દર્શકોને મનોરંજન પૂરું પાડી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં નેહા મહેતા, ગુરુચરણ સિંહ, શૈલેષ લોઢા અને રાજ અનડકટ શોને અલવિદા કહી ચૂક્યા છેે.