Viswasthi Vikas Yatra – કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો
કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત રૂ.35.53 કરોડના 210 કામોના ઈ-લોકાર્પણ અને રૂ.46.57 કરોડના 312 કામોના ઈ-ખાતમુર્હુત કરવામાં આવ્યા
આજે સમગ્ર રાજ્યમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિભાગોના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. વિશ્વાસથી વિકાસયાત્રાનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજાયો હતો.
આ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને પંડિત દિન દયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સંબોધન કરતા વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે જનસુખાકારીના મંત્રને વરેલી આ ડબલ એન્જિન સરકારે વિવિધ લોકાર્પણ અને ખાતમુર્હુત કરીને દિવાળી પહેલા લોકોને મોટી ભેટ આપી જનસુખાકારીમાં વધારો કર્યો છે.
છેલ્લા 20 વર્ષમાં સરકારે કરેલા વિકાસની આ ઉજવણીના ભાગરૂપે આજે જિલ્લામાં રૂ.35.53 કરોડના 210 કામોના ઈ-લોકાર્પણ અને રૂ.46.57 કરોડના 312 કામોના ઈ-ખાતમુર્હુત કરવામાં આવ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વર્ષ 2022-23માં ગત વર્ષ કરતાં 17 હજાર કરોડ રૂપિયાના વધારા સાથે 2 લાખ 44 હજાર કરોડ રૂપિયાનું ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ આપવામાં આવ્યું છે.
વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે 25 વર્ષ પહેલા પીવાના પાણી માટે ટેન્કરો મંગાવામાં આવતા હતા, જ્યારે અત્યારે સરકાર દ્વારા ટેન્કરરાજ સમાપ્ત કરીને રાજ્યના 98% ઘરોમાં નળ થી જલ દ્વારા શુદ્ધ પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. હજારો કિલોમીટર લાંબુ કેનાલ માળખું બનાવીને સરકારશ્રીએ ઘરે-ઘરે નર્મદાના નીર પહોંચાડ્યા છે. કોરોના સમય દરમિયાન સરકારે લીધેલા પગલાઓની વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું દુનિયામાં ઉદાહરણ રૂપ બને તેમ રસીકરણની ઝુંબેશ ચલાવી દેશનાં પ્રત્યેક નાગરિકને કોરોના સામે સુરક્ષિત કરવામાં આવ્યા.
50 લાખથી વધુ પરિવારોને પી.એમ.જે.એ.વાય-મા કાર્ડ
દેશનો એક પણ નાગરિક ભૂખ્યો ન સુવે તેની તકેદારી સરકારે રાખી છે. સરકારે હાથ ધરેલા લોક કલ્યાણનાં કામો વિશે વિગતવાર જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે દસ લાખ કરતા વધારે પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાકા મકાનો આપવામાં આવ્યા છે.
તાજેતરમાં જ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યના 50 લાખથી વધુ પરિવારોને પી.એમ.જે.એ.વાય-મા કાર્ડ આપીને આરોગ્ય કવચ પૂરું પાડ્યું છે. વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલે આ અવસરે જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્ય સરકારશ્રી તરફથી વિકાસના અનેક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે.
તાજેતરમાં જિલ્લાને નવી આયુર્વેદ કોલેજની ભેટ મળી છે. સરકારશ્રી તરફથી જિલ્લાને નવી કેન્દ્રીય વિદ્યાલય અને એરપોર્ટ પણ આપવામાં આવશે. જેથી લોકોની સુખાકારીમાં વધારો થશે.
કાર્યક્રમ અગાઉ આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી ભરત પટેલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અઘ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. ત્યારબાદ સરકારશ્રીની સિદ્ધિઓ વર્ણવતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રી કે.સી.સંપટ દ્વારા સ્વાગત પ્રવચન અને જિલ્લા આયોજન અધિકારીશ્રી એન.જી.પટેલ દ્વારા કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી હતી.
લખતરના ભાસ્કરપરા નજીક મેઇન કેનાલ લીકેજ
ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુર્હુત
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના વિવિધ વિભાગોના રૂ.1253 કરોડના 4157 કામોના ઈ-લોકાર્પણ અને રૂ.2085 કરોડના 12,202 કામોના ઈ-ખાતમુર્હુત કરવામાં આવ્યા હતા. આ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રૂ.35.53 કરોડના 210 કામોના ઈ-લોકાર્પણ અને રૂ.46.57 કરોડના 312 કામોના ઈ-ખાતમુર્હુત કરવામાં આવ્યા હતા.
આ વિકાસ યાત્રા કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખશ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય, નગરપાલિકા કારોબારી ચેરમેનશ્રી મનહરસિંહ રાણા, પૂર્વ સાંસદશ્રી શંકરભાઈ વેગડ, પૂર્વ ધારાસભ્ય સર્વશ્રી વર્ષાબેન દોશી, શ્રી ધનરાજભાઇ કૈલા, અગ્રણી સર્વશ્રી જગદીશભાઈ મકવાણા, જયેશભાઈ પટેલ, ધીરુભાઈ સિંધવ, નિવાસી અધિક કલેકટરસુશ્રી દર્શના ભગલાણી, વઢવાણ પ્રાંત અધિકારીશ્રી દિપેશ કેડિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી આર.એમ.રાયજાદા સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર ખાતે “વિશ્વાસ થી વિકાસયાત્રા” અંતર્ગત કાર્યક્રમ યોજાશે