વઢવાણ: 100થી વધુ વર્ષ જૂના જોરાવરસિંહજી પુસ્તકાલયનું જર્જરિત મકાન ઉતારી લેવાશે
- પાલિકાએ દુકાનદારોને ખાલી કરવા નોટિસ આપી, રાહદારીઓને ચોમાસામાં સાચવવા તાકીદ કરાઈ
- રેલવે સ્ટેશન પાસેની અને ખાંડીપોળની લાઇબ્રેરીમાં વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ
વઢવાણના મસ્જિદ ચોકમાં આવેલા સંયુક્ત પાલિકા સંચાલિત 100થી વધુ વર્ષ જૂના જોરાવરસિંહજી પુસ્તકાલયનું મકાન જર્જરિત થતાં બંધ કરાયું છે. લાઇબ્રેરી નીચે પાલિકાની દુકાન ભાડે રાખનારા દુકાનદારોને પણ ખાલી કરવા નોટિસ અપાઈ છે. ટૂંક સમયમાં લાઇબ્રેરીનું મકાન ઉતારી લેવાશે.
જોરાવરસિંહજી પુસ્તકાલયનો રોજ સવાર-સાંજ 35થી વધુ વિદ્યાર્થી, સિનિયર સિટીઝન લાભ લેતા હતા પરંતુ આ લાઇબ્રેરી જર્જરિત તેમજ જોખમી હોવાનું પાલિકાના ધ્યાને આવતાં પ્રમુખ વીરેન્દ્ર આચાર્ય, કારોબારી ચૅરમૅન મનહરસિંહ પરમાર, ચીફ ઑફિસર સાગરભાઈ રાડિયા વગેરેનું વઢવાણ ઝોનના ઇનચાર્જ લાઇબ્રેરીયન છત્રપાલસિંહ ઝાલાએ ધ્યાન દોર્યું હતું. લાઇબ્રેરી ગમે ત્યારે નીચે પડી શકે છે. આથી ટૂંક સમયમાં આ લાઇબ્રેરી ઉતારી લેવાશે. લાયબ્રેરી બંધ કરાતાં તંત્રે રેલવે સ્ટેશન પાસે આવેલી લાઇબ્રેરીમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. ઉપરાંત સિનિયર સિટીઝનને ન્યૂઝ પેપર વાંચવા માટે ખાંડીપોળની લાઇબ્રેરીમાં વ્યવસ્થા કરાઈ છે.
8થી 10 હજાર પુસ્તકો પેકિંગ કરતાં 3 દિવસ થયા:-
આ પુસ્કાલયમાં વાઇફાઇની સુવિધા હોવાથી ઓનલાઇન ભણવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો આવતા હતા. આ ઉપરાંત સિનિયર સિટીઝન સહિત રોજ 35થી વધુ લોકો તેનો સવાર-સાંજ લાભ લેતા હતા. કારણ કે, આ પુસ્તકાલયમાં જૂના-નવા સહિત કુલ 8થી 10 હજાર પુસ્તકો હતાં. જર્જિરત પુસ્તકાલય બનતા 4 મહિલા મજૂર અને 2 પટ્ટવાળા સહિત 6 માણસ દ્વારા 3 દિવસ સુધી આ પુસ્તકોનું પૅકિંગ કરાયું હતું.