Yoga competition – ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જાન્યુઆરી માસમાં યોગ સ્પર્ધાનું આયોજન
- યોગ સ્પર્ધા માટેના ફોર્મ તા.05/01/2023 સાંજે 06:00 કલાક સુધીમાં ભરી શકાશે
સુરેન્દ્રનગર જિલ્લા યોગ કો-ઓર્ડીનેટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં જાન્યુઆરી માસમાં યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં 9 વર્ષથી વધું ઉંમરના દરેક ભાઈઓ/ બહેનો ભાગ લઈ શકશે.
આ સ્પર્ધા મુખ્યત્વે ત્રણ તબક્કામાં યોજાશે. જેના પ્રથમ તબક્કામાં જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો એમ મળી કુલ-6 ની પસંદગી કરવામાં આવશે. વિજેતા ભાઈઓ/બહેનોને સર્ટિફિકેટ આપવામાં આવશે અને આગળની સ્પર્ધા માટે કોર્પોરેશનમાં પણ મોકલવામાં આવશે. ત્યારબાદ બીજા તબક્કાની સ્પર્ધા રાજ્યના આઠ કોર્પોરેશન વિભાગમાં યોજાશે.
જેમાં દરેક કોર્પોરેશનમાંથી ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો એમ મળી કુલ-48 ની પસંદગી કરવામાં આવશે. કોર્પોરેશન કક્ષાના વિજેતાને મેડલ, રોકડ પુરસ્કાર, સર્ટિફિકેટ અને મોમેન્ટો એનાયત કરવામાં આવશે. વધુમાં તેમને રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે પણ મોકલવામાં આવશે. ત્રીજા તબક્કામાં રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાશે. જેમાં કોર્પોરેશનમાંથી પસંદગી પામેલ 48 સ્પર્ધકો ભાગ લેશે અને તેમાંથી ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો મળી કુલ-6 લોકોની પસંદગી કરવામાં આવશે.
જેને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સ્પર્ધાના વિજેતા જાહેર કરવામાં આવશે. વિજેતાને મેડલ, રોકડ પુરસ્કાર, મોમેન્ટો અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડીનેટર તેમજ જિલ્લા કો-ઓર્ડીનેટર દ્વારા કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
યોગ સ્પર્ધા માટેનું અરજીફોર્મ- https://forms.gle/9JJFU7e8EzYSbK8PAઆ લીંક પરથી તા.05/01/2023 સાંજના 06:00 કલાક સુધીમાં ભરી શકાશે. વધુ વિગતો માટે 9727022564 પર સંપર્ક કરવાનો રહેશે એમ વધુમાં જણાવ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાની કુલ 05 પાંજરાપોળ, ગૌશાળાના 1194 પશુઓ માટે 32 લાખથી વધુની સહાય ચૂકવાશે