Surendranagar – નવરાત્રિમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોના આગમનથી પરંપરાગત તબલા, ઢોલ, મંજીરા, ડમરૂ સહિતના વાજીંત્રો લુપ્ત થવાના આરે
- વાજીંત્રોની ખરીદીમાં મંદીના લીધે ઝાલાવાડના 50થી વધુ ડબગર પરિવારોની સ્થિતિ કફોડી
સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રિ દરમિયાન શેરી ગરબીઓમાં તેમજ પાર્ટી પ્લોટમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને વાજીંત્રોનો વપરાશ વધતાં પરંપરાગત તબલા, ઢોલક, ડમરૂ, મંજીરા સહીતના વાજીંત્રો બનાવવાનો ઉદ્યોગ પડી ભાંગ્યો છે. જેના કારણે વઢવાણ સહીત જિલ્લામાં અંદાજે 50 થી વધુ પરિવારો જે આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે તેમની હાલત કફોડી બની છે. વાજીંત્રોની ખરીદીમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.
નવરાત્રિ દરમિયાન સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લામાં અનેક જગ્યાએ પાર્ટી પ્લોટ તેમજ શેરી ગરબીઓમાં જમાવટ હોય છે. નાની બાળાઓથી લઇ મોટી ઉંમરની મહિલાઓ ગરબે ઘૂમતી હોય છે. ત્યારે શેરી ગરબીઓમાં તાલ પુરા પાડતા જુના વાજીંત્રોનું સ્થાન હવે ધીરેધીરે ઇલેક્ટ્રોનિક અને આધુનિક ઉપકરણોઓ લઇ લીધુ છે. તેમજ પાર્ટી પ્લોટનો ક્રેઝ વધ્યો છે. જેને લઈને જુના વાજીંત્રો બનાવવાના ઉદ્યોગ અને વેચાણમાં હાલ મંદી જોવા મળી રહી છે.
સુરેન્દ્રનગરના વઢવાણ સહિત જિલ્લામાં રહેતા ડબગર પરિવારો દ્વારા વર્ષોથી પરંપરાગત જૂના વાજીંત્રો બનાવવામાં આવે છે. જેમાં ઢોલક, તબલા, નાના મોટા મંજીરા, ડ્રમ, ડાક સહીતના સાધનો બનાવવામાં આવે છે પરંતુ વર્તમાન સમયમાં ડીજે સહીતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો સામે આ જુના વાજીંત્રો પોતાનુ અસ્તિત્વ ગુમાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આ ઉદ્યોગ સાથે જોડાયેલા કારીગરો તેમજ તેમના પરિવારજનોની હાલત પણ મંદીના કારણે કફોડી બની છે.
અગાઉ નવરાત્રી પહેલા દોઢ મહિના સુધી વાજીંત્રોની ખરીદી અને વેચાણમાં ઘરાકી રહેતી હતી પરંતુ હાલ નવરાત્રી પાર્ટી પ્લોટનો ક્રેઝ વધતા તેમજ ગ્રામ્ય વિસ્તારોમા થતી નવરાત્રિમાં પણ આધુનિક અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો વપરાશ વધતા વાજિંત્રોની ખરીદી સાવ પડી ભાંગી છે.
કારીગરો દ્વારા મોટા પ્રમાણમાં વાજીંત્રો બનાવી તૈયાર તો કરી દેવામાં આવ્યા છે પરંતુ ઘરાકી ન હોવાના કારણે આ તૈયાર માલ પડ્યો રહે તેવી સ્થિતિ સર્જાઇ છે. જિલ્લામાં અંદાજે 50 થી વધુ પરિવારો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે.
ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ વધતા આગામી સમયમાં આ પરંપરાગત વાજીંત્રો તેમજ તેના કારીગરો લુપ્ત થઇ જાય તેમ તેઓને લાગી રહ્યું છે.
સારી ઘરાકીને ધ્યાને લઈને લાખોનો માલ તો ભરી દીધો છે પરંતુ ઘરાકી જ ન હોય આ માલ પણ પડ્યો રહેતા નુકશાની ભોગવવાનો વારો આવે તેમ લાગી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા આ કળા અને ઉદ્યોગને જીવંત રાખવા કોઈ સ્પેશિયલ યોજના કે પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કારીગરો કરી રહ્યા છે.
ચામુંડાધામ ચોટીલાથી રાજ નાગણેચી યુવા ગ્રુપના યુવાનોએ પદયાત્રા કરીને માતાના મઢ જવા પ્રસ્થાન કર્યું