શિન્ઝો આબે પર હુમલો LIVE: જાપાનના 67 વર્ષના પૂર્વ વડાપ્રધાનને છાતીમાં બે ગોળી મરાઈ, લોહીથી લથબથ હોસ્પિટલ લઈ જવાયા, હુમલા બાદ હાર્ટ એટેક આવ્યો
- પોલીસે ઘટનાસ્થળેથી હુમલાખોરની ધરપકડ કરી છે
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર ગોળીબાર થયો હોવાના અહેવાલ છે. તેઓ પશ્ચિમ જાપાનના નારા શહેરમાં એક સભાને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને છાતીમાં બે ગોળી મરાઈ હતી. ગોળી વાગતાં તેઓ અચાનક ઢળી પડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્થળ પર ગોળીબાર કરાયાનો અવાજ સંભળાયો હતો અને આબેના શરીરમાંથી લોહી નીકળતું જોવા મળ્યું હતું. તેમને છાતીમાં બે ગોળી મારવામાં આવી હતી. તેમની હાલત નાજુક છે અને તેઓ કોઈ પ્રતિક્રિયા આપી રહ્યા નથી.
હાર્ટ એટેક પણ આવ્યો
જાપાનના મીડિયા રિપોર્ટ્સ મુજબ ગોળી વાગ્યા બાદ શિન્ઝો આબેને હાર્ટ એટેક પણ આવ્યો છે. જો કે સત્તાવાર રીતે આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી.
પોલીસે ઘટનાસ્થળેથી 42 વર્ષીય હુમલાખોરની ધરપકડ કરી છે. તેની પાસેથી બંદૂક મળી આવી છે. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. ગોળી કોણે અને શા માટે ચલાવી એ પણ સ્પષ્ટ નથી.
શિન્ઝો આબેની છાતીમાં બે ગોળી વાગી હતી, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં આબેની હાલત નાજુક છે, કારણ કે તેમનું ઘણું લોહી વહી ગયું હતું. શિન્ઝો આબેના અચાનક પડી જવાને કારણે ત્યાં હાજર લોકોને કંઈ સમજાયું નહીં, પરંતુ આ દરમિયાન કેટલાક લોકોએ ત્યાં ગોળીબાર જેવો કંઈક અવાજ સંભળાયો હતો. હાલ એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
આબે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા
જાપાનમાં રવિવારે અપર હાઉસની ચૂંટણી યોજાવાની છે. આબે નારા શહેરમાં ચૂંટણી પ્રચારના ભાગરૂપે સભા કરી રહ્યા હતા. હુમલા બાદ સ્થળ પરથી કેટલાક વીડિયો પણ વાયરલ થયા છે. જેમાં સ્થળ પર અફરી-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
શિન્ઝો આબેએ વર્ષ 2020માં વડાપ્રધાનપદ પરથી રાજીનામું આપ્યું હતું. તબિયત ખરાબ હોવાને કારણે તેમણે આવું કર્યું હતું. તેઓ ઘણા સમયથી બીમાર હતા.
કોણ છે શિન્ઝો આબે
67 વર્ષીય શિન્ઝો લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) પાર્ટી સાથે સંબંધ ધરાવે છે. આબે 2006-07 દરમિયાન વડાપ્રધાન રહ્યા હતા. આબેને એક આક્રમક નેતા તરીકે માનવામાં આવે છે. તેમને અલ્સેરટ્રેટિવ કોલાઇટિસ, આંતરડાની બીમારી હતી, જેના કારણે તેમને 2007માં વડાપ્રધાનપદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. શિન્ઝો આબે સતત 2803 દિવસ (7 વર્ષ 6 મહિના) વડાપ્રધાન પદ પર રહ્યા હતા. આ રેકોર્ડ પહેલાં તેમના કાકા ઇસાકુ સૈતોના નામે હતો.
જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર છે. પીએમ મોદી અને શિન્ઝો આબે ઘણા પ્રસંગોએ એકબીજાને યાદ કરી ચૂક્યા છે. ગયા વર્ષે ભારતે શિન્ઝો આબેને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.
મોદીના ખાસ મિત્ર છે આબે, પદ્મ ભૂષણથી સન્માન કરાયું છે
વડાપ્રધાન મોદીને શિન્ઝો આબે સાથે સારા સંબંધો છે. તેમની ગુજરાત અને બનારસ યાત્રા ચર્ચાસ્પદ રહી હતી. ગત વર્ષે ભારતે આબેનું પદ્મ ભૂષણથી સન્માન કરાયું હતું. ભારતને બુલેટ ટ્રેનની ભેટ આપવામાં તેઓની મહત્વની ભૂમિકા હતી.