ભાસ્કર ઇન્વેસ્ટિગેશન: ગુજરાતના સિનિયર IASને ત્યાં CBIના દરોડા, ફરિયાદીઓએ કહ્યું- બંદૂકના લાઇસન્સ માટે 5-5 લાખ લીધા, તેલ-કપડાં લઈ આપવાનું પણ કહેતા
- સામાન્ય વહીવટ વિભાગના જોઇન્ટ સેક્રેટરી અને તત્કાલીન સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે. રાજેશને ત્યાં CBI ત્રાટકી
- કે. રાજેશ સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકારે અઢી મહિના પહેલાં તખતો તૈયાર કર્યો હતો
- એક વર્ષ પહેલાં ACBને ફરિયાદ કર્યા બાદ પણ કોઈ કાર્યવાહ થઈ નહોતી
- પૂર્વ સરકારના એક સિનિયર નેતાનો કે. રાજેશ પર હાથ હોવાની ચર્ચા
ગુજરાત સામાન્ય વહીવટ વિભાગમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા અને તત્કાલીન સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કે. રાજેશની ઓફિસ અને નિવાસસ્થાને આજે શુક્રવારે વહેલી સવારે સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. બંદૂકના લાઇસન્સની પરવાનગી આપવામાં લાંચ લેવા સહિતની 20થી વધુ ફરિયાદ કર્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં સરકારી જમીન પ્રાઈવેટ વ્યક્તિઓને પધરાવ્યાનો પણ આરોપ છે. આ ઓપરેશન ગાંધીનગર, સુરેન્દ્રગર, સુરત ઉપરાંત આંધ્રપ્રદેશના રાજામુંદ્રીમાં તેમના નિવાસસ્થાને હાથ ધરવામાં આવ્યું હતું. સીબીઆઈની ટીમે સુરતથી વચેટિયા રફીક મેમણની ધરપકડ કરી છે. ફરિયાદ મુજબ પ્રત્યેક અરજદાર પાસેથી કલેક્ટર કે. રાજેશ દ્વારા કુલ 5 લાખની લાંચ માગવામાં આવતી, જેમાં 4 લાખની રોકડ અને 1 લાખના ચેક પેટે લેતા હતા. આ અંગે ફરિયાદી મથુર સાકરિયા સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરી હતી, જેમાં તેણે ચોંકાવનારા આરોપ મૂક્યા હતા.
ફરિયાદીનો ચોંકાવનારો આરોપ – કે. રાજેશ પોતાનાં કપડાં લઈ આપવાનું કહેતા:
આ આખાયે કેસમાં સુરેન્દ્રનગરના કેરાળા ગામના ફરિયાદી મથુર સાકરિયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમે રોકડા અને ચેકથી નાણાં આપ્યા હતા, એમ છતાં પણ જ્યારે તેમને પોતાના માટે કપડાંની ખરીદી કરવી હોય તોપણ તેઓ અમને કપડાં લઈ આપવા માટે કહેતા હતા. આમ, નાણાંથી પણ અમારે એક વખત વ્યવહાર થયો હોવા છતાં બીજી રીતે પણ અવારનવાર ભોગવવાનો વારો આવી ચડતો હતો.
માલિશ માટે 3 કિલો તલનું તેલ માગ્યું હતું:
સુરેન્દ્રનગરના ચૂડાના કુડલા ગામના નિવાસી અમરસંગ રાઠોડ નામના ફરિયાદી, જેઓ મગફળી, તલ પકવતા ખેડૂત છે. તેમણે પણ બંદૂક માટે પરવાનો લેવા અરજી કરી હતી. જે-તે સમયે કે રાજેશ દ્વારા પરવાના અંગે નકારાત્મક અભિપ્રાય આપતાં અમરસંગ રાઠોડ અપીલ માટે ગૃહ વિભાગમાં ગયા હતા. આ સમયે ફરિયાદીના વ્યવસાય સંબંધી માગણી કરી શરીર પર તેલ માલિશ કરવા માટે 3 કિલો તલના તેલની માગણી કરી હતી. જો તલનું તેલ આપવામાં આવશે તો તાત્કાલિક ધોરણે જ પરવાનો આપવામાં આવશે, એવી એફિડેવિટ સાથેની ફરિયાદ અમરસંગ રાઠોડ દ્વારા એસીબી સમક્ષ કરવામાં આવી હતી.
80 લાખથી વધુની રોકડની લાંચ લીધી:
સુરેન્દ્રનગરના તત્કાલીન જિલ્લા ક્લેક્ટર કે. રાજેશ દ્વારા બંદૂકના પરવાના આપતી વખતે લાંચ લેવા બાબતે 20 કરતાં વધુ ફરિયાદીએ એફિડેવિટ સાથે ફરિયાદ કરી હતી, જેમાં પ્રત્યેક અરજદાર પાસેથી કુલ 5 લાખની લાંચ માગવામાં આવતી હતી. એમાં 4 લાખની રોકડ પ્રત્યેક અરજદાર પાસેથી લેવાતી હતી. આમ, 20 કરતાં વધુ ફરિયાદીની ફરિયાદને આધારે જોઈએ તો કે. રાજેશ દ્વારા રૂ. 80 લાખથી વધુ રોકડ રકમની લાંચ લેવાઈ છે.
ચેક પેટે પણ કે. રાજેશ રકમ લેતા હતા:
બંદૂકના પરવાના આપતી વખતે ચોક્કસ રકમ ચેકના માધ્યમથી લેવાતી હતી. ચેકથી લેવાયેલી રકમનો જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના વિકાસ માટે ફંડ તરીકે વપરાશ કરાતો હતો. આમ, પ્રત્યેક અરજદારને બંદૂકનો પરવાનો લેવા માટે રોકડ તથા ચેક એમ બે તબક્કે રકમ ચૂકવવી પડતી હતી.
અધિક મુખ્ય સચિવે કહ્યું- રાજ્ય સરકારના નિર્ણય બાદ જ CBIએ કાર્યવાહી કરી છે:
સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે જ્યારે પણ આ પ્રકારની કાર્યવાહી થતી હોય ત્યારે રાજ્ય સરકારનો કોઈપણ પ્રકારનો ફાળો નથી હોતો. રાજ્ય સરકારને મળેલી ફરિયાદને આધારે જો એમાં તથ્ય જણાય તો રાજ્ય સરકાર સીબીઆઈને આ ફાઈલ સોં.
અઢી મહિના પહેલાં CBIને કેસ સોંપાયો હતો:
પૂર્વ સરકારમાં કે. રાજેશ સામે થયેલી ફરિયાદો અન્વયે વર્તમાન સરકારે કાર્યવાહી કરવા માટે તખતો તૈયાર કર્યો હતો. કે. રાજેશ સામે થયેલી ઢગલો ફરિયાદો મુદ્દે અઢી મહિના અગાઉ જ સીબીઆઈને સમગ્ર કેસ સોંપ્યો હતો. રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ જ કોઈ રાજ્યમાં સીબીઆઈ કાર્યવાહી કરી શકતી હોય છે.
CBIની દખલગીરી બાદ રાજ્ય સરકારની જવાબદારી નથી રહેતી:
કોઈપણ અધિકારી કે પછી મહત્ત્વના વિવાદાસ્પદ મુદ્દા પર રાજ્ય સ્તરે અવલોકન કરવામાં આવતું હોય છે. અધિકારી અંગે થયેલી ફરિયાદ સૌપ્રથમ સામાન્ય વહીવટ વિભાગ ખાતે તપાસાય છે, ત્યાર બાદ જે-તે અધિકારી સામેની ફાઈલ મુખ્યમંત્રી સમક્ષ રાખવામાં આવે છે. મુખ્યમંત્રી કાર્યાલય સ્તરેથી ફરિયાદમાં તથ્ય જણાયા બાદ સીબીઆઈને સોંપવાનો નિર્ણય કરાય છે. એક વખત સીબીઆઈ કાર્યવાહી શરૂ કરે છે ત્યાર બાદ રાજ્ય સરકારની કોઈ જ જવાબદારી રહેતી નથી.
ACBને પણ ફરિયાદ થઈ હતી, પણ કોઈ કાર્યવાહી ન થઈ:
એવું નથી કે આ ફરિયાદ માત્ર રાજ્ય સરકારને જ કરાઈ હતી. સરકારી કર્મચારીઓ સામે કામ કરતી એસીબીમાં પણ અનેક ફરિયાદ કરાઈ હતી. તત્કાલીન એસીબી ડાયરેક્ટર કેશવ કુમારને નામજોગ ઉદ્દેશીને પણ 3 માર્ચ 2021ના રોજ 22 પાનાંની એફિડેવિટ સાથેની ફરિયાદ કરાઈ હતી, પરંતુ એસીબી દ્વારા આ ફરિયાદો અંગે કોઈ કાર્યવાહી નહોતી કરવામાં આવી.
પૂર્વ સરકારના એક સિનિયર નેતાનો કે. રાજેશ પર હાથ હતો:
જોકે પૂર્વ સરકારના એક સિનિયર નેતાનો હાથ કે. રાજેશ પર હોવાને કારણે તેમનો આબાદ બચાવ થતો રહ્યો હતો. જોકે સરકાર બદલાઈ અને એની પોલિસી પણ બદલાઈ એટલે કે રાજેશ સામેની ફરિયાદો અન્વયે કાર્યવાહી કરવાની શરૂઆત થઈ છે.
CBI આકરાં પગલાં લેશે:
સીબીઆઈ દ્વારા કે રાજેશ સામે થયેલી તપાસમાં તેમનાં ગાંધીનગર સ્થિત નિવાસસ્થાન, ઓફિસ તેમજ સુરેન્દ્રનગર ખાતે તપાસ હાથ ધરાઈ હતી. અનેક દસ્તાવેજો ચકાસવામાં આવ્યા હતા. સીબીઆઈની કાર્યવાહીમાં જો તથ્ય જણાશે તો તે એ કેસમાં ક્રિમિનલ કેસ દાખલ કરી શકે છે. જોકે રાજેશ સામે ક્રિમિનલ કેસ દાખલ થાય છે તો તેમની ધરપકડ પણ થઈ શકે છે.
કે. રાજેશના ફોન બંધ થઈ ગયા:
દિવ્ય ભાસ્કર દ્વારા સમગ્ર કિસ્સામાં આક્ષેપિત અધિકારી કે. રાજેશ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો. હાલ કે. રાજેશ મળતી માહિતી પ્રમાણે પોતાના મૂળ વતન આંધ્રપ્રદેશ ખાતે છે અને રજા પર છે. કે. રાજેશનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેમનો ફોન બંધ આવી રહ્યો છે.
કે. રાજેશનું ગૃહ વિભાગમાં પ્રમોશન થતાં વિવાદ થયો હતો:
સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર કે. રાજેશ સામે બંદૂકના પરવાના આપવામાં લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો, ત્યારે પૂર્વ સરકારે જે-તે સમયે તેમને મળી રહેલા પ્રમોશનમાં ગૃહ વિભાગના જોઈન્ટ સેક્રેટરી તરીકે હવાલો સોંપ્યો હતો. જે મુદ્દાનો આક્ષેપ હતો એ જ વિભાગમાં વડા તરીકે પૂર્વ સરકારે પ્રમોશન આપતાં મોટો વિવાદ સર્જાયો હતો, જેના પરિણામે માત્ર 24 કલાકમાં જ કે. રાજેશની બદલી કરી સામાન્ય વહીવટ વિભાગમાં વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગમાં બદલી કરવી પડી હતી.