ગાંધી જયંતિ / ગાંધીજી પોતાના 6 જન્મદિવસ વખતે જેલમાં હતાઃ 1918માં બર્થ ડે વખતે બીમારીને કારણે મોત નજીક છે એમ માની લીધું હતું
- ગાંધીજી 1915માં આફ્રિકાથી ભારત આવ્યા
- આફ્રિકાથી પરત ફર્યા પછી ભારતમાં ગાંધીજીએ 33 વર્ષગાંઠો પસાર કરી હતી.
- 1919નો જન્મ દિવસ તેમનો સુવર્ણમહોત્સ (50 વર્ષ) હતો.
ગાંધીજી 1915માં આફ્રિકાથી ભારત આવ્યા અને 1948માં તેમનો દેહવિલય થયો એ દરમિયાન ભારતમાં તેમણે 12,075 દિવસ પસાર કર્યા હતા. ગાંધીજીના આ દરેક દિવસે તેઓ ક્યાં હતા, કોને મળ્યાં અને શું કર્યું તેની ટૂંકી નોંધ ચંદુલાલ દલાલ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘ગાંધીજીની દિનવારી’ નામની ડાયરીમાં છે. આ રોજનીશીનો અભ્યાસ કરતાં ગાંધીજી ક્યાં ક્યાં હતા તેની જાણકારી મળી રહે છે.
આફ્રિકાથી પરત ફર્યા પછી ભારતમાં ગાંધીજીએ 33 વર્ષગાંઠો પસાર કરી હતી. જન્મ દિવસ ઉજવ્યો એમ તો ન કહી શકાય કેમ કે ગાંધીજી કોઈ પ્રકારની ઉજવણી કરતાં ન હતા. ઉલટાના કેટલાય જન્મ દિવસોએ તેમણે સામુહિક ખાદી-કાંતણ કાર્યક્રમો જેવી કવાયતો કરી હતી.
33 જન્મ દિવસ પૈકી તેમના સૌથી વધારે 6 જન્મ દિવસ જેલમાં પસાર થયા છે. ચાર જન્મ દિવસ યરવડા જેલમાં અને બે પુનાના આગાખાન પેલેસમાં હતાં. પુનાનો આગાખાન મહેલ આમ તો પેલેસ છે, પરંતુ ગાંધીજી અને કસ્તુરબા સહિતના આઝાદીના અગ્રણીઓને અહીં નજર કેદ રાખવામાં આવ્યા હતા. માટે આ મહેલ તેમના માટે જેલ બન્યો હતો.
પાંચ વખત તેઓ બીજી ઓક્ટોબરે અમદાવાદમાં અને પાંચ વખત દિલ્હીમાં હતા. ચાર જન્મ દિવસ વખતે વર્ધા હતા જ્યારે 3 જન્મ દિવસે મુંબઈ રહ્યાં હતા. 1931ના એક જન્મ દિવસે તેઓ લંડનમાં પણ હતા. લંડન સહિત ભારતમાં તેમના પસાર થયેલા 33 જન્મ દિવસો તેમણે વિવિધ 13 ગામ-શહેરોમાં પસાર કર્યાં હતા.
1918ના જન્મ દિવસે તેમની તબિયત બગડી જતાં અંતકાળ નજીક આવી ગયો છે એમ માની બધા આશ્રમવાસીઓને એકઠા કરી લેવાયા હતા. તેમના ધબકારા અનિયમિત થઈ ગયા હતાં. હરિલાલ તથા દેવદાસ દૂર હતાં તેમને તાર કરી બોલાવ્યા હતા. 1919નો જન્મ દિવસ તેમનો સુવર્ણમહોત્સ (50 વર્ષ) હતો.
પરિણામે મુંબઈમાં તેમને દેશસેવા માટે રૃપિયા 20,100ની થેલી અર્પણ કરવામાં આવી હતી. 1944ના જન્મ દિવસે ઘણા શુભેચ્છા સંદેશ આવ્યા હતા. જે પૈકીનો એક સંદેશ વિખ્યાત સાહિત્યકાર જ્યોર્જ બર્નાડ શોનો પણ હતો.
1947ના જન્મ દિવસ વખતે દિલ્હીમાં લેડી માઉન્ટ બેટન સહિતના મહાનુભાવો આવ્યા હતાં. પરંતુ પાકિસ્તાન સાથે ચાલતા વિખવાદને લઈને તેઓ અસંતુષ્ટ હતા. માટે આવનારા કેટલાકને તેમણે કહ્યું હતું કે આને અભિનંદન નહીં ખરખરો કહેવો વધુ યોગ્ય છે. એ જ દિવસે તેમણે લાંબુ જીવવાની ઈચ્છા ન હોવાનું પણ કહ્યુ હતું. અગાઉ પણ ગાંધીજી વારંવાર મરવાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા હતા. જોકે 1947માં તેમણે મોતની વાત ઉચ્ચારી એ પછીના ત્રણ જ મહિના પછી તેમની હત્યા થઈ હતી.
શું Air India ની TATA Group માં ઘર વાપસી થશે? 68 વર્ષ બાદ એરલાઇન્સ ફરી TATA ના ફાળે જાય તેવા અણસાર