Garib Kalyan Mela – કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને વઢવાણ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો
કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને વઢવાણ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો
કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને વઢવાણ ખાતે – ગુજરાત સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો જરૂરિયાતમંદ નાગરિકોને હાથોહાથ પહોંચાડવાના સેવા યજ્ઞ તરીકે રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાઇ રહ્યા છે. આજે મુખ્યમંત્રીશ્રી ભુપેંદ્રભાઈ પટેલે રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.
આ જ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને મંગલભુવન, વઢવાણ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. આ કાર્યક્રમને સંબોધતા વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી વર્ષ 2009થી ગરીબોના સશક્તિકરણ માટે ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
જેના 13માં સોપાનમાં આપણે પ્રવેશ કર્યો છે. આજે આ મેળાના માધ્યમથી જિલ્લાના 8753 જેટલા લાભાર્થીઓને રૂ.1.5 કરોડથી વધુના લાભોનું વિતરણ કરવામાં આવશે. ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ગરીબોને તેમના હકના લાભો સરકારે હાથો-હાથ આપ્યા છે. આ મેળાઓ તેમને આર્થિક મોરચે સ્વાવલંબી અને વધુ સમૃદ્ધ બનવામાં સહાયરૂપ પૂરવાર થશે.
શ્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રમાં વડાપ્રધાન બન્યા ત્યારથી જ રાજ્યને ડબલ એન્જિન સરકારનો લાભ મળી રહ્યો છે. જેના પરિણામે આજે ગુજરાત આરોગ્ય, પાણી, વીજળી, શિક્ષણ એમ બધાજ ક્ષેત્રે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.
બે કરોડથી વધુ ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા
રાજ્ય સરકારે ખેડૂતો માટે લીધેલા પગલાઓની વાત કરતા મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે રાજ્યના બે કરોડથી વધુ ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. જેથી ખેડૂતો પોતાની જમીનની ગુણવત્તા જાણીને તેને સુધારવા જરૂરી પગલાં લઈ ઉત્પાદનમાં વધારો કરી શકે છે.
રાજ્યમાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સિંચાઈ માટે પાણી મળતા ખેડૂતો એક કરતા વધારે પાક લેતા થયા છે. આજે રાજ્યના 98 ટકા ઘરોમાં નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. કોરોના સમય દરમ્યાન દેશનો એક પણ નાગરિક ભૂખ્યો ન સુવે તેની સરકારે તકેદારી રાખી છે.
સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં નાગરિકોને સીટી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર તરફથી 20.44 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેના થકી શહેરમાં પરિવહનની સુવિધાઓ બહેતર બનશે. જિલ્લામાં થયેલા વિકાસ કાર્યો અને પ્રવાસન સુવિધાઓ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ભક્તિ વન બાદ ધોળીધજા ડેમ પર જિલ્લાના બીજા સાંસ્કૃતિક વન વટેશ્વર વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રવાસન સુવિધાઓના વિકાસ માટે રૂ.19 કરોડથી વધુની માતબર રકમ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી છે. સરકારની કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણથી રાજ્યના વંચિત અને ગરીબ વર્ગને વિકાસની મુખ્ય ધારામાં સામેલ કરવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશનો એક પણ નાગરિક ગરીબ ન રહે, તેની પ્રગતિ અટકે નહીં એ સુનશ્ચિત કરવા સરકારશ્રી તરફથી અનેકવિધ યોજનાઓ અમલી કરવામા આવી છે. જેનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચી રહ્યો છે અને તેમના જીવનમાં બદલાવ આવી રહ્યા છે.
ગરીબ કલ્યાણ મેળાના પ્રારંભ
આ અગાઉ કાર્યક્ર્મમાં ગરીબ કલ્યાણ મેળાના પ્રારંભ પહેલા સભાસ્થળે સ્થાનિક કલાકારો દ્વારા સાહિત્યની મનોરંજક કૃતિઓ અને દેશભક્તિ ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ પંચાયત વિભાગની સિદ્ધિઓ વર્ણવતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લાની વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતાને મળેલ સહાય અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
આ ઉપરાંત, કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અઘ્યક્ષસ્થાને ગોધરા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટ દ્વારા સ્વાગત પ્રવચન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
આ ગરીબ કલ્યાણ મેળામાં મહિલા અને બાલ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સહિત 15 થી વધુ વિભાગોની 40 થી વધુ યોજનાઓ અંતર્ગત 8753 જેટલા લાભાર્થીઓને 1.5 કરોડથી વધુના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખશ્રી વિરેન્દ્રભાઇ આચાર્ય, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેનશ્રી ઉદુભા ઝાલા, પૂર્વ સાંસદ સભ્યશ્રી શંકરભાઈ વેગડ, પૂર્વ ધારાસભ્ય સર્વશ્રી ધનરાજભાઈ કૈલા, શ્રી મનહરભાઈ મકવાણા, સુશ્રી વર્ષાબેન દોશી, અગ્રણી સર્વશ્રી જગદીશભાઈ મકવાણા, શ્રી જયેશભાઈ પટેલ, સુશ્રી જીજ્ઞાબેન પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી આર.એમ.રાયજાદા સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
સુરેન્દ્રનગરમાં ફરી લાલ બસ દોડશે, 32 CNG બસ માટે રૂ.20.44 કરોડ મંજૂર