Ahmedabad – નવરાત્રિમાં આઠમે માનતા માનો તો માતાજી અવશ્ય પૂર્ણ કરે, અમદાવાદના આ મંદિરમાં મુસ્લિમ બિરાદરોને પણ છે શ્રદ્ધા
અનેક વર્ષોનો ઇતિહાસ ધરાવતો અમદાવાદનો કોટ વિસ્તારમાં એવા ધર્મસ્થાનો છે જેનાથી આજે પણ લોકો જાણીતા નથી. એવું જ એક ધર્મસ્થાન એટલે ભંડરી પોળમાં આવેલું વારાહી માતાજીનું મંદિર
અમદાવાદ, વર્લ્ડ હેરિટેજ સિટી. આ શહેર પોતાની અંદર અનેક રહસ્યો, કથાઓ, વાર્તાઓ સંગ્રહીને બેઠું છે. અમદાવાદના કોટ વિસ્તારની અંદરની દરેક પોળની પોતાની વાર્તા છે. આવી જ એક પોળ છે, ભંડેરી પોળ. જ્યાં નવરાત્રિમાં ખાસ કરીને આઠમના નોરતે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવી પહોંચે છે. કારણ છે, અહીં આવેલું વારાહી માતાનું મંદિર. એવી માન્યતા છે, અને કહીએ કે લોકોની શ્રદ્ધા છે કે આસો સુદ આઠમના દિવસે જો શ્રદ્ધાળુઓ વારાહી માતાના મંદિરે દર્શન કરીને લગ્નની ઈચ્છા પ્રગટ કરે કે પછી શેર માટીની ખોટ પૂરવાની ઈચ્છા માતાજી સમક્ષ રજૂ કરે, તો તેમની આ ઈચ્છા જરૂર પૂરી થાય છે.
ઢીંગલા-ઢીંગલી શ્રદ્ધાળુઓને અપાય
ભંડારીની પોળ અમાદવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી છે. દર વર્ષે અહીં બાળક ન થતું હોય તેવા અનેક યુગલો, લગ્નવાંચ્છુક યુવાન યુવતીઓ નવરાત્રિમાં ખાસ દર્શન માટે આવે છે. શાક માર્કેટ અને ડ્રાયફ્રૂટના વેચાણ માટે જાણીતા કાલુપુરની એક ઓળખ વારાહી માતાજીના આ ચમત્કારિક મંદિર માટેની પણ છે.
આ મંદિરના મુખ્ય પૂજારી હરિપ્રસાદ રાવલજી જેઓ પેઢીઓથી અહીં સેવાપૂજા કરે છે, તેમના કહેવા પ્રમાણે,’જ્યારે કોઈ પણ શ્રદ્ધાળુ અહીં બાળક માટેની બાધા રાખે છે, તો મંદિર તરફથી તેમને રમકડાં આપવામાં આવે છે. જ્યારે તેમની માનતા પૂરી થાય, ત્યારે આ રમકડા આ જ મંદિરમાં માતાજી સમક્ષ પધરાવી દેવાના હોય છે.
જો કોઈ વ્યક્તિ લગ્નની ઈચ્છા લઈને આવે છે, તો તેમને ઢીંગલા ઢીંગલી આપવામાં આવે છે, જે યુગલ બનવાનું પ્રતીક છે. તેમાં પણ માનતા પૂરી થયા પછી માતાજી સમક્ષ ઢીંગલા ઢીંગલી પધરાવી દેવાના હોય છે. જો કે, અમારા મંદિરમાં અમે કોઈને બાંધતા નથી, બાધા નથી આપતા. જે શ્રદ્ધાળુઓ આવે, તે માત્ર શ્રદ્ધાથી પ્રેરાઈને આવે છે.’
VEGETABLE PRICES- શાકભાજીના ભાવમાં કિલોએ રૂ.50થી 80નો વધારો
મુસ્લિમ બિરાદરોને પણ છે શ્રદ્ધા
હરિપ્રસાદ રાવલજીનો પરિવાર છ છ પેઢીથી આ મંદિરમાં સેવા પૂજા કરી રહ્યો છે. અત્યંત પૌરાણિક એવા આ મંદિરમાં હજ્જારો લોકો આસ્થા અને વિશ્વાસ ધરાવે છે. વળી ખાસ વાત એ છે કે આ મંદિરની આસપાસનો વિસ્તાર મુસ્લિમ બહુમતીથી ઘેરાયેલો છે, પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં અહીં નાનું છમકલુંય થતું નથી. હરિપ્રસાદજીના કહેવા પ્રમાણે મુસ્લિમ બિરાદરો પણ વારાહી માતાજીમાં શ્રદ્ધા ધરાવે છે.
મંદિરમાં નથી કોઈ મૂર્તિ
તો વારાહી મંદિરના મિત્ર મંડળના ટ્રસ્ટી દિલીપભાઈ શાહ આ મંદિર અંગેની લોકવાયકા જણાવતા કહે છે કે,’આ મંદિર અમદાવાદ શહેરની સ્થાપના થઈ, તેનાથી પણ પહેલા બનેલું છે. સૌથી પહેલા આ વિસ્તાર ભંડેરીરૂપ તરીકે જાણીતો હતો. અને અહીં એક વડલો હતો. ગામના બધા જ લોકો અહીં દર્શન કરવા આવતા. ત્યારબાદ ગામની સુરક્ષા માટે વારાહી માતાજીની નાનકડી દેરી વડલાની નીચે સ્થપાઈ.
અહેમદશાહના શાસન પછી જ્યારે સૂબાઓનું રાજ હતું, ત્યારે સુબાઓની સેના રાજ માહવક હાથી લઈને ગામમાં આવ્યા અને હાથી વડલાના પાન ખાવા લાગ્યા. ગામમાં વારાહી માતાજીના એક ભક્ત દલપતજી રહેતા હતા. માતાજી તેમના સપનામાં આવ્યા અને પૂછ્યું કે ભઈ તુ સુતો છું, અને મારા ઝાડના પાન ચોરાઈ રહ્યા છે.
GUJARAT EDIBLE OIL- તહેવારો પર સીંગતેલ-કપાસિયા તેલના ભાવમાં ભડકો
આ સપનામાંથી દલપતજી જાગ્યા અને તાત્કાલિક વડલા પાસે પહોંચ્યા. હાથીને તેમણે પોતાની તલવારથી માર્યો. જવાબમાં સુબાના સૈનિકોએ વડલો કાપવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેઓ વડલાની નજીક આવે, તે પહેલા જ વડલો જાતે જ ધરાશાયી થઈ ગયો અને એક જ્યોત તેમાંથી નીકળી. આ જ જ્યોત મંદિરમાં છે, આ મંદિરમાં માતાજીની કોઈ મૂર્તિ નથી.’
આ મંદિરની બીજી પણ એક ખાસિયત છે. દર નવરાત્રિમાં આઠમના દિવસે અહીં માતાજીની ઘીની મૂર્તિ બનાવવામાં આવે છે. જેમાં આશરે 150થી 160 કિલો ઘી વપરાય છે. આ ઘી ઓગળી ન જાય, તે માટે તેની આસપાસ 600 કિલો બરફ પણ ગોઠવવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન ઘીથી બનેલા માતાજીના દર્શન કરવા પણ આ મંદિરમાં લાંબી લાઈન લાગે છે. કહેવાય છે કે શ્રદ્ધા હોય, ત્યાં પુરાવાની શું જરૂર! વારાહી માતાજીના મંદિરે રોજેરોજ આવતા શ્રદ્ધાળુઓ આ જ વાતની સાબિતી છે. આવા તો કંઈક મંદિરો અમદાવાદ સહિત ગુજરાત અને દેશના ખૂણે ખૂણે પથરાયેલા છે.