સુરેન્દ્રનગરમાં વૃધ્ધાના ગળામાંથી ચેનની ચીલઝડપ કરનાર ૫કડાયો
સુરેન્દ્રનગરની વિમલનાથ સોસાયટીમાં રહેતા વૃધ્ધાને સરનામુ પુછવાના બહાને એક શખ્સે ગળામાંથી રૂપિયા 30 હજારની કિંમતના દોઢ તોલાના સોનાના ચેનની ચીલઝડપ કરી હતી.
- વૃધ્ધાને સરનામુ પુછવાના બહાને કરી હતી ચેઈનસ્નેચિંગ
- રૂપિયા 30 હજારની કિંમતના ચેનની ચીલઝડપ કરી હતી
- આરોપી પાસેથી રૂપિયા 50 હજારનો મુદ્દામાલ કબજે કરાયો
સુરેન્દ્રનગરની વિમલનાથ સોસાયટીમાં રહેતા વૃધ્ધાને સરનામુ પુછવાના બહાને એક શખ્સે ગળામાંથી રૂપિયા 30 હજારની કિંમતના દોઢ તોલાના સોનાના ચેનની ચીલઝડપ કરી હતી. આ બનાવના આરોપીને બી ડિવીઝન પોલીસે સોનાનો ચેન અને બાઈક સહીત રૂપિયા 50 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે.
સુરેન્દ્રનગરની વિમલનાથ સોસાયટીમાં રહેતા ભગવતીબેન રતીલાલ માલવણીયા તા. 29ના રોજ બપોરે નજીકમાં આવેલા જૈન ઉપાશ્રયથી ઘરે જતા હતા ત્યારે શંખેશ્વર સોસાયટીની ચોકડી પાસે બાઈક લઈને ઉભેલા એક યુવાને ભગવતીબેનને હીતેશભાઈનું ઘર કયાં આવ્યુ તેમ પુછયુ હતુ. વૃધ્ધા જવાબ આપે તે પહેલા જ બાઈક ચાલક વૃધ્ધાએ ગળામાં પહેરેલો રૂપિયા 30 હજારની કિંમતનો દોઢ તોલા સોનાનો ચેન લઈ રફુચક્કર થઈ ગયો હતો. બનાવની ભગવતીબેન રતીલાલ માલવણીયાએ બી ડિવીઝન પોલીસ મથકે અજાણ્યા બાઈક ચાલક સામે રૂપિયા 30 હજારની કિંમતના સોનાના ચેનની ચીલ ઝડપ કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવી હતી.
આ અંગેની ફરીયાદ નોંધાતા જ પીએસઆઈ આર.જી.ઝાલા, અજીતસીંહ સોલંકી, મહીપતસીંહ જાદવ સહીતના સ્ટાફે આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. જેના આધારે ચેનની ચીલઝડપ કરનાર નવી એસપી સ્કુલ પાછળ કેસરીનંદન સોસાયટીમાં રહેતા 22 વર્ષીય વિજય પ્રભુભાઈ દેસાણીને ઝડપી લીધો હતો. આ શખ્સ પાસેથી ચીલઝડપ થયેલ રૂપિયા 30 હજારની કિંમતનો ચેન અને રૂપિયા 20 હજારની કિંમતના બાઈક સહીત રૂપિયા 50 હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે.