લોકચાહના: આજે મોદી સરકારના 8 વર્ષ પૂરા થયા, આ 8 માસ્ટરસ્ટ્રોકથી ઘરે ઘરે થયા લોકપ્રિય, દુનિયાભરમાં મેળવી પ્રસિદ્ધિ
વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમની સામે ઘણાં પડકાકરો હતાં. પરંતુ છેલ્લા 8 વર્ષ દરમિયાન મોદી સરકારે ઘણી કલ્યાણકારી યોજાનાઓને શરૂઆત કરી
- મોદી સરકાર 2.0ની ત્રીજી વર્ષગાંઠ
- કેન્દ્રમાં મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થયા
- મોદી સરકારના 8 વર્ષમાં આ 8 યોજનાઓ ઘણી લોક પ્રિયબની
કેન્દ્રમાં મોદી સરકારના આઠ વર્ષ પૂર્ણ થઈ ગયાં છે. મોદી સરકાર 2.0ની ત્રીજી વર્ષગાંઠ 26 મે એટલે આજે છે. ભાજપ 2014ની સરખામણીમાં 2019માં મોટી જીત સાથે સત્તામાં પરત ફર્યું. આ મોટી જીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતમાં શરૂ કરવામાં આવેલી તમામ કલ્યાણકારી યોજનાઓએ મોટી ભૂમિકા ભજવી છે. જો કે, વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમની સામે ઘણી સમસ્યાઓ હતી. સરકારના આ 8 વર્ષના સફરમાં કેટલીક યોજનાઓ ઘણી લોકપ્રિય થઈ છે. ત્યારે આવો એવી 8 યોજનાઓ વિશે વિસ્તારમાં તમને સમજાવીએ.

જનધન યોજના
દેશના દરેક પરિવારને બેન્કિંગ સિસ્ટમથી જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ 2014એ જનધન યોજનાની શરૂઆત કરી હતી. સરકારની આ યોજના ખૂબ સફળ રહી છે. અત્યાર સુધી જનધન યોજના અંતર્ગત 45 કરોડથી વધુ લોકોએ બેન્ક ખાતા ખોલાવ્યાં છે. કોરોના સંકટ દરમિયાન મહિલાઓને આજ બેન્ક ખાતાઓમાં સહાયની રમક ચૂકવી હતી.
ઉજ્જવલા યોજના
કેન્દ્ર સરકાર ઉજ્જવલા યોજનાને પોતાની સૌથી મોટી ઉપલબ્ધિ માને છે. ઉજ્જવલા યોજના હેઠળ, કેન્દ્ર સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને ઘરેલું રસોઈ ગેસ (એલપીજી) કનેક્શન મફતમાં આપે છે. આ યોજના 1લી મે 2016ના રોજ શરૂ કરવામાં આવી હતી. સરકારનો દાવો છે કે 25 એપ્રિલ-2022 સુધીમાં 9 કરોડ વધુ કનેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું. PMUY યોજના હેઠળ, કેન્દ્ર સરકાર BPL અને APL રેશનકાર્ડ ધારક પરિવારોની તમામ મહિલાઓને 1600 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે.
કિસાન સન્માન નિધિ યોજના
લોકસભા ચૂંટણી-2019 પહેલા PM મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. PM મોદીની આ યોજનાના દેશના દરેક ગામમાં વખાણ થઈ રહ્યા છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોના બેંક ખાતામાં દર વર્ષે 6000 રૂપિયા જમા કરે છે. આ રકમ ખેડૂતોના ખાતામાં રૂ.2000ના ત્રણ સમાન હપ્તામાં જમા કરવામાં આવે છે.
આયુષ્માન ભારત યોજના
આયુષ્માન ભારત યોજના કેન્દ્ર સરકારનો મુખ્ય કાર્યક્રમ છે. આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે (BPL) પરિવારોને 5 લાખ રૂપિયા સુધીનો કેશ લેસ સ્વાસ્થ્ય વીમો આપવામાં આવે છે. સરકારના જણાવ્યા અનુસાર દેશના 10 કરોડ પરિવારોના 50 કરોડ સભ્યોને આ યોજનાનો લાભ મળશે. પીએમ મોદીએ કહ્યું કે 1300 ગંભીર રોગોની સારવાર માત્ર સરકારી જ નહીં પરંતુ ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવશે.
સ્વચ્છ ભારત મિશન
વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશન હેઠળ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે વિનામૂલ્યે શૌચાલયોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશન હેઠળ 2 ઓક્ટોબર 2014ના રોજ દેશભરમાં ‘સ્વચ્છ ભારત’ની રાષ્ટ્રીય ચળવળ શરૂ કરી હતી. ગામડાઓમાં લોકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. આ યોજનાની શરૂઆતમાં PM મોદીએ કહ્યું હતું કે ગાંધીજીએ દેશને ગુલામીમાંથી મુક્ત કરાવ્યો હતો, પરંતુ તેમનું ‘સ્વચ્છ ભારત’નું સપનું પૂરું ન થયું.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કોરોના સંકટ દરમિયાન શરૂ કરવામાં આવી હતી. આ યોજના 26 માર્ચ 2020 ના રોજ જાહેર કરવામાં આવી હતી, સરકારનો ઉદ્દેશ્ય એ છે કે દેશમાં કોઈ ભૂખ્યું ન રહે. સરકારનો દાવો છે કે લગભગ 80 કરોડ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ મળી રહ્યો છે. આ યોજના દ્વારા દરેક નાગરિકને 5 કિલોથી વધુ અનાજ આપવામાં આવે છે. તેનો લાભ રાશનકાર્ડ ધારકોને મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને સપ્ટેમ્બર-2022 સુધી લંબાવવાની જાહેરાત કરી છે.
જલ જીવન મિશન
મોદી સરકારનું લક્ષ્ય 2024 સુધીમાં ઘરે-ઘરે સ્વચ્છ પાણી પૂરું પાડવાનું છે. અગાઉ આ યોજના હેઠળ 2030 સુધીમાં દરેક ઘરમાં શુદ્ધ પાણી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. હર ઘર નળ યોજનાને જલ જીવન મિશન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજનાનો ધ્યેય પ્રતિ વ્યક્તિ દીઠ 55 લિટરના દરે પીવાનું પાણી પૂરું પાડવાનું છે.કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2022-23માં દેશભરના 3.8 કરોડ પરિવારોને સ્વચ્છ પાણી પૂરું પાડવાનો હેતુ હર ઘર નળ યોજના હેઠળ નિર્ધારિત કરવામાં આવ્યો છે. છેલ્લા 2 વર્ષમાં આ યોજના દ્વારા 5.5 કરોડ ઘરોને નળનું પાણી પૂરું પાડવામાં આવ્યું છે. આ યોજના 2019 માં શરૂ કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી આવાસ યોજના
આ યોજના હેઠળ લોકોને ઘર બનાવવા માટે મદદ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી અને ગ્રામીણ એવા લોકોને મકાનો આપવામાં આવે છે જેમની પાસે કાચા મકાનો છે. આમાં લોકોને ઓછા ખર્ચે લોન આપવામાં આવે છે, જેમાં સબસિડી આપવામાં આવે છે. બીજી બાજુ આ લોન ચૂકવવા માટે 20 વર્ષ સુધી ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ, સરકારે વર્ષ 2022 સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં 2 કરોડ મકાનો બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, આ યોજના 2015 માં શરૂ કરવામાં આવી હતી.