લમ્પી વાઇરસ : ચોટીલાનાં 16 ગામના પશુમાં લમ્પી વાઇરસનાં લક્ષણો, આ જ તાલુકામાં જિલ્લામાં સૌથી વધુ 1.50 લાખ પશુ છતાં માત્ર 710 ઢોરને જ રસી અપાઈ
- ચોટીલા તાલુકાનાં 75 અને સાયલા તાલુકાનાં 6 ગામોનાં 19 મળી કુલ 94 પશુમાં રોગનાં લક્ષણ, 1નું મૃત્યુ
- રખડતાં રોગગ્રસ્ત પશુઓને આઇસોલેટ કરવા માટે તંત્ર પાસે જગ્યા, સાધનનો અભાવ, ચોટીલામાં 12 રખડુ પશુમાં લમ્પી
જીવલેણ લમ્પી વાઇરસથી ઝાલાવાડનાં પશુઓ ગ્રસ્ત થઈ રહ્યાં છે. ખાસ તપાસ માટે આવેલી દિલ્હી, ગાંધીનગરની ટીમ પરત ફરી છે ત્યારે ચોટીલા તાલુકાનાં 16 ગામનાં 75, સાયલાના 6 ગામનાં 19 મળી કુલ 22 ગામનાં 94 પશુમાં લમ્પીનાં લક્ષણો છે. સાયલામાં 1 પશુનું મૃત્યુ નોંધાયું છે. જિલ્લામાં સૌથી વધુ 1.50 લાખ પશુ ચોટીલા તાલુકામાં, છતાં 710 પશુને જ રસી અપાઈ છે.
મંગળવારે સાયલા તાલુકાનાં 6 ગામમાં 19 પશુમાં લમ્પી જોવા મળ્યો હતો, જેમાં ઇશ્વરિયા ગામે 11થી વધુ પશુમાં રોગ જોવામાં આવ્યો છે, જેમાં 1 પશુનું મોત થયું છે. સાયલાના પશુ ચિકિત્સકે નાગડકા, વખતપર, વડિયા, ઈશ્વરિયા ગામના પશુઓની સારવાર માટે દોડધામ કરી રહ્યા હતા. ઉપરાંત વડિયા ગામે વધુ 1 પશુ અને ચોરવીરા (થાન) 2, છડીયાળી 1, ધમરાસરા 2 પશુમાં લમ્પી રોગ હોવાનું બહાર આવ્યું છે.
સાયલાના પશુ ચિકિત્સક ડૉ. ઘનશ્યામભાઈ ગોહિલ, એસ. સી. લકુમ સહિતના પશુધન નિરીક્ષકની ટીમે લમ્પી ધરાવતા પશુઓના રહેઠાણ નજીક આસપાસના 874 પશુને વેક્સિનની કામગીરી શરૂ કરી સંક્રમિત પશુઓની દેખરેખ શરૂ કરી છે.જિલ્લામાં સૌથી વધુ પશુધન ધરાવતા પંચાળના ચોટીલા તાલુકામાં પણ લમ્પી દેખાયો છે. તાલુકામાં હાથ ધરાયેલા સરવે દરમિયાન તંત્રને 16 ગામનાં પશુઓમાં લમ્પીના 75 કેસ ડિટેક્ટ થયા છે. ચોટીલા શહેરમાં 12 રખડુ પશુમાં લમ્પી જોવા મળ્યો છે. જેઓની વેટરનરી ડૉક્ટરે સારવાર કરી છે.
મરણનું પ્રમાણ ચોટીલામાં ઓછું હોવાનું નોંધાયું છે. 25 દિવસ પહેલાં રેશમિયા ગામે 2 રેઢિયાળ પશુઓનાં મોત થયાનું નોંધાયું છે. જિલ્લામાં સૌથી વધુ 1.50 લાખ પશુધન ચોટીલા તાલુકોમાં છે, તેની સામે માત્ર 710 પશુને રસી અપાઈ છે.
ચોટીલામાં વેક્સિનેશન માટે લોકો અવઢવમાં, જાગૃતિનો અભાવ :
ચોટીલા તાલુકામાં પશુપાલકોનો મોટો સમુદાય છે અને પશુઓ પણ સૌથી વધુ છે. શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી જાગૃતિનો અભાવ છે. તંત્ર સમક્ષ પશુઓના રસીકરણમાં કેટલાક પડકારો સામે આવે છે ત્યારે દરેક ધર્મગુરુઓ, સમાજના અગ્રણીઓએ રસીકરણની જાગૃતિ લાવવા પ્રયાસ કરવો જોઈએ.
અસરગ્રસ્ત રેઢિયાળ પશુઓનું આઇસોલેશન તંત્ર સામે પડકાર :
રેઢિયાળ રખડુ પશુઓમાં લમ્પીનાં લક્ષણો જણાય છે પરંતુ તેને આઇસોલેટ કેમ કરવા, તે તંત્ર સમક્ષ પડકાર છે. જાણકારોના મતે કોઈ પણ વાઇરસગ્રસ્ત પશુને આઇસોલેટ કરવા જરૂરી છે પણ તેના માટે જગ્યા અને સાધનો તાલુકા કક્ષાએ ન હોવાથી એક પડકાર તંત્ર સામે ઊભો થતો હોવાનું જણાય છે.
પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો પર પ્રતિબંધ :
લમ્પીને અટકાવવા, નિયંત્રિત કરવા ઢોરને જ્યાં રાખ્યા હોય ત્યાંથી તેની અવરજવરને પ્રતિબંધિત કરવા, જિલ્લાની હદમાં અથવા બહાર અન્ય સ્થળોએ તેમજ જિલ્લામાં પશુઓનાં વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને પ્રાણીઓનાં મેળાવડા પર પ્રતિબંધ છે. આ જાહેરનામાનાં નિયંત્રણો વેક્સિનેશન માટે લઈ જવાતાં પ્રાણીઓની અવરજવર પર લાગુ પડશે નહી. જાહેરનામાનાં ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.’ – વી. એન. સરવૈયા, અધિક જિલ્લા મૅજિસ્ટ્રેટ, સુરેન્દ્રનગર
દિલ્હીથી આવેલી સરવેની ટીમ પરત ફરી :
દિલ્હી અને ગાંધીનગરથી આવેલી ટીમે સ્થળ તપાસનો અહેવાલ તૈયાર કરી હાલ પરત ફરી છે. આ ટીમ ત્યાં અહેવાલ રજૂ કરશે. જિલ્લામાં પશુચિકિત્સક અને પશુધન નિરીક્ષકોની ટીમને જે ગામમાં પશુઓમાં રોગચાળો જણાય તો જાણ કરો ટીમ રૂબરૂ આવી તપાસ, સારવાર, રસીકરણ કરશે.’ – પી. પી. કણઝરિયા, જિલ્લા પશુ આરોગ્ય અધિકારી
20 મોબાઇલ વાન દિવસના 50 જેટલા કોલ આવે છે :
જિલ્લામાં 20 મોબાઇલ વૅન છે. ટોલફ્રી નંબર પર કૉલ કરાય તો વૅન પશુની સારવાર કરીને રસી આપે છે. જિલ્લામાં એવરેજ રોજના 50 જેટલા કૉલ આવે છે.’ – જયદેવભાઈ ગઢવી, જિલ્લા હેડ, 1962 એનિમલ હૅલ્પલાઇન