મુનિબાવા મંદિર : થાન માડવ વનમાં આવેલું 10 મી સદીનું સ્થાપત્ય ધરાવતું મુનિબાવા શિવ મંદિર
- મંદિરની પ્રતિમાઓ, શિલ્પોના અવશેષો સોમનાથ મંદિરની પ્રતિમાઓ, શિલ્પો સાથે સામ્ય ધરાવે છે
- પ્રાચીન શિવાલય એટલે આજે ઓળખાતું ‘મુનિબાવા’ મંદિર
ગુજરાતમાં સૌરાષ્ટ્ર કાઠિયાવાડનો પૌરાણિક ભૂભાગ એટલે દેવકો પંચાલ ઘણો ઐતિહાસિક છે. અહીં માંડવ્યરુષિની તપસ્યા ભૂમિ માંડવ વનનાં અનેક પવિત્ર સ્થાનો માહેનું એક પ્રાચીન શિવાલય એટલે આજે ઓળખાતું ‘મુનિબાવા’ મંદિર છે. ચોટીલાથી થાન જતા 6 કિમી અવલ્યાંઠાકરની જગ્યાંથી વાયવ્ય દિશા તરફ નજર કરો તો 10 મી સદીના સ્થાપત્ય અને ઇતિહાસને સંઘરને બેઠેલું જર્જરિત અવસ્થામાં શિવમંદિર સુધી પહોંચવા માટે પગપાળા જ જઇ શકાય છે.
મુનીબાવા શિવ મંદિર વિષે વિદ્વાનોએ મંતવ્યો રજૂ કર્યા છે. આર્કેલોજીકલ સરવે ઓફ વેસ્ટર્ન ઇન્ડિયાં મુનિબાવા મંદિર જ લખે છે પરંતુ તેનું નામ મુનિબાવા મંદિર કેમ પડ્યું તેનો કોઇ સંદર્ભ મળતો નથી. લોકવાયકા મુજબ આ પ્રદેશમાં ઘણાં સાધુ સંતો તપસ્યા કરતા હતાં માટે તે સમયે કોઇ મહાત્મા મૌન તપસ્યા કરી હશે તેથી મૌનીબાવા મંદિર નામ પડ્યાની લોક વાયકા છે. આ મંદિરનું અવલોકન કરતાં શાસ્ત્રી હરિશંકર પ્રભાશંકરે લખ્યું છે કે આ ધાર્મિક સ્થાપત્ય શિવાલય પૂર્વાભિમુખ છે. ચોકી મંડપ અને ગર્ભગૃહયુક્ત નિરંધાર પ્રકારનું છે.
આ મંદિરની પ્રતિમાઓ અને શિલ્પોના અવશેષો સોમનાથ મંદિરની પ્રતિમાઓ અને શિલ્પો સાથે સામ્ય ધરાવે છે. જ્યારે વિદ્વાન ગોદાની હરિલાલે લખ્યું છે કે આ મંદિરનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ મંદિરના સ્થાપત્યમાં કેટલાક લક્ષ્ણો ઉમેરાતા ગયેલાં લાગે છે. ગુજરાતમાં મંડપના ગજતાલુનો પ્રથમ પ્રયોગ સૌ પ્રથમ આ મંદિરમાં જોવા મળે છે. મહાગુર્જર શૈલીના વારસારૂપ થતાં કંઈક અંશે સોલંકી શૈલીને અનુસરે છે. આ મંદિરની શૈલીના પ્રકાર પરથી સંભવત 10મી સદીના મધ્યકાલમાં નિર્માણ થયેલ હોવાનું અનુમાન થઈ શકે છે.
ઝાલાવાડના રક્ષિત સ્મારકોમાં 1-1-1956થી રક્ષિત સ્મારક તરિકૈ જાહેર કરાયું
આ મંદિર 01-01-1956માં રક્ષિત સ્મારક તરીકે જાહેર કરાયું હતું. પરંતુ અહીં કોઇ જાળવણી કરાઈ ન હતી. આ મંદિરે વર્ષ 2021માં ખજાનો હોવાની લાલચે ચોરીનો પ્રયાસ થતા મંદિર લોકોના ધ્યાને આવ્યું. અહીં પુરાતન વિભાગ સરવે માટે આવ્યો હતો.પરંતુ હજુ સુધી મંદિરને કોઇ લાભ મળ્યો નથી. આ મંદિર ખંડિત હોવાથી પુરાતત્વ વિભાગ ફરી યોગ્ય બનાવી તેને જાળવણી, પર્યટન સ્થળ તરીકે વિકાસ કરાવે તેવી લોકમાગ ભઠી છે.