Raksha Bandhan 2022 : ગુરુવારે 10.40થી પૂનમ, રક્ષાબંધનનું પહેલું મુહૂર્ત સવારે 11.08થી
ભાઈ-બહેનનો પ્રિય પર્વ રક્ષા બંધન ગુરુવારે આવી રહ્યો છે. તા. 11 ઑગસ્ટે સવારે 10.40 વાગ્યાથી શ્રાવણ સુદ પૂનમ બેસે છે. આ દિવસે વ્રતની પૂનમ પણ મનાવવામાં આવશે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર લોકભાષામાં બળેવને બ્રાહ્મણોની દિવાળી તરીકે ઓળખવામાં આવે છે.
- લોકબોલીમાં બ્રાહ્મણોની દિવાળી તરીકે ઓળખાતા તહેવારમાં શિવલિંગ પર જળ-કાળા તલ મિશ્રિત દૂધનો અભિષેક ઉત્તમ
- ઝાલાવાડમાં રાખડીના ભાવમાં વધારો છતાં ઉજવણીનો ઉત્સાહ
ભાઈ-બહેનનો પ્રિય પર્વ રક્ષા બંધન ગુરુવારે આવી રહ્યો છે. તા. 11 ઑગસ્ટે સવારે 10.40 વાગ્યાથી શ્રાવણ સુદ પૂનમ બેસે છે. આ દિવસે વ્રતની પૂનમ પણ મનાવવામાં આવશે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર લોકભાષામાં બળેવને બ્રાહ્મણોની દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. શ્રાવણ માસમાં આવા દિવસે શિવલિંગ પર શુદ્ધ જળ સાથે કાચા દૂધમાં કાળા તલ નાખીને દેવાધિદેવ મહાદેવને અભિષેક કરવાથી ભૌતિક જગતના સુખ સાથે મોક્ષની પ્રાપ્તિ થાય છે. વધુમાં આવા દિવસે કમળનાં પુષ્પ અર્પણ કરવાનો વિશેષ મહિમા શિવપુરાણમાં આલેખાયો છે.
વિદ્યાર્થીગણે આજના દિવસે વિદ્યાની પ્રાપ્તિ માટે ગાયના દૂધનો અભિષેક કરવો તેમજ વિદ્વાનો પાસે રૂદ્રાભિષેક પણ કરાવી શકાય. એકી સંખ્યામાં ‘મહામૃત્યુંજય જપ’ કરવાથી આયુ, આરોગ્યની સુખાકારી વધશે તેમ જ ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓમાંથી રાહત મળશે. સાથોસાથ આજના દિવસે રૂદ્રીપાઠનું શ્રવણ કે વાંચન કરવાનું પણ વિશિષ્ટ મહત્ત્વ રહેલું છે.
રક્ષાબંધનના શુભ મુહૂર્ત |
||
ચલ ચોઘડિયું | સવારે | 11.08થી 12.47 |
લાભ ચોઘડિયું | બપોરે | 12.47થી 2.25 |
અમૃત ચોઘડિયું | બપોરે | 2.25થી 04.03 |
શુભ ચોઘડિયું | સાંજે | 5.41થી 07.19 |
અમૃત ચોઘડિયું | રાત્રે | 07.19થી 08.41 |
ચલ ચોઘડિયું | રાત્રે | 08.41થી 10.03 |
શાસ્ત્ર મુજબ રક્ષા કોણ બાંધી શકે? શાસ્ત્ર મુજબ માતા, ગુરુ, બહેન રક્ષાસૂત્ર બાંધી શકે છે. ઉપરાંત ભૂદેવ પોતાના યજમાનને, રાજપુરોહિત રાજાને રક્ષાસૂત્ર બાંધે છે. શરક્ષાસૂત્ર વ્યક્તિને અનેક મુશ્કેલીમાંથી ઉગારી લે છે. તેનું ઉત્તમ ઉદાહરણ આપણા ધર્મગ્રંથો અનુસાર મહાભારતમાં જોવા મળે છે, જેમાં કુંતી માતાએ પૌત્ર અભિમન્યુને રક્ષાસૂત્ર બાંધ્યું તેનાથી 6-6 કોઠા હેમખેમ પાર ઊતર્યો હતો.
ગત વર્ષ કરતાં 10થી 12 ટકા ભાવમાં વધારો :
બળેવ ભાઇ-બહેનનાં પવિત્ર બંધનની ઉજવણીનો દિવસ. રક્ષાબંધનના દિવસે દરેક બહેન પોતાના ભાઈની રક્ષા અને કલ્યાણ થાય તેવી પ્રાર્થના સાથે રાખડી બાંધે છે. પરંતુ હરણફાળ ઝડપી યુગમાં દરેક ચીજવસ્તુ સાથે રાખડીને પણ મોંઘવારીનું ગ્રહણ લાગ્યું છે. ગત વર્ષના પ્રમાણમાં રાખડી 10થી 12 ટકા મોંઘી થઇ છે.
રક્ષાબંધ પર્વને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે ત્યારે ઝાલાવાડની બજારોમાં રાખડીની દુકાનોમાં રક્ષા ખરીદીમાં થોડી તેજી આવી છે. રક્ષાબંધન જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ દુકાનોમાં રાખડીના વેચાણમાં ઉછાળો આવતો જાય છે.
બહારગામ રહેતા ભાઈઓની રાખડીઓ તો મોટા ભાગે ક્યારની પોસ્ટ અથવા કુરીયર મારફતે રવાના થઇ ગઇ છે. દર વર્ષે રાખડીઓમાં અવનવી ડિઝાઈન જોવા મળી રહી છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષ રાખડીના ભાવમાં 10થી 12 ટકાનો ભાવ વધારો થતા મોંઘવારી અને ભાવવધારાએ ભાઇબહેનના પર્વને પણ અસર કરી છે.
વોટરપ્રુફ રાખડીઓએ આકર્ષણ જમાવ્યું :
બાળકો માટે રાખડીની વેરાયટીમાં ટેડિબિયર, લાઈટિંગગ, મ્યુઝિક, કાર્ટૂન કેરેક્ટર્સની રેન્જ છે. આ વર્ષ વોટરપ્રુફ લાઇટિંગવાળી રાખડીઓની માગ સારી એવી છે. વયસ્કો માટે એન્ટિક સુખડ, રૂદ્રાક્ષ, એડીપેન્ડલ, લુમ્બા રૂદ્રાક્ષ પ્રકારની રાખડીઓ છે. ભગવાન ગણેશ, કાનુડો, બાળકૃષ્ણ જેવા ભગવાનની પ્રતિમાવાળી અને ઓમ, ડમરુ, ત્રિશુલ જેવા સિમ્બોલવાળી રાખડીઓની વધારે માગ છે.
રો-મટિરિયલને કારણે ભાવ વધારો :
રાખડીના ભાવોમાં મટિરિયલ અને પેકિંગની વસ્તુઓના ભાવમાં વધારો થતા આ વર્ષે ગત વર્ષની સરખામણીએ રાખડી 10થી 12 ટકા મોંધી છે. રો મટિરિયલ દોરા, શણગારની વસ્તુઓ સહિતના ભાવો વધી ગયા છે. પ્લાસ્ટિક પેકિંગમાં પણ ભાવ વધારો થયો છે. ભાવવધારો છતા આ વર્ષ ખરીદી સારી રહી છે. > અમિતભાઇ મમતોરા, રાખડીના હોલસેલ વેપારી