સુરેન્દ્રનગર: લગ્નનાં પોશાકમાં મત આપવા આવેલા મતદારોએ અન્ય મતદારોને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યું
સુરેન્દ્રનગર: લગ્નનાં પોશાકમાં મત આપવા આવેલા મતદારોએ અન્ય મતદારોને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યું. લગ્નના અવસર પહેલા
વિધાનસભા ચૂંટણી-2022 અંતર્ગત આજે સુરેન્દ્રનગર વિધાનસભા મતવિસ્તારનાં એમ. પી. શાહ કોમર્સ કોલેજ મતદાન મથક ખાતે સુખદ આશ્ચર્ય સર્જનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. સુરેન્દ્રનગરની બે બહેનો કડીવાલ પૂજાબેન તથા મીનાબેન એમના માતા પિતા સાથે મતદાન માટે મતદાન મથકે પહોંચ્યા હતા.
બંને બહેનોનાં આજે લગ્ન હોવા છતા માંડવાની વિધિ પૂર્ણ કર્યા બાદ પૂજા તથા મીના બહેન કડીવાલ મતદાન કરવા આવ્યા હતા. બંને બહેનોએ લગ્નનાં અતિ વ્યસ્ત દિવસમાંથી પણ મતદાન માટે સમય કાઢીને જિલ્લાના અન્ય મતદારો માટે ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું હતું. પૂજા બેને જણાવ્યું હતું કે, આજે અમારા લગ્ન છે પરંતુ અમે અમારી જવાબદારી સમજીને સમય કાઢીને વોટિંગ કરવા માટે આવ્યા છીએ. લગ્નને જેટલું મહત્વ આપવામાં આવે છે તેટલું જ મહત્વ મતદાનને પણ આપવું જોઈએ અને સૌએ મત આપવો જોઈએ.
આ ઉપરાંત પૂજાબેન અને મીનાબેનના પિતા કાનજીભાઈએ જણાવ્યું હતું કે, દીકરીઓના લગ્ન પ્રસંગના અવસરને તો સાચવવાનો છે.
પરંતુ એમની સાથે સાથે મતદાન કરવાનાં આ અવસરમાં મતદાન કરીને આ લોકશાહીના અવસરને પણ વધાવવો જોઈએ.
એ જ રીતે લીંબડીથી સોહમ દવે પણ તેમનાં લગ્ન છતા મતદાન કરવા સુરેન્દ્રનગર આવ્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે માંડવાની વિધિ પૂર્ણ કરી જાનનાં પ્રસ્થાન પહેલા લીંબડીથી અહીં મતદાન કરવા માટે આવ્યા છીએ કારણ કે મતદાન કરવું આપણી ફરજ છે અને આ ફરજ કોઈપણ કિંમતે ચૂકાવી જોઈએ નહીં. વિધાનસભાની ચૂંટણી દર પાંચ વર્ષે આવે છે જેથી અમે મતદાનની ફરજની ગંભીરતા સમજી માંડવાની વિધિ પૂર્ણ કર્યા બાદ મતદાન કરવા માટે આવ્યા છીએ. આવા જ અન્ય એક કિસ્સામાં ચોટીલાની બે બહેનોએ પણ લગ્ન પહેલા મતદાન કરવાને પ્રાધાન્ય આપ્યું હતું.